મારા વ્હાલા મિત્રો અને વડિલો
30 મે 2010ના ગુજરાતી સંદેશની સંસ્કાર પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલ ગુજરાતના પ્રબુધ્ધ સાહિત્યકાર અને ચિંતક શ્રી મહોમ્મ્દ માંકડનો હાલના સમયમાં માત્ર પૈસાથી જ થતું માનવીનું મૂલ્યાંકન વિશે લખાયેલ આ લેખ મારાં બ્લોગર મિત્રોને પસંદ પડ્શે તેવી આશા સાથે મૂકયો છે. આપના પ્રતિભાવો જણાવશો તો હું તે શ્રી મહોમ્મ્દ માંકડને પહોંચાડવા પ્રયાસો કરીશ.
સ-સ્નેહ
અરવિંદ
નેકદિલ ઈન્સાન એટલે કેવા ઈન્સાન?(કેલિડોસ્કોપ)
માનવીના જીવનમાં પૈસાનું મહત્ત્વ પહેલેથી જ રહ્યું છે, પરંતુ હવે એ એટલું વધી ગયું છે કે રૂપિયાના વજન સામે માણસનું વજન કોડીનું થઈ ગયું છે. માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો-સંબંધીઓ વચ્ચે પ્રેમના સંબંધો પાતળા થતા જાય છે. પૈસો વજનદાર થતો જાય છે. તોપણ કાઠિયાવાડમાં ગામડાના લોકો કહે છે એમ ‘ધરતી ક્યારેય વાંઝણી નથી હોતી.’ હજી પણ પ્રામાણિક માણસો છે જ.
‘સંદેશ’માં આવેલા એક સમાચાર આ પ્રમાણે છેઃ મંગળવાર તા. ૧૧ મે, ૨૦૧૦ના રોજ સાણંદ હાઈવે પર આવેલ કૈલાસ બંગલોઝમાં રહેતા અને સાણંદમાં મોબાઈલ શોપ ધરાવતા દિલીપસિંહ ઝાલાનો પુત્ર શક્તિસિંહ રાત્રે લગભગ આઠેક વાગ્યે એના ઘરના માણસોને એમ કહીને નીકળ્યો હતો કે સબ્બાવાસમાં રહેતા એના મિત્ર સુનીલને ત્યાં એ જાય છે. મિત્રો એકબીજાને ત્યાં આ રીતે જતા હોય છે અને મળીને પાછા આવતા હોય છે, પરંતુ શક્તિસિંહ મોડી રાત સુધી પાછો ન આવ્યો એટલે ઘરના માણસોને ચિંતા થઈ. એમણે સુનીલના ઘરે તપાસ કરી તો ખબર પડી કે શક્તિસિંહ સુનીલના ઘરે નહોતો અને બીજા કોઈ મિત્રોને ત્યાં પણ નહોતો. સ્વાભાવિક જ એમણે શોધખોળ ચાલુ રાખ્યા છતાં પત્તો ન લાગ્યો એટલે બીજા દિવસે બપોર પછી સાણંદ પોલીસ સ્ટેશને શક્તિસિંહ ગુમ થવાની ફરિયાદ નોંધાવી.
દિલીપસિંહ ઝાલા ઉપર બુધવારે બપોરે ફોન આવ્યો હતો કે “તમારો દીકરો અમારા કબજામાં છે. એને છોડાવવો હોય તો બે કરોડ રૂપિયા આપવા પડશે.”
બીજી તરફ પોલીસને શક્તિસિંહ ગુમ થયાની ફરિયાદ મળી હોવાથી શક્તિસિંહના મિત્ર સુનીલ પટેલની કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડયો અને સાચી વાત કરી દીધી.
એણે કરેલી વાત પ્રમાણેઃ
શક્તિસિંહના પિતા દિલીપસિંહે કરોડો રૂપિયાની જમીન વેચી છે એવી ખબર પડતાં સાણંદમાં જ બીજી મોબાઈલ શોપ ધરાવનાર પ્રણવ પટેલ નામના વેપારીએ શક્તિસિંહનું અપહરણ કરી દિલીપસિંહ પાસેથી બેએક કરોડ રૂપિયા મેળવવાનું કાવતરું કર્યું અને સુનીલને પૈસાની લાલચ આપી શક્તિસિંહને એના ઘરે બોલાવવા કહ્યું. દસમા ધોરણમાં ભણતા છોકરા-સુનીલને બેગ ભરીને રૂપિયા મફતમાં મળી જશે એમ લાગતાં એ કાવતરામાં સામેલ થયો. એને થયું કે એણે તો માત્ર શક્તિસિંહને પોતાના ઘરે જ બોલાવવાનો છે વધુ કશું કરવાનું નથી. આમ, પૈસાની લાલચ એને કાવતરામાં ઘસડી ગઈ.
રાતના આઠેક વાગ્યે શક્તિસિંહ મોટર સાઈકલ લઈને હાઈવે પર પહોંચ્યો ત્યારે પ્રણવ પટેલ, સાણંદમાં જ રહેતા અલ્લારખા અને કરજણમાં રહેતા દિલાવર નામના માણસ સાથે પોતાની કાર લઈને હાજર હતો. એ લોકો બળજબરીથી શક્તિસિંહને કારમાં ધકેલીને નળસરોવર જવાના માર્ગ ઉપર ગોરજ ગામે એક ખેતરની ઓરડીમાં લઈ ગયા. પછી રાતના દસેક વાગ્યે સુનીલને સૂચના આપી કે હવે તે પોતાના ઘરે ચાલ્યો જાય જેથી કોઈને શંકા ન પડે.
પોલીસ સુનીલે જે વાત કરી એની ખરાઈ કરવા એની સાથે એ શક્તિસિંહને રાખ્યો હતો એ ખેતરની ઓરડી પર ગઈ, પરંતુ ત્યાં કોઈ વ્યક્તિ નહોતી. સુનીલની પૂછપરછ ચાલુ રહી.
એ દરમિયાન કરજણથી સાણંદ આવેલો દિલાવર પોલીસના હાથમાં ઝડપાઈ ગયો, પરંતુ હજી શક્તિસિંહનો પત્તો મળ્યો નહીં.
પછી છેક બીજા દિવસે અગિયારેક વાગે પોલીસને ખબર મળ્યા કે ગોરજ ગામની સીમના એક અવાવરું કૂવામાં કોઈક લાશ પડી છે. પોલીસ સુનીલને લઈને ત્યાં ગઈ. એણે એ લાશ ઓળખી બતાવી. એ શક્તિસિંહની લાશ હતી.
આમ, પૈસાની લાલચમાં એક નાદાન છોકરો સુનિલ પોતાના સોળ વર્ષના મિત્ર શક્તિસિંહના મૃત્યુનું કારણ બન્યો.
માનવીના જીવનમાં પૈસાનું મહત્ત્વ પહેલેથી જ રહ્યું છે, પરંતુ હવે એ એટલું વધી ગયું છે કે રૂપિયાના વજન સામે માણસનું વજન કોડીનું થઈ ગયું છે.
માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો-સંબંધીઓ વચ્ચે પ્રેમના સંબંધો પાતળા થતા જાય છે. પૈસો વજનદાર થતો જાય છે.
પરંતુ અમારે ત્યાં કાઠિયાવાડમાં ગામડાના લોકો કહે છે એમ ‘ધરતી ક્યારેય વાંઝણી નથી હોતી.’ હજી પણ પ્રામાણિક માણસો છે જ એ બાબતમાં, પૈસાની દોડ જ્યાં વધુ છે એ અમેરિકામાં બનેલા થોડા કિસ્સા અહીં આપું છું.
થોડાં વર્ષો પહેલાંની વાત છે. ન્યૂયોર્કના રાહદારીના હાથમાંથી પવનના ઝપાટાના કારણે સિત્તેર ડોલરની નોટો ઊડી ગઈ. કદાચ કોઈને એ મળે અને પોલીસ સ્ટેશને આપવા આવે એ આશાએ પોતાની હકીકત નોંધાવવા એ પોલીસ સ્ટેશને ગયો. એની અજાયબી વચ્ચે એક હેર ડ્રેસરે (વાળંદ) એની પહેલાં પોલીસ સ્ટેશને પહોંચીને પોતાની દુકાન પાસેથી મળેલી પાંત્રીસ ડોલરની બિનવારસી નોટો પોલીસને પહોંચાડી દીધી હતી. હજી એ પોલીસ સ્ટેશનમાં જ હતો ત્યાં બીજો એક માણસ દસ ડોલરની નોટ લઈને આવ્યો અને થોડી વાર પછી એક સ્ત્રી પોતાના પગ સામે ઊડીને આવેલી પચીસ ડોલરની નોટો લઈને આવી પહોંચી. એ જોઈને પેલો રાહદારી ગળગળો થઈ ગયો. આ વાત વર્તમાનપત્રોમાં આવી એટલે લોકો પોતપોતાના જીવનની એવી વાતો ચર્ચવા લાગ્યા. (અને ચર્ચાઓ તો હંમેશાં જેવી હોય એવી જ થાય છે. આજના ન્યૂયોર્કમાં એવી ચર્ચા શક્ય લાગતી નથી.) એ ચર્ચામાંથી એક હરીફાઈનું આયોજન થયું. એમાં રજૂ થયેલા પ્રામાણિકતાના કિસ્સાઓમાંથી બે કિસ્સા અહીં આપ્યા છે. અહીં જણાવેલા પહેલા કિસ્સાને નિર્ણાયકોએ બીજું પારિતોષિક અર્પણ કર્યું હતું. ન્યૂ ઈંગ્લાંડ પરગણાના એક બંદરે એક ખાનગી વીમાકંપનીવાળાને એનો એક મિત્ર મળ્યો. એણે કહ્યું કે, કીમતી માલસામાન લઈને હમણાં જ સફરે ગયેલા એના એક વહાણનો વીમો લેવાની એને ઇચ્છા છે. વીમાવાળાએ વીમા માટેની જરૂરી બધી વિગતો લખવા માંડી. કાચા કાગળો તૈયાર કર્યા અને બીજે દિવસે ‘રીતસરના કાગળોમાં’ એ મિત્રની સહી લેવા આવવાનું કહીને એ છૂટો પડયો.
બીજે દિવસે સવારે વીમા કંપનીવાળાની અને પેલા મિત્રની મુલાકાત થઈ. મિત્રે કહ્યું, “દોસ્ત, તમે ફાયદામાં રહ્યા. વીમાના કાગળોમાં રીતસરના સહી-સિક્કા થાય તે પહેલાં હમણાં જ મને ખબર મળ્યા કે મારું એ વહાણ ડૂબી ગયું છે.”
વીમાવાળાએ ગૌરવથી પેલા મિત્ર સામે જોયું અને કહ્યું, “મારા મિત્ર, અમારી પ્રણાલિકા મુજબ તમારા એ વહાણનો વીમો ગઈકાલે જ ઊતરી ગયો ગણાય. કાગળોમાં સહી કરો.”
પરંતુ પ્રથમ પારિતોષિક, સર્વાનુમતે નિર્ણાયકોએ અહીં આપેલી બીજી ઘટનાને એનાયત કર્યું :
એક સ્પેનવાસી પોતાના બહારગામ જતાં મિત્રને વિદાય આપવા માટે માર્ડીડના રેલવે સ્ટેશને ગયો હતો. બીજા દિવસે સ્પેનની મોટામાં મોટી લોટરીનો ડ્રો હતો, જેનું પ્રથમ ઈનામ ચાર લાખ ડોલર હતું.
“હું લોટરીની ટિકિટ ખરીદવા માગું છું.” સ્પેનવાસીએ મિત્રને કહ્યું.
ટ્રેન ઊપડતી હતી. “મારા માટે પણ એક ખરીદી લેજો ને.” મિત્રે ચાલતી ટ્રેને કહ્યું અને ટ્રેન ઊપડી ગઈ.
જ્યારે એ મિત્ર પાછો આવ્યો ત્યારે પેલા સ્પેનવાસીએ એને અભિનંદ આપ્યાં, “તમારી ટિકિટને પહેલું ઈનામ લાગ્યું છે.”
“પેલાને આંચકો લાગ્યો, પણ કઈ ટિકિટ કોની હતી એનો નિર્ણય તમે કેવી રીતે કર્યો?”
“એ તો બહુ સરળ વાત છે. મેં બે ટિકિટ ખરીદી હતી. એક મારા માટે, એક તમારા માટે. બંને જુદા જુદા કવરમાં મૂકીને એ કવર ઉપર આપણાં નામ લખ્યાં હતાં. તમારું નામ જે કવર ઉપર હતું એ ટિકિટને પહેલું ઈનામ લાગ્યું છે.”
જોકે આ બંને પ્રસંગો પ્રમાણમાં જૂના છે, પરંતુ હમણાં આઠેક વર્ષ પહેલાં જ બનેલો ટેક્સી ડ્રાઈવરનો આવો જ કિસ્સો છે. ન્યૂયોર્કમાં એક ટેક્સીમાં એક પેસેન્જર પચાસ હજાર ડોલર ભરેલી સૂટકેસ ભૂલીને ઊતરી ગયો. ટેક્સી ડ્રાઈવરને લગભગ એક કલાક પછી એની ખબર પડી. એ સીધો પોલીસ સ્ટેશને ગયો અને બેગ જમા કરાવી દીધી. પોલીસે બેગ ખોલી, એમાં પૈસા ઉપરાંત પેસેન્જરનું સરનામું અને ફોન નંબર પણ હતા. પોલીસે ફોન ઉપર જાણ કરી. પેલો માણસ હાંફળોફાંફળો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો. પોલીસે તેને સૂટકેસ આપીને કહ્યું, “તમારા પૈસા પૂરા છે કે નહીં તે ગણી લો.”
પોલીસની હાજરીમાં પૈસા ગણવામાં આવ્યા. પૂરા પચાસ હજાર ડોલર હતા.
એ બધો સમય પેલો ટેક્સી ડ્રાઈવર ત્યાં ઊભો રહ્યો હતો. પેસેન્જરે સૂટકેસનો કબજો લીધા પછી જ તે ત્યાંથી જવા માટે ખસ્યો.
પેસેન્જર ગળગળો થઈ ગયો અને ટેક્સીવાળાને દસ હજાર ડોલર આપવા લાગ્યો.
“ઈનામ લેવા માટે હું અહીં ઊભો નહોતો.”
ટેક્સીવાળાએ કહ્યું, “પૈસા જો ઓછા થયા હોય તો એના માટે હું જવાબદાર ગણાઉં. એ જવાબદારી સ્વીકારવા હું ઊભો હતો.”
પેસેન્જરે એની પીઠ થાબડી અને કહ્યું, “કોઈ ઈનામ તરીકે નહીં, વળતર તરીકે પણ નહીં, પરંતુ તમારી નેકદિલી માટે આ પૈસા હું આપું છું. તમે આખી બેગ લઈ જઈ શક્યા હોત. મને તમારો ટેક્સી નંબર પણ યાદ નહોતો. હજી ખબર નથી!”
“જો હું પૈસા સ્વીકારું” ટેક્સીવાળાએ કહ્યું, “તો નેકદિલી ક્યાં રહી?”
છેવટે પેલા માણસે બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું “આટલા સમયમાં વધુમાં વધુ હું પાંચ-સાત ડોલર કમાયો હોત. એટલા હું સ્વીકારી શકીશ!”
અને એણે માત્ર સાત ડોલરનો સ્વીકાર કર્યો.
અમેરિકામાં બનેલી આ વાતો એટલા માટે લખી છે કે આપણે અમેરિકા તરફ નજર રાખીને જીવવાનું શરૂ કર્યું છે.
બાકી, આપણે ત્યાં પણ અપ્રામાણિકતાના અંધકારમાં પ્રામાણિકતાના નાનકડા દીવા અવાર-નવાર ઝબકતા રહે છે. એમની સંખ્યા કદાચ વધારે છે, પરંતુ એમને એવી કોઈ પ્રસિદ્ધિ મળતી નથી. કદર પણ ઓછી થાય છે.
થોડા મહિના પહેલાં જ એક નાનકડા સમાચાર છપાયા હતાઃ (હકીકતમાં આ સમાચાર ધ્યાન દોરાય તે રીતે છપાવા જોઈતા હતા.) એક ભાઈને રસ્તામાં બાજુ પર ધકેલાઈ ગયેલું પાકીટ મળ્યું. તેમાં તેના માલિકનું આઈ કાર્ડ, નામ-સરનામું બધું જ હતું. એ ઉપરાંત તેમાં ત્રણ લાખ રૂપિયા હતા. એ ભાઈએ બે કલાક સુધી પાકીટના માલિકનું ઘર શોધીને તેને તેના રૂપિયા સાથે પાકીટ પાછું પહોંચાડયું. પાકીટના માલિકે તો પૈસા પાછા મળશે તેવી આશા જ છોડી દીધી હતી. એ મધ્યમવર્ગની વ્યક્તિ માટે ત્રણ લાખ રૂપિયા ઘણી મોટી વસ્તુ હતી. તેણે પાકીટ આપનારને પાંચ હજાર રૂપિયા આપ્યા, પરંતુ પેલા માણસે તે નમ્રતાથી લેવાનો ઈન્કાર કર્યો. એ પણ કોઈ સંત મહાત્મા કે લાખોપતિ નહોતો. એ પણ એક મધ્યમવર્ગનો સામાન્ય માણસ જ હતો, પણ પ્રામાણિકતામાં એ સૌથી ધનવાન અને ઊંચો હતો.
આ લેખ વાંચીને ઘણા વાચકમિત્રોને એમણે જોયેલા અથવા તો સાંભળેલા કોઈક પ્રસંગ યાદ આવી ગયો હશે. એવો કોઈ પ્રસંગ કોઈ વાચકમિત્ર લખી મોકલશે તો અનુકૂળતાએ ક્યારેક હું તેનો ઉલ્લેખ કરીશ. મારી નાદુરસ્ત તબિયતને કારણે કોઈને હું જવાબ આપી શકું તેમ નથી તો એ બાબતમાં મને દરગુજર કરે. જવાબની અપેક્ષા ન રાખે. પોતાનું લખાણ ટપાલમાં મોકલે. રૂબરૂ આપવા માટે ન આવે એવી વિનંતી.
(30 મે 2010ની ગુજરાતી સંદેશની સંસ્કાર પૂર્તિમાથી શ્રી મહોમ્મ્દ માંકડના સાભાર સૌજન્ય સાથે )