***** બાળકો ( પાંચથી સોળ વર્ષની વય જુથના ) દ્વારા માતા-પિતાને લખાયેલો પત્ર ( 2 ) !!! ***** 4 એપ્રિલ 2010ના પત્રના અનુસંધાને પત્ર નંબર 2
વ્હાલા મા-પાપા ( મોમ-ડેડ ),
પરીક્ષા પહેલા આપને એક પત્ર લખેલો તેના અનુસંધાને આ લખી રહ્યા છીએ. મા-પાપા, અમારી પરીક્ષા પૂર્ણ થતા આપને આનંદસાથે કહેલું કે, અમારાં બધા જ વિષયોના પેપર ધાર્યા કરતા પણ વિશેષ સારા ગયા છે અને અમારા પરિણામથી આપ બંનેને સંપૂર્ણ સંતોષ થયો છે. આપ બંનેએ અમારા ઉપર ખુશ થઈ ખૂબ ખૂબ શાબાશી આપી છે ! આપે અમારા નાના-નાનીને પણ આમારા પરિણામથી માહિતગાર કરતા તેઓએ પણ અમોને શાબાશી આપતા આશીર્વાદ પાઠવ્યા છે !
આપને તો જાણ છે કે અમારા પરીક્ષાના સમય દરમિયાન જ દેશમાં આઈપીએલ મારફત ક્રિકેટની ઘેલછા ઉભી કરવામાં આવી હતી. અમોને પણ ક્રિકેટમાં રસ હોવા છતાં હાલ જે રીતે રમાયું તે જાણે ક્રિકેટ સીવાય કંઈક બીજું જ હોય તેવું લાગ્યા કરેલું. !
અમો જ્યારે કોઈ રમત રમવામાં બે ટીમ બનાવવાની હોય ત્યારે બે કેપ્ટન્ નક્કી કરી અને બાકીના રમતમાં ભાગ લેનારાઓ બ બેની ટુકડીમાં પઢવા મોકલીએ અને બંને પોતાના નામ નક્કી કરી આવે અને પેલા કેપ્ટનને પૂછે કે કોને જોઈએ વિમાન અને કોને જોઈએ મોટર ? તે રમતની યાદ આ ક્રિકેટરો જે રીતે ખુલ્લી રીતે વેચાતા હોય ત્યારે જાણે અમારી આ રમતનું અનુકરણ ના કરી રહ્યા હોય તેવું લાગ્યા કરેલું ! આ આઈપીએલમાં ચાલી રહેલી ગોલમાલ વાંચી અમે તો સ્તબ્ધ બની ગયા છીએ. સાચુ કહીએ તો તેમાં જે રકમની વાતો આવી છે તેટલી રકમ શબ્દોમાં લખતા પણ કદાચ અમને ના આવડે ! અને કેવા મોટા મોટા માથાઓના નામ ઉછળી રહયા છે ! હેં પાપા ! આ સમાચારો તો વિદેશમાં પણ પહોંચતા હશે ને તો ત્યાં આપણાં દેશની કેવી અને કેટલી હલકી છાપ ઉભી થતી હશે તેવો વિચાર આ મોટી હસ્તીઓને નહિ આવતો હોય ?
અમારા જેવા બાળકો પણ આવી બધી વાતો વાંચી/સાંભળી કેવું વિચારતા થશે ? શું નવી પેઢીને આ મોટા લોકો આવા અનૈતિક અને ખોટા કાર્યો કરવા દોરી રહ્યા હોય તેવું નથી લાગતું ? દેશ માટે ખપી જવાનુ હોય કે દેશને લૂંટવાનો હોય ?
આપ અને મા ઉપરાંત અમારા દાદા-દાદી/નાના-નાની અમોને સારા સંસ્કાર આપી ઉછેરી રહ્યા છો અને અમે સમજ્યા છીએ કે જીવનમાં માત્ર પૈસા જ અંતિમ લક્ષ્ય ના હોવું જોઈએ
પરંતુ હજુ ક્રિકેટના કૌભાંડની વાત પૂરી થાય કે ભૂલાય તે પહેલા કોઈ કેતન મેહતાએ મેડીકલ કોલેજ શરૂ કરવા માટે પરવાનગી આપવા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાની વાતો માધ્યમો દ્વારા વાંચવા મળે છે. એ ઉપરાંત દેશના કેટલાક નેતાઓના ફોન પણ સરકાર દ્વારા ટેપ થતા હોવાના સમાચારો મળી રહ્યા છે.
પાપા ! આપણે કેવા દેશમાં જીવી રહ્યા છીએ ? તેવો પ્રશ્ન અમને થયા કરે છે નથી કોઈ ચારિત્ર્યવાન નેતા કે નથી કોઈ આપ સર્વે જે મૂલ્યોની વાત કરો છો તે !
એક બીજી વાત પણ આપને કહેવાની છે કે, આપણી પાડોશમાં એક દાદાએ વેકેશનમાં આજુ-બાજુના વિસ્તારમાં વસતા બાળકો માટે ગુજરાતી વાર્તાઓ વાચન કરવા માટે એક સપ્તાહ ઉજવવાનું નક્કી કરી તમામ ઘેર એક પત્રિકા દ્વારા જાણ કરી. આ દાદાએ પોતે આ માટે બાળકોને રસ પડે તેવા પુસ્તકો મંગાવ્યા અને જે બાળકો આ વાચનમાં ભાગ લેવા આવે તે તમામને ક્યારે ક ચોકલેટ, સેવ-મમરા, ખારીસીંગ-દાળીયા, બિસ્કીટ તો મીલ્કશેક, આઈસ્ક્રીમ્ એમ રોજ ફરતુ ફરતુ કંઈને કઈ ખવડાવે પણ ખરા ! તેમ છતાં આપને જાણી નવાઈ લાગશે કે આ પુસ્તકોનું વાચન કરવા માત્ર પાંચ જ બાળકો આવ્યા અને તેમના વડિલોને પૂછતાં જાણવા મળ્યું કે મોટા ભાગના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા હોય ગુજરાતી વાંચતા નહિ આવડતુ હોઈ ત્યાં આવી ને શું કરે ? મા-પાપા ! આપ સર્વે એટલે કે અમારા દાદા-દાદી કે નાના-નાની અમને કેટલી મજાની ગુજરાતીમાં વાર્તાઓ કહેતા રહો છો કે જેથી અમારી આ ઉમરમાં કલ્પનાશીલતા કેવડું મોટું ઉડાન કરી શકે છે !
એમાં ય જ્યારે ભગવાન કૃષ્ણની બાળપણની વાતો સાંભળીએ ત્યારે કેટલા રાક્ષસોને નાની ઉમરમાં હણી નાખ્યા અને મામા કંસને પણ 15 વર્ષની વયમાં હણી નાખ્યાની વાતો જાણી અમો પણ આવા કોઈ પરાક્રમો કરી અન્યાય થતો હોય ત્યાં લડી લેવાની પ્રેરણા મળતી રહે છે. અમો તો અમારી જાતને સદભાગી સમજીએ છીએ કે અમોને સવાલો કરવાની મનાઈ નથી. અમારી મુઝ્વણ અભ્યાસને લગતી હોય કે ઈતર પ્રવૃતિની હોય આપ સૌ વડિલો અમોને સંતોષ થાય તે રીતે જવાબો શોધી આપો છો અને અમારા ઉપર ક્યારે ય ગુસ્સો કરતા નથી કે સવાલો પૂછવાની મનાઈ કરતા નથી ક્યારે ક અમારા તોફાનો કે અવનવી હરકતો કે અભ્યાસમાં ઓછા ટકા આવવાથી ઠપકો કે અન્યો સાથે સરખામણી કર્યા સીવાય અમોને સમજાય તેવી ભાષામાં યોગ્ય સુચના અને માર્ગદર્શન આપો છો.
આ વેકેશનમાં નાના-નાનીને ત્યાં પણ ખૂબ જ મજા કરી. નાની રોજ રાત્રે અમને કોઈ ને કોઈ નવી વાર્તાઓ કરતા રહેતા. ખાસ કરીને ભગવાન કૃષ્ણના બાળપણની તેમના બાળ સહજ તોફાનોની તો મહાભારતના કેટલાક પાત્રો વિષે નાના ખાસ સમય ફાળવી અમારી સાથે વાતો કરતા જેવા કે :-
( ! ) ભિષ્મ હસ્તિનાપુર નરેશ શાંતનુ તથા માતા ગંગાના પૂત્ર કે જેમનું મૂળ નામ દેવવ્રત હતું અને જે ગાંગેય તરીકે પણ ઓળખાતા ! પિતા માછીમારની પૂત્રી સત્યવતી સાથે લગ્ન કરી શકે તે માટે આ જન્મ અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા લેનારા આને પોતાના જીવનને ભોગે પણ હસ્તિનાપુરની રક્ષા કરવાની ભિષણ પ્રતિજ્ઞા લેતા આ દેવવ્રત સમય જતાં ભિષ્મ તરીકે ઓળખાયા !
( 2 ) યુધિષ્ઠિર સત્ય જ બોલનારા પરંતુ ક્ષત્રિયને જો કોઈ જુગાર રમવાનું નિમંત્રણ આપે તો ઠુકરાવી ના શકાય તેવા ક્ષત્રિય ધર્મનું ચુસ્ટ રીતે પાલન કરવું જોઈએ તેમ માનનારા પરિણામે દુર્યોધનના નિમંત્રણે જુગ્ટું રમ્યા અને તમામ પાંડ્વોને વનવાસ ભોગવ્યો પડ્યો ! સત્યવક્તા તરીકેની પ્રતિષ્ઠાને કારણે તેમનો રથ પૃથ્વીથી બે ફૂટ અધ્ધર ચાલતો તેમ કહેવાતું. મહાભારતના યુધ્ધ દરમિયાન અશ્વસ્થામા નામે હાથી હણાતા અને તેજ નામ ધારી દ્રોણાચાર્યનો પુત્ર હતો તેથી દ્રોણાચાર્યે પોતાનો પૂત્ર હણાયો કે કેમ તે વિષે પૂછ્તા યુધિષ્ઠિરે નરો વા યા કુંજરો વા કહેતા અર્ધસત્ય ઉચ્ચાર્યું પરિણામે તેમનો રથ જમીનને અડક્વા લાગ્યો !
( 3 ) અર્જુન લક્ષ્ય વેધી કહેવાય છે કારણ કે ધનુષવિધ્યાની પરીક્ષા સમયે તે એક માત્ર એવો વિધાર્થી હતો કે જેણે માત્ર પક્ષીની આંખ જ દેખાતી હોવાનું કહેતા ગુરૂ દ્રોણાચાર્યે તીર છોડવા કહેતા પક્ષીની આંખ વીંધી નાખી હતી. મહાભારતના યુધ્ધમાં જ્યારે ભિષ્મ સેનાપતિ તરીકે પાંડવોની સેનાની કતલ કરી હા હા કાર મચાવી રહ્યા હતા ત્યારે ભગવાન કૃષ્ણની સલાહ સ્વીકારી શિખંડીને આગળ રાખી ભિષ્મને હણ્યા ! આ શિખંડી પહેલાં સ્ત્રી હોવાથી અને બાદમાં પુરૂષ બનવાથી ભિષ્મએ પોતાની પ્રતિજ્ઞા સ્ત્રી સામે હથિયાર નહિ ઉઠાવવાનું પાલન કરતા અર્જુને શિખંડીના સહારે તેમની હત્યા કરવામાં સફળતા મેળવેલી.
( 4 ) દ્રોણાચાર્ય પાંચાલરાજ દ્રુપદ અને દ્રોણાચાર્ય અગ્નિવેશઋષિના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા અને તેથી બંને ગાઢ મિત્રો હતા. દ્રુપદ પાંચાલ નરેશ બન્યા અને દ્રોણ અત્યંત દીન અવસ્થામાં દિવસો વીતાવતા હતા ! બાળકને દૂધ પાવા માટે લોટ પાણીમાં ઓગાળી દૂધ તરીકે પીવડાવવું પડતું હતુ તેથી કંઈક મદદની આશા સાથે પાંચાલ આવ્યા અને દ્રુપદને મળવા મહેલમાં જઈ દ્વારપાળ સાથે દ્રુપદને સંદેશો પાઠવ્યો જેના જવાબમાં દ્રુપદે તેમને ઓળખવાનો જ ઈંકાર કરતા રોષે ભરાઈ એક દિવસ કેદ કરી પોતાના ચરણોમાં દ્રુપદને નમાવવાની ધમકી આપી વિદાય થયા. બાદ કૌરવો અને પાંડવોના ગુરૂ તરીકે હસ્તિનાપુરમાં ધનુર વિધ્યા શીખવવા લાગ્યા અને ગુરૂ દક્ષિણામાં અર્જુનને દ્રુપદ સાથે યુધ્ધ કરી હરાવી કેદ કરી તેમના ચરણોમાં ધરવા આજ્ઞા કરી. જે અર્જુને પૂરી કરી અને દ્રોણાચાર્ય એ આ રીતે પોતાના અપમાનનો બદલો લીધો !
( 5 ) કર્ણ સારથી પુત્ર અને રાધેય તરીકે જાણીતા એવા કર્ણ મૂળતો માતા કુંતીનો પૂત્ર હતો. ધનુર વિધ્યાની કસોટી સમયે તે સારથી પૂત્ર હોઈ રાજકુમારો સાથે સ્પર્ધા ના કરી શકે તેવું મ્હેણું સંભળાવતા દુર્યોધને તેને રાજા બનાવી આ અપમાનમાંથી બચાવી માનભેર હોદો આપતા બંને ગાઢ મિત્રો બનેલા. મહાભારત યુધ્ધ પહેલાં માતા કુંતી અને ભગવાન કૃષ્ણ્ વહેલી સવારે જ્યાં કર્ણ સ્નાનાદિથી પરવારી સૂર્ય પૂજા કરી જે કોઈ યાચકો આવે તે સર્વેને દાન આપતો.તે સ્થળે જઈ આ સમયે માતા કુંતીએ કર્ણને પાંડવોના પક્ષે આવી યુધ્ધમાં ભાગ લેવા યાચના કરી અને યુવરાજનું પદ અને યુધ્ધ બાદ હસ્તિનાપુરનું રાજ તથા દ્રોપદી સુધ્ધાં આપવાની લાલચ અને પ્રલોભન આપ્યા ! ભગવાન કૃષ્ણે પણ માતા કુંતીની વાત સ્વીકારી લેવા કર્ણને કહ્યું પરંતુ કર્ણે કોઈ પણ લાલચ /પ્ર્લોભન નહિ સ્વીકારતા કહ્યું કે જ્યારે મને સુતપૂત્ર કહી અપમાન કરવામાં આવેલું ત્યારે દુર્યોધને મને અંગ દેશનું રાજ આપી મારી પ્રતિષ્ઠા કરેલી અને મિત્ર તરીકે મારું બહુમાન કરી સ્વીકારેલો તેનો દ્રોહ હું નહિ કરું. હું જાણું છું કે તેની સાથે રહેવાથી મારું મૃત્યુ નિશ્ચિત છે તેમ છતાં મિત્ર દ્રોહ મારાથી નહિ કરી શકાય મને આપ બંને માફ કરો ! ઉપરોક્ત બંને ઉદાહરણો મૈત્રીના અંતીમો છે. દ્રુપદ દ્રોણની મૈત્રી સ્વીકારવાની ના પાડે છે તો કર્ણ મૈત્રી માટે મૃત્યુ સ્વીકારવા પણ તૈયાર છે ! મહાભારતમાં જ આવા અંતીમો સંભવે !
પાપા આ વાતો કરતા કરતા નાનાએ અમોને મિત્રતાની જે વિભાવના સમજાવી તે અમોને અમારા આવનારા જીવનમાં અત્યંત ઉપયોગી થવાની છે. નાનાએ કહ્યું એક વાત સમજી લો કે કોઈપણ વ્યક્તિને મા-બાપ કે અન્ય સગા-વહાલા પસંદ કરવાનો અધિકાર નથી તે સૌને જન્મ સાથે આપોઆપ મળે છે અને તે પસંદ ના હોય તો બદલાવી શકાતા પણ નથી. જ્યારે જીવનમાં મિત્ર પસંદ કરવાનો વિકલ્પ દરેકને મળે છે અને ત્યારે તેની પસંદગી કરવામાં ખૂબ જ કાળજી રાખવી રહી. મિત્રતા એ કોઈ લાલચ કે પ્રલોભનથી ખરીદાય ના જાય તે વિષે સતત સભાન અને સતર્ક રહેવું અનિવાર્ય છે. મિત્ર માટે કર્ણની જેમ જાનફેસાની કરવાની તૈયારી રાખવી જોઈએ.
આ ઉપરાંત નાનાએ કૃષ્ણ-સુદામાની મૈત્રીની પણ વાત કરી. જેમાં સુદામા પોતાની દીન અવસ્થાને કારણે પત્નીના કહેવાથી દ્વારકા કંષ્ણ પાસે આવે છે ત્યારે બગલમાં એક નાની પોટલીમાં પત્નીએ પાડોશમાંથી માગેલા ચોખાના તાંદુલ શરમથી લજવાતા સુદામા પાસેથી ઝુંટવી લઈ આરોગે છે અને સુદામા પોતાની દીન અવસ્થાની વત કરે કે કંઈ માંગે તે પહેલાં જ કૃષ્ણ બધું જ સમજી જાય છે અને સુદામાના વતન પોરબંદરમાં ઝુંપડા જેવું મકાન મહેલ જેવું બનાવી તમામ સુખ સગવડ સાથે બનાવી દે છે અને આ રીતે મિત્રને લાચાર અવસ્થામાં માંગવા માટે શરમાવું ના પડે અને તેનું સ્વમાન પૂરેપૂરું જળવાઈ રહે તે રીતે સહાય કરે છે. તે પણ ઉમદા ઉદાહરણ રૂપ અમોને સમજાવ્યું. ટૂંકમાં મિત્રતા અંગત સ્વાર્થથી ઉંચેરી ઉઠ્વી જોઈએ !
ત્યારે આજના આ કહેવાતા આધુનિક સમયમાં કર્ણ કે કૃષ્ણ જેવો એકાદ મિત્ર પણ સમગ્ર જીવન દરમિયાન મળે તો તે સદભાગી ગણાવો જોઈએ. મિત્રો તો અનેક મળતા રહે છે પણ મોટા ભાગના મૈત્રીને સ્ટેપીંગ સ્ટોન અર્થાત પોતાનો સ્વાર્થ સાધવાનું એક સાધન ગણનારા જ હોય છે.
( 6 ) દ્રૌપદી પાંડવો જુગારમાં હાર્યા અને બાદમાં હાર્યો જુગારી વધારે ઝ્નુનથી ફરી રમે તેજ રીતે યુધ્ધિષ્ઠિર પણ ફરીને રમવા બેઠા અને હાર્યા ત્યારે જો દ્રૌપદીને દાવમાં મૂકે અને તે જીતી જાય તો હારેલું તમામ પરત કરવાની શકુનિએ શરત કરતા ફરી એક્વાર દાવ મંડાયો અને યુધ્ધિષ્ઠિર ફરીને હાર્યા જેથી દ્રૌપદીને રાજ દરબારમાં હાજર કરવા દુઃશાસનને મોકલવામાં આવ્યો અને તેણીને ઢસડીને હાજર કરી ત્યારે દ્રૌપદીએ ભિષ્મ પિતામહ અને દ્રોણાચાર્યને એક વેધક પ્રશ્ન કર્યો કે હે મહાપુરૂષો મને કહો કે યુધ્ધિષ્ઠીરે મને ક્યારે હોડમાં મૂકેલી પોતે હાર્યા પહેલા કે હાર્યા પછી ? આ પ્રશ્નનો જવાબ કોઈ આપી નહિ શકતા ફરી ફરી પૂછતા આખરે દ્રોણાચાર્યે કહ્યું કે અમો તો ધનના દાસ છીએ !
( 7 ) દુર્યોધન કૌરવોનો મોટોભાઈ અત્યંત અભિમાની અહંકારી હોવા છતાં નિખાલસતાથી કહે કે હું ધર્મ જાણું છું પણ આચરી શક્તો નથી તો અધર્મ પણ જાણતો હોવા છતાં છોડી શક્તો નથી. પોતાની નબળાઈ પ્રમાણિકતા અને નિખાલસતાથી સ્વીકારી શકે છે.
આ ઉપરાંત ધૃતરાષ્ટ્ર ,ગાંધારી, અને કુંતી, શકુની, અશ્વસ્થામા, ભીમ, વિદુર વગેરે વિષે પણ અમોને માહિતગાર કર્યા ! આ રીતે અમારું વેકેશન નાના-નાનીને સંગ અમોને તો ફળ્યું તેવું જણાય છે. ફરીને તેમની પાસે જવા અમો ખૂબ જ આતુર છીએ !
મા આપ કેટલા ભાગ્યશાળી કે આપને આવા સમજદાર મા-પાપા મળ્યા અને અમોને આપ થકી નાના-નાની ! આ બનેને આપણી સાથે રહેવા અહિ ના બોલાવી શકાય ? મા-પાપા, નાની અને નાના પાસે વાતોનો મોટો ખજાનો છે અહિ આપણી સાથે રહે તો અમોને રોજ તેઓ પાસેથી નવી નવી વાતો જાણવા મળે અને અમારી ક્ષમતા પણ વધતી રહે ! આપ બંને આ વિષે ગંભીરતાથી વિચારી નાના-નાનીને અહિ આપણી સાથે કાયમ માટે રહેવા બોલાવી લો ને પ્લીઝ ! બોલાવી લેશો ને ?
આ પત્ર પૂરો કરીએ તે પહેલાં એક વાત માટે અમો આપના ખુબ જ ઋણી છીએ ! આપ અમારી સરખામણી અન્ય કોઈ સાથે ક્યારે ય કરતા નથી અને અમોને પણ કહેતા હો છો કે દરેક વ્યકતિની ક્ષમતા અલગ અલગ હોય અને તેથી એક બીજાની સરખામણી નહિ કરવી જોઈએ પરંતુ અમારા કેટલાક મિત્રોના મા-બાપ આવી સરખામણી કરી તેમને શીક્ષા પણ કરે છે જ્યારે આપ અમારી સમજ અને ક્ષમતા કેમ વધે તે માટે સલાહ સુચના અને માર્ગદર્શન પ્રેમથી પડખામાં બેસાડી આપો છો. હા, એ પણ ખરું છે કે ક્યારે ક આપ અમારા તોફાનો કે મસ્તીથી અને હરક્તોથી તથા અભ્યાસમાં પૂરું ધ્યાન આપવાને બદ્લે ભૂલો કરવા લાગીએ ત્યારે વાજ આવી અમને શીક્ષા કરવાને બદ્લે આપ પોતાની જાતને શીક્ષા કરતા રહો છો અને કંઈપણ ખાધા પીધા વગર અપવાસ અને મૌન ધારણ કરી બેસી જાવ છો જે અમારી જાણમાં આવતા જ અમો ભારે પીડા અને વ્યથા અનુભવતા હોઈએ છીએ અને આપની માફી માંગી ભવિષ્યમાં આનું પુનરાવર્તન નહિ કરીએ તેની ખાત્રી અને ભરોસો આપ્યા બાદ જ આપ અમારી સાથે ક્યારેય કંઈ ખોટું થયું જ ના હોય તે રીતે પૂરેપૂરા વ્હાલ અને પ્રેમથી વર્તવા લાગો છો અને અમો આપની ગોદમાં ધ્રુસકે ધ્રુસકે રડી લઈ પસ્તાવો વ્યકત કરીએ છીએ. અને અમોને મનો મન એક પ્રશ્ન થાય છે કે અમારા વડિલો જેવા તમામ બાળકોને વડિલો કેમ નહિ મળતા હોય ?
અંતમાં અમારી આપ સૌ વડિલોને એક જ દર્દભરી અરજ છે કે હે વડિલો ! અમોને અમારી રસ-રૂચી પ્રમાણે નૈસર્ગિક રીતે વિકસવા દેશો તો અમો સૌ આપના જન્મો જન્મ ઋણી રહેશું !!!
અમો છીએ
આપના
વ્હાલા મીઠડા ભૂલકાઓ