પુનર્જન્મ માત્ર ઈન્ડીયનો ( હિન્દુઓ ) માટે જ શા માટે ?

પુનર્જન્મ માત્ર ઈન્ડીયનો ( હિન્દુઓ ) માટે જ શા માટે ?
ખાસ કરીને ( INDIAN ) હિન્દુઓ એવી દ્રઢ માન્યતા ધરાવે છે કે મૃત્યુ બાદ વ્યક્તિનો પુનર્જન્મ થતો રહે છે આ માન્યતાને હિન્દુ તત્ત્વજ્ઞાન પણ અનુમોદન આપતું રહે છે. હિન્દુ સીવાય અન્ય કોઈ કોમ કે ધર્મ જેવા કે મુસ્લીમ ખ્રિષ્તીઓ વગેરે આ પુનર્જન્મની વાત માનતા નથી કે શ્રધ્ધા કે વિશ્વાસ પણ ધરાવતા નથી.

આ વિષય ઉપર હમણાં એક મેલ વાંચવા મળી તેમાં આમ તો ઈંડીયન વિષે જણાવેલ છે પરંતુ આ વિષયનો સંદર્ભ વિશેષ હિન્દુઓને જ સ્પર્શતો હોય હવે પછી હું માત્ર હિન્દુ તરીકે જ ઉલ્લેખ કરીશ ! આ મેલમાં હિન્દુ સીવાય કોઈને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી તેવા ઉલ્લેખ સાથે માત્ર હિન્દુઓને જ શા માટે ? તે વિષે હળવી શૈલીમાં પણ રોચક રજુઆત કરવામાં આવી છે. અને જો આ રજુઆત કોઈપણ પૂર્વગ્રહ કે ગમા-અણગમા સીવાયની લાગણી વગર તટસ્થતાથી મૂલવવામાં આવે તો કદાચ પુનર્જન્મની આ વાત વ્યાજબી લાગે તેવી સંભાવના રહે છે !

મેલમાં જે વાત અંગ્રેજીમાં કરવામાં આવી છે તે ટૂંકમા અનુવાદ કરી ગુજરાતીમા કહુ તો સ્વર્ગનો દેવદુત ભગવાનને ફોન કરી જણાવે છે કે કે હે પ્રભુ આ હિન્દુઓથી બચાવો ! કારણ તેઓ સ્વર્ગના તમામ ધારા-ધોરણો અને નીતિ-નિયમોનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે અને હવે મારા હાથની વાત રહી નથી.

+++ આ લોકો સ્વર્ગના પ્રવેશ દ્વાર કે જે રત્નો અને મોતી વડે મઢેલું છે તેના ઉપર ટીંગાય હિંચકા ખાઈ રહ્યા છે.

+++ સ્વર્ગમાંથી આપેલ સફેદ ગણવેશ ને બદલે પોતાના ઢંગ-ધડા વગરના વસ્ત્રો ધારણ કરી રહ્યા છે

+++ સ્વર્ગમાં પ્રવેશનારને જે માથા ઉપર ધારણ કરવા તેજ વર્તુળ આપવામાં આવે છે તે અન્યને સસ્તા દરે વેંચી રહ્યા છે.

+++ તેમને આપેલી સાદી ગાડીઓને બદલે મોંઘી દાટ ગાડીઓ વાપરી રહ્યા છે.

+++ સ્વર્ગમાં આવવા માટેની સીડી/દાદર સ્વચ્છ રાખવાને બદલે દાદર ઉપર જ ચા-સમોસા અને અન્ય ખાધ્ય વાનગીઓ આરોગી રહ્યા છે અને ચો તરફ ગંદકી ફેલાવી રહ્યા છે.

ભગવાન જવાબમાં કહે છે કે જો ભાઈ હિન્દુ એ હિન્દુ જ છે !! અને સ્વર્ગમાં આવતા તમામ મારાં બાળકો છે ! તેમ છતાં તારી ફરિયાદ વજુદ વાળી હોય તું શેતાનનો સંપર્ક કરી તેની સલાહ લઈ જો !

ભગવાનના સુચનથી પ્રેરાઈ દેવદુત શેતાનનો સંપર્ક કરી પૂછે છે કે, તમને ત્યાં નર્કમાં સમસ્યાઓ કનેડે છે ખરી ?

શેતાન્ દેવદુતને ફોન ચાલુ રાખવા કહે છે. થોડી વાર બાદ શેતાન દેવદુતને પૂછે છે કે તારો શું પ્રશ્ન હતો ? દેવદુત પ્રશ્ન દોહરાવે છે અને પૂછે છે કે તમને ત્યાં નર્કમાં કોઈ સમસ્યાઓ કનેડે છે ખરી ? કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે ખરો ?

શેતાન 15 મિનિટ ફોન ચાલુ રખાવી વાત કરે છે કે હમણાં હું વાત કરી શકું તેમ નથી કારણ આ હિન્દુઓ અહીં જે તાપમાં/આગમાં તેમને શેકવાના છે ત્યાં તાપ/આગ ઓછી/ઘટાડવા એર-કંડીશન લગાવી રહ્યા છે. ! વળી પોતાને દુનિયાના મોટા ટેકનીકલ ભેજા સમજતા હોય નર્ક અને સ્વર્ગ વચ્ચે ફોન અને નેટની સુવિધા ઉભી કરવાની કોશિશ કરી રહ્યા છે !

કેટલાક તો ચા-કોફી, ભજીયા, ચના-ભટુરા, ઈડલી-ડોસા, સમોસા, બરફી, જલેબી, ફાફડા, ઢોકળા, ચકલી વગેરેની લારી અને દુકાન્ કરી વેપાર શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે તો કેટલાક પાન-ગુટકા, બીડી-સીગારેટ વગેરેની લારી દ્વારા વેપલો કરવાનું વિચારી રહ્યા છે !

ભાઈ દેવદુત મારાં માટે તો ભયંકર રીતે કસોટીનો સમય ચાલી રહ્યો છે મેં તો આપણાં બોસને વિનંતિ કરી છે કે હે ભગવાન ! મને આ લોકોના ત્રાસમાંથી છોડાવો અને આ તમામને ભારતમાં પુનર્જન્મ આપી દો તો મારી જાન છૂટે !

અર્થાત શેતાન જેવો શેતાન અને તે પણ નર્કનો રખેવાળ શેતાન આપણાં લોકોની હરકતોથી હેરાન-પરેશાન થઈ પ્રભુને વિનવે છે કે આ હિન્દૂઓને નર્કમાં નહિ રાખતા તાત્કાલિક પુનર્જન્મ આપી મને આ ત્રાસમાંથી છોડાવો !!!

આપણે સૌ આપણાં લોકોની આદતોથી માહિતગાર છીએ ! કમભાગ્યે વર્ષો થયા આપણા લોકોને કોઈએ ગંદકી વિષે ટકોર કરી હોય તેવું જાણ્યું નથી પરિણામે મોટા ભાગના લોકોને ગંદકી કોને કહેવાય તે જ ખબર/સમજ નથી. પરિણામે કેટલીક આદતો રોજ-બ્-રોજની આદતો જેમ જીવનશૈલી સાથે વણાય ગઈ છે અને જો કોઈ આ વિષે ટકોર કરે તો તેમનું અપમાન કરી નાખતા અચકાતા નથી હોતા !

આપણાં લોકોની ગંદકી વિષેની આદત્/સમજ જોઈ મને ઘણી વાર વિચાર આવે છે કે સંભવ છે કે દુનિયા ભરનું ગંદામાં ગંદુ પ્રાણી કે જે ગંદકીમા જ રહે છે જન્મે છે , ઉછરે છે અને મૃત્યુ પણ ગંદ્કીમાં જ પામે છે તે ભુંડ દુનિયાના કોઈ પણ ખૂણામાં મરતા હશે તે તમામ આપણે પુનર્જન્મમાં માન્યતા ધરાવતા હોવાથી કદાચ અહિ જ આપણાં દેશમાં જ જન્મતા હોવા જોઈએ ! કારણ મોટા ભાગના લોકોને ભાગ્યે જ કોઈને પોતાની આજુ બાજુ ગંદકી દ્રષ્ટિ ગોચર થતી હોય છે કે પોતે ગંદકી કરતા અચકાતા હોય છે ! એક કહેવાય છે અને આપણૉ અનુભવ પણ છે કે આ ભુંડને નવડાવી ધોવડાવી અત્તર અને પર્ફ્યુમથી સુગંધીત કરવામાં આવે અને પછી જો છૂટુ મુકાય તો સીધુ સડસડાટ ઉકરડામા જઈ આળોટે નહિ ત્યાં સુધી તેને મજા નહિ આવે ! આવું જ કંઈક કે આવી જ વૃતિ આપણાં મોટાભાગના તમામ નાગરિકોમાં જાત કે કોમના ભેદભાવ સીવાય અર્થાત ઈંડીયનોમાં જોવા મળે છે

અરે ! વિદેશ ફરી આવેલા અને ત્યાંની ચોખ્ખાઈ/સ્વચ્છતાના બે મોઢે વખાણ કરનારા પણ પોતાની આસપાસ ગંદકી કરતા રહે છે ! વિદેશમાં પાન કે ગુટકા ખાઈ કોઈ જગ્યાએ થુકવા કે પીચકારી મારવાનું શકય બનતું ના હોય પરત આવતા વેત પહેલું કામ એર-પોર્ટ ઉપરજ થુકી/પીચકારી મારનારાઓ પોતાની આવી ગંદી વૃતિ સંતોષવાની ચેષ્ટા કરતા રહે છે અને જેની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે.

ગંદ્કી નાગરિકો દ્વારા ધરાર થતી હોવા છતાં સગવડતા પૂર્વક નગરપાલિકા અને તેના કર્મચારીઓને દોષિત ઠરાવી દેવાતા રહેવાની માનસિકતા દેશના મોટાભાગના નાગરિકો ધરાવે છે.

આ વિષે ખૂબ જ વિગતે મારાં બ્લોગ ઉપર ગંદ્કી માટે કોણ જવાબદાર નગર પાલિકા કે નાગરિકો ? અને ગંદકી-ઘોંઘાટ અને ગીર્દી ઉપર બે પોષ્ટ લાંબા સમય પહેલાં મૂકેલી છે જે વાચકોને રસ પડે તો વાંચી જવા વિનંતિ !

આ બંને પોષ્ટની લીંક આપની અનુકૂળતા માટે નીચે આપેલી છે.

https://arvindadalja.wordpress.com/ગંદકી-માટે-કોણ-જવાબદાર-નગ/

https://arvindadalja.wordpress.com/ગંદકી-ઘોંઘાટ-ગિરદી-નાબુદ/

Advertisements

12 comments

 1. હિંદુ ધર્મનો પુનર્જન્મવાદ કર્મની થીયરીને પોષે છે. જ્યોતિષો અને બ્રાહ્મણો માટે આ સો સવાલનો એક જવાબ છે. કર્મની થીયરી કર્મકાંડનો પણ જન્મ આપે છે અને આમ પુનર્જન્મવાદ, સોનાના ઈંડા આપતી મરઘી છે તેને કેમ મરવા દેવાય?

  અત્યારે ન્યુ યોર્કમાં એક મોટો ગાયત્રી યજ્ઞ થવાનો છે અને ત્યાં હાજરી આપવા પ્રમુખ ઓબામાં પણ જવાના છે એવું જાણ્યું. જો યજ્ઞ કંઈ પરિણામ લાવતો હોય તો કાશ્મીરમાં એક “મહા શાંતિ યજ્ઞ” કરવો જોઈએ. આ એક પૈસાનો બગાડ છે, જેમાં લાગતા વળગતા લોકો પૈસા બનાવશે અને યજમાન લોકો કપડાં(પૈસા) ખંખેરીને ઊભા થઇ જશે. તમારે જાણવું હોય તો શિહોરના યજ્ઞનું દેવું હજી બાકી છે તે કોઈને પૂછી જુઓ.
  મારું માનવું છે કે વ્હાઈટ હાઉસના મેદાનમાં આવો એક મોટો “ડેફીસીટ રીડક્ષન યજ્ઞ” થવો જોઈએ જેથી આખી દુનિયાનો પ્રશ્ન હલ થાય.
  પોલીટીસિયન લોકો ધંધામાં કોઈ વેશ્યાથી જરાયે ઉતરતા નથી. વેશ્યાઓતો એક મુકરર કરેલા સ્થળ પર રહે છે પરંતુ આ લોકો તો બોલાવે ત્યાં જાય. પછી જોવાનું નહિ કે કોણ અને શા માટે બોલાવે છે? એમને તો વોટ સાથે મતલબ. આમાં વ્યવસ્થાપકોને ચાંદીજ ચાંદી. મને લાગે છે કે ભવિષ્યમાં આપણાં ભારતીઓ અમેરિકનોને પણ અંધ શ્રદ્ધાળુ અને જ્યોતિષ જોતા કરી નાખશે.

  હિદુઓમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ બીજા ધર્મો કરતાં સૌથી વધુ છે. આપણે અ જીવનની પરવા કર્યા વિના બીજા નવા જીવનની તૈયારીઓ કરીએ છીએ, જે
  કદાચ ઝાંઝવાના નીર સમાન હોઈ શકે છે. મને નવાઈ એ લાગે છે કે આપણાં એટલેકે હિંદુ, જૈન અને બુદ્ધ ધર્મોમાં પુનર્જન્મની વ્યવસ્થા છે તો પણ આપણે આટલી બધી નમાલી અને ડરપોક પ્રજા કેમ છીએ જે લોકોના ધર્મમાં આવી કોઈ જાતની વ્યવસ્થા નથી તે તો મરણીયા થઈને પોતાના દેશને અને ધર્મને બરાબર સાચવે છે. જરા વિચાર તો કરો કે જે કૃષ્ણ ભગવાને કર્તવ્યથી વિમુખ થયેલા અર્જુનને પાછો કર્તવ્ય કરવા તરફ વાળ્યો, તેજ લોકોની સેંકડો નહિ પરંતુ હજ્જારો વર્ષોની ગુલામી? શા માટે? ગીતા એ કર્તવ્યનો ગ્રંથ છે પરંતુ તેમાંથી આપણે રાગ-વૈરાગ્ય, કર્મની થીયરી અને મોક્ષની વાતો પકડી લીધી અને કર્તવ્યની વાતને છોડી દીધી અને મનુની વર્ણ-વ્યવસ્થા તરફ વળી ગયા અને તેથી દેશમાંથી સૈનિક પ્રજાનું નિર્માણ ન થયું અને છૂત-અછૂતની સંસ્કૃતિ જન્મી અને તેને આપણે બિરદાવવા લાગ્યા કે આપણે એક મહાન સાંસ્કૃતિક પ્રજા છીએ. કઈ જાતની
  મહાનતા? દેશભરમાં હજજારોની સખ્યામાં વિધવાઓને સતી-પ્રથામાં બાળી નાખી તે મહાન સંસ્કૃતિ કે બાળ વિધવાને દેવ-દાસી બનાવીને તેનો ઉપભોગ કરવાની સંસ્કૃતિ? કે તરતની જન્મેલી બાળકીને દૂધ પીતી કરવાની સંસ્કૃતિ? કે ભ્રુણ હત્યાની સંસ્કૃતિ? કે હરિજનોને માણસ પણ ન ગણવાની સંસ્કૃતિ? ગાંધીજી એવું કહેતા કે જો પુનર્જન્મ હોય તો મારે બીજા જનમમાં હરિજન થવું છે.

  હજુએ આમાંના કંઈક અંશે આ રીવાજો ચાલે છે. ભ્રુણ હત્યાના પરિણામો તો હવે મળવા લાગ્યા છે. દિલ્હીમાં રાત્રે આઠ વાગ્યા પછી છોકરી તો નહિ પણ વૃદ્ધા પણ ચાલી શકતી નથી. ગુજરાતમાં છોકરીઓની અછત છે. પટેલ લોકોને છોકરીઓ શોધવા આદિવાસી વિસ્તારોમાં જવું પડે છે. દેશમાં ગાયો પણ ખુબ પીડાય છે કારણકે દૂધ આપતી બંધ થયા પછી તેને રસ્તા પર છોડી દેવામાં આવે છે, આ પણ આપણી સસ્કૃતીનો એક પ્રકાર છે. દેશમાં જેટલા પ્રાણીઓ પીડાય છે તેટલા દુનિયાના કોઈ પણ દેશમાં પીડાતા નથી.

  ધર્મ દ્વારા ગુલામી? ઋષિઓનો પ્રયોગ આધ્યાત્મિક અને પાત્રાત્મક રીતે થયો છે. મહાભારત અને રામાયણ વચ્ચે લાખો વર્ષોનું અંતર હોવા છતાં, વ્યાસ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, દુર્વાસા વગેરે ઋષિઓનો પ્રયોગ પાત્રાત્મક રીતે બન્ને પુરાણોમાં અસ્તિત્વ ધરાવે છે. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વગેરે લેખકના પાત્રો છે. ધાર્મિક ક્ષેત્રમાં એમ મનાય છે કે ગીતા એ સાક્ષાત ભગવાનની વાણી છે. આવુંજ રામાયણમાં શ્રી રામ વગેરે જે કાંઇ બોલે છે તે ગ્રન્થના લેખકની વાણી છે. આ વાત જો તમે ધાર્મિક પૂર્વગ્રહોથી મુક્ત થયા હશો તોજ સમજમાં આવશે. મૂળગ્રંથમાંથી પ્રત્યેક આચાર્યે અને પંડિતે પોતાની માન્યતાઓને વેદસિધ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. આ બધું એટલું અટપટું અને પરસ્પર વિરોધી છે કે સામાન્ય માણસ માટે સાચું-ખોટું સમજવાનું કઠીન થઇ ગયું છે. એક મુસ્લિમ કે ખ્રિસ્તી પોતના ધર્મગ્રંથનું જેટલી સ્પષ્ટતાથી અધ્યયન કરી શકે છે, તેટલું એક હિંદુ નથી કરી શકતો. નરસિંહ મહેતાએ ઠીક લખ્યું છે કે “ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી જેહને જે ગમે તેહને પૂજે.” (સ્વામી શ્રી સચ્ચિદાનંદ – બ્રહ્મ્સુત્રના પ્રવચનમાંથી.)

  એક સંપ્રદાયના સંતે કહ્યું કે જ્યારથી મેં જાણ્યું કે ક્લોનિંગ પધ્ધતિથી આઈનસ્ટઅઇનના બીજથી હજારો આઇનસ્ટાઇન પેદા કરી શકાય છે તેથી હવે મને પ્રશ્ન થાય કે આવા ક્લોનિંગથી જન્મેલા હજારો આઇનસ્ટાઇન પૂર્વ જન્મમાં શું હતા? કયા પૂર્વના કર્મોથી જન્મ્યા હશે? આ બધા એકજ પ્રકારની પ્રવૃતિ કરશે તેનું પ્રેરક બળ શું? ખરેખર આ બધાના આત્મા પહેલાં હતા કે નવા ઉત્પન્ન થયા? પહેલાં હતા તો ક્યાં હતા? તે સંત બોલ્યા કે ખરેખર હવે મને લાગે છે કે આત્મા અને મોક્ષ કલ્પના માત્ર છે. ( સ્વામી શ્રી સચ્ચિદાનંદ – ઓડીઓબુકમાંથી)

  Like

  1. ખરે ખર હું પણ માનું છું કે આપણા લોકો કૈક અલગ રીતે વિચારતા નથી સદીયો થી જે ધાર્મિક પુસ્તકો આપણા માથે કહેવાતા બુદ્ધિજીવીઓ એ માર્યા છે તેને ઘાંચી ના બળદ ને જેમ આપણે અનુસરતા આવ્યા છે. પુનર્જન્મ પણ એજ ધાર્મિક પુસ્તકો ને પેદાશ છે..શરીર નો જયારે નાશ થય છે ત્યારે તેના મગજ મા રહેલી યાદો નો પણ નાશ થાય છે, યાદ રાખવાનું કામ મગજ ના ચેતા કોશો કરતા હોય છે આ ચેતા કોશો જયારે મૃત થાય છે ત્યારે યાદ શક્તિ અને બધી યાદો નો પણ નાશ થાય છે, આજ યાદો સાથે બીજે ક્યાંક જન્મવું એજ હકીકત હાસ્યાપદ છે, આનાથી બીજી કોઈ મુર્ખારતાપૂર્ણ વાત હોય ના શકે, પરંતુ આપણી પ્રજા ખુબજ શ્રધાલું મન અને મગજ ધરાવતી હોય આવી પુનર્જન્મ ની વાતો કે બનાવો ને આસાની થી સ્વીકારી લેતી હોય છે.
   આપનો વિષય મા હું પણ એક વિષય પર મારા વિચારો આપું છું જે નીચે મુજબ છે..
   ગણપતિ ભગવાન નું માથું, હાથી નું માથું વાઢી ને લાગાવામા આવ્યું હતું, આ વાત કેટલી માન્ય છે?? શું આ તર્કબદ્ધ લાગે છે?? એક રેશ્નાલીસ્ત વ્યક્તિ જ આનો જવાબ આપી શકે છે. બાકી ધાર્મિક વ્યક્તિ ઓ ને આ વાંચી ને આઘાત લાગી શકે પણ કૈક અલગ વિચારવાનો તથા સત્યની શોધ અને સ્વીકાર કરવાનો નો દરેક ને હક છે, શું સાંચુ અને શું ખોટું છે તે વિચારવું કદાપી ખોટું હોય ના શકે…
   ભાગવાન ગણેશ નું માથું હાથી નું હોવું શું શક્ય છે, એક હાથી ના બચ્ચા નું માથું કાપી ને લગાવાનો શું એક ભગવાન(શંકર) પોતાના પુત્ર ની જિંદગી આપવા હુકમ કરી શકે?? જો તેમને આવો હુકમ કર્યો હોય તો ઈ ભગવાન ના હોય શકે?? આવા આવા કૈક જે આપણે માની નાજ શકયે એવી વાતો આપણા સદીયો પુરાના ધાર્મિક પુસ્તકો આપણા માથે મારતા આવ્યા છે, હવે જો આવી વાતો થી જો આપણે કૈક અલગ રીતે વિચારીશું તો એજ ધાર્મિક/ખુબ શ્રધાલું લોકો દંડો લય ને મારવા દોડશે.
   પુરાણી માન્યતોને ક્યાં સુધી વળગી રહીશું ? અણગમતાં સત્યો ક્યારે સ્વીકારતા થઈશું ?

   વિનોદ રોહિત
   ભરૂચ
   મોબ: ૦૯૯૯૮૨૧૪૩૩૦

   Like

   1. ભાઈશ્રી વિનોદ,

    આભાર અને સુંદર પ્રતિભાવ માટે ! આપના પ્રતિભાવમાં આપે ગણપતિ વિષે ઉલ્લેખ કરેલ છે. આપને મારાં બ્લોગ ઉપર ગણપતિ વિષેના મારાં વિચારો રજૂ કર્યા છે તે વાંચી જવા અને બાદ આપનો પ્રતિભાવ જણાવવા વિનંતિ. આવજો ! મળતા રહીશું !

    સ-સ્નેહ

    અરવિંદ

    Like

  1. ભાઈશ્રી ગૌતમ

   આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ પણ જણાયો આભાર ! અલબત્ત પ્રત્યુતર થોડો મોડો લખાય છે તો દરગુજર કરવા વિનંતિ. ફરીને મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ જણાવતા રહેશો ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 2. Dear shree Arvind Adalja,

  I am visiting your blog after long time; you have very interesting topic too. Looks like a sarcastic story with teachings.
  Mr. Adalja, I am going to write my own experience to u of 1992. I was in a very small town Ash Fork, Arizona for business. I met an American man, who had some business proposal. It was surprising the way he was introducing himself to gain my trust. Once we started talking about religion. He said “I am a Born Again Christian”. It was something new to me so I said what? He explained me about his earlier life style and did not believe in faith. One day he realized he needed to change. Soon after his own vision, got baptized his life style changed to be “Born again Christian” I was very impressed with the story. I remembered my mother used to say “Jagya tya thi Savar”
  Many a time when we realize our mistake and tell our self “mare aam nathi karvu! Kharu ne?

  Like

  1. ગીતાજી
   આભાર ! મુલાકાત માટે ! અલબત પ્રત્યુત્તર થોડો મોડો લખાય છે તો દરગુજર કરવા વિનંતિ ! આવજો ! ફરી મલાકાત લેતા રહેશો !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. સર્વેશ્રી શિલ્પાજી ગાંડાભાઈ વલ્લભ અક્ષયપાત્ર અને અશોક મોઢવાડિયા
   આપની બ્લોગ ઉપરની મુલાકત મને હંમેશા પ્રોત્સાહન આપતી રહે છે. સામાન્ય રીતે તમામ મુલાકાતીઓને વ્યક્તિગત પ્રત્યુત્તર પાઠવતો રહું છું પરંતુ આ વખતે કેટલાક કારણૉ સર તેમ કરી નહિ શક્તા અને વિલંબ પણ ઠીક ઠીક થઈ ગયો હોય સામુહિક રીતે આપ સૌનો આભારી છું તથા વિલંબ અને વ્યક્તિ ગત પ્રત્યુત્તર નહિ આપી શકવાને કારણે માઠું નહિ લગાડો તેવી અપેક્ષા સાથે મને દરગુજર કરશો તેવી આશા રાખું છું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. અહીં ન્યુઝીલેન્ડમાં સ્વચ્છતા ઘણી સારી છે; તેમ છતાં કેટલીક વાર કેળાની છાલ અને થુંક રસ્તા પર જોવા મળે છે. અહીં મેં રસ્તા પર થુંકનારને પણ જોયેલા, પરંતુ તે ભારતીય નહીં, તેમ યુરોપીયન પણ નહીં. અહીં મોટા ભાગના લોકો તો કેળાની છાલને કારણે એ હકીકત જાણતા હશે કે આ ગંદકી કરનાર કોણ હોય છે.
  ૨૦૦૬ના હીમાલય પ્રવાસમાં અમે ૩૧ જણા હતાં, જેમાં ૨૦ યુરોપીયન અને ૧૧ ભારતીય હતાં. હરકી દુનના (સ્વર્ગારોહીણી પર્વતના) પગપાળા પ્રવાસ દરમીયાન કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટીકનો કચરો જોવા મળ્યો ન હતો, કેમ કે એ પ્રવાસ ભાગ્યે જ કોઈ ભારતીય કરતા હશે. (અને ભારતીય હોય તો તે બીનનીવાસી.) જ્યારે ગંગોત્રી થઈને ગૌમુખના રસ્તા પર ઠેર ઠેર પ્લસ્ટીકનો કચરો જોવા મળ્યો હતો. અમે હીમાલયના ચોમાસા પછી તરત ગયા હતા આથી બીજો કોઈ કચરો રહ્યો નહીં હોય. આ પ્રવાસમાં અમે પાંચ ભારતીય અને માત્ર બે યુરોપીયન હતાં.
  અહીં અમે ઈન્ડીયન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ટ્રેકીંગ કરીએ છીએ, પણ નાસ્તો લીધો હોય તે નકામી ગંદી પ્લાસ્ટીકની બેગ ડુંગરો અને જંગલોમાંથી પાછા સાથે લઈ આવીએ છીએ. બાયોડીગ્રેડેબલ વસ્તુ જો કે રહેવા દઈએ ખરા. અમારા આ ગૃપમાંનું કોઈ ભારત આવે ત્યારે પણ ગંદકી કરે એ હું માની શકતો નથી, કેમ કે અમારા હીમાલયના પ્રવાસ દરમીયાન મેં એ જોયું છે. હોટલોમાં અને કેટલાક અલગ પ્રવાસોમાં અમે એકલા ભારતીય જ સાથે હતા.

  Like

 4. પૂનર્જન્મમાં માનતા હોય તેવા હિન્દુ સિવાયના ઘણા લોકો વિશ્વમાં છે. હમણાં થોડો વખત પહેલાં અહીં (અમેરીકા)ન્યુઝમાં પુરાવા સાથે એવો કિસ્સો બતાવેલ એ તો જાણે ઠીક પણ આપણે સૌ એક યા બીજી રીતે એકબીજા સાથે જોડાયેલા છીએ અને કર્મના ફળ ભોગવવા જ પડે છે તે બંને હકિકત એકસાથે સમજાવવી અઘરી પડે ત્યારે જો સામાના મગજમાં પૂનર્જન્મની માન્યતા થકી પણ સમજાવી શકાય અને મનની શુદ્ધિ તરફ વાળી શકાતા હોય તો આ માન્યતા(સાચી હોય કે ખોટી)થી બીજુ કંઈ નુકશાન મને તો જણાતુ નથી. મારી માન્યતા પ્રમાણે તો મૃત્યુ થકી છૂટી પડેલી અદ્રશ્ય જીવશક્તિ (આત્મશક્તિ)માંથી ઉત્પન્ન થતા જીવ સાથે જોડાયેલા પૂર્વના સંસ્કારો અને કેટલીકવાર સ્મરણો પણ ભૂંસાતા નથી તેથી ક્યારેક તેની અસર સ્પષ્ટ દેખાય છે. મારી એક અમેરીકન મિત્રએ મને તેનો ખુબ નાનપણનો ફોટો બતાવ્યો જેમાં તે નમસ્તેની મુદ્રા ધારણ કરીને સ્વસ્થ અને શાંત ઊભી હતી. મોટા થતા ઈંડીયા માટે તેનું આકર્ષણ વધતું ગયુ અને અત્યારે પણ તેને ગજબનું ખેંચાણ છે. સંસ્કૃત પ્રત્યે તેને ઊંડો લગાવ છે. તે ક્યારેય ઈન્ડીયા ન આવી હોવા છતાં અને પૂર્વની કોઈ સ્મૃતિ ન હોવા છતાં તે દ્રઢપણે માને છે કે તેનો પૂર્વજન્મ ભારતમાં જ હશે. અને આ રીતે તેની નાનપણની નમસ્તેની મુદ્રા માટે સૌને વિસ્મય થાય તેવું જ છે કારણ કે તે જે વાતાવરણમાં ઊછરી હતી ત્યાં તેને નમસ્તે કેમ કરવું તે શિખવા મળે તેવી કોઈ સંભાવના ન હોવાથી માબાપને પણ વિસ્મય થયેલ. જેને અન્ય કોઈ રીતે તે સમજી શક્તી નથી તેવી આ બધી મનોભાવનાઓને સમજવા માટે તેની પાસે પૂનર્જન્મ સિવાય કોઈ વિકલ્પ નથી અને આવા હઝારો કિસ્સાઓને કારણે આ માન્યતા દ્રઢ થતી રહી હશે તેવો મારો અભિપ્રાય છે.

  Like

 5. સ્વચ્છતાનો સંદેશ સરસ કટાક્ષકથા દ્વારા આપ્યો. સંદેશ સાચો જ છે. હિન્દુઓ (કે ઈન્ડીયનો) પોતે જ પોતાના ગુણ અવગુણની સમીક્ષા કરવા સક્ષમ છે તે ફરી એકવાર સાબીત થયું. જો કે આપણે પોતાની જાતને બહુ તુચ્છ સમજવાની જરૂર નથી ! અને પુનર્જન્મનો ખ્યાલ ફક્ત હિંદુ ધર્મમાં જ છે તેવું નથી, લગભગ બધા જ ધર્મોમાં આ ખ્યાલ છે. (http://en.wikipedia.org/wiki/Reincarnation) હા નામ અલગ હોઇ શકે. ઘણા ધર્મોના અમુક સંપ્રદાયો તેમાં માનતા હોય છે તો અમુક નથી માનતા. તો એમ તો ભારતિય સમાજમાં કે હિંદુ ધર્મના જ કેટલાક મતો (જેમકે ચાર્વાક) પુનર્જન્મમાં માન્યતા ધરાવતા નથી. વિદેશોમાં તો પુનર્જન્મને ચમકાવતા કીસ્સાઓની ભરમાર સૌથી વધુ જોવા મળશે, પરંતુ તેઓ સુધરેલા ગણાશે અને ભારતિયો કે હિન્દુઓ આ જ માટે પછાત ગણાશે !! અન્યધર્મીઓ કે વિદેશીઓ ધરાર પોતાને બહુ ડાહ્યા ગણાવે તેનો કોઇ ઉપાય નથી, બાકી ગંદકી (ભૌતિક અને માનસિક) માટે ફક્ત ભારતીય કે હિંદુ હોવું જવાબદાર નથી, કે ગંદકી ફક્ત ભારતમાં જ છે તેવું પણ નથી. જો કે આનો અર્થ એ પણ નથી કે સૌ ચોરી કરે છે માટે આપણે પણ કરવી ! આપણે સ્વચ્છતા માટે શક્ય તેટલી મહેનત જરૂર કરવી. હા પોતાની જાત માટે ફક્ત અને ફક્ત લઘુતાગ્રંથી ન રાખવી. અને આરોગ્ય માટે સ્વચ્છતા અતીજરૂરી હોય સ્વચ્છતાનો (અને તે પણ જાતમહેનતે જ) આગ્રહ ચોક્કસપણે રાખવો જ. આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s