બાળકો ( પાંચથી સોળ વર્ષની વય જુથના ) દ્વારા માતા-પિતાને લખાયેલો પત્ર !!!

બાળકો ( પાંચથી સોળ વર્ષની વય જુથના ) દ્વારા માતા-પિતાને લખાયેલો પત્ર !!!
વ્હાલા મા-પાપા— ( મોમ અને ડેડ ),

પત્રની શરૂઆત કરીએ તે પહેલાં આપને બે રીતે સંબોધન કર્યું છે તે વિષે થોડી સ્પષ્ટતા કરી બાદ અમારે જે કહેવાનું છે તે કહીશું ! અમારા દાદા-દાદી/નાના-નાનીએ, અમારાં બાળપણમાં જ અમને, આપ બંનેને કઈ રીતે સંબોધવા, તે શીખવતા હતા ત્યારે, ઉપરોકત બંને સંબોધનો અમારી સમક્ષ મૂકેલા અને અમે જે પસંદ કરીએ તે રીતે સંબોધન કરવા કહેલું !

અમોએ મનોમન અને મોટેથી પણ બંને સંબોધનો અનેક વાર ઉચ્ચારેલા અને બાદમાં, મા ના સંબોધનમાં અમે જે લાગણી સભર રણકાર અને મીઠાશ અનુભવેલા તે અલૌકિક જણાતાં, માતા માટે અમોએ મા સંબોધન સ્વીકારેલું. અલબત્ત કેટલાક પરિવારોમાં માને બા પણ કહેવામાં આવે છે તેમ છતાં મા શબ્દ જાણે આપોઆપ નાભિમાંથી જન્મતો હોય તેવું અમે અનુભવ્યું હોય, અમે તો મા જ પસંદ કર્યું છે.
પિતાશ્રી માટે જૂના સમયમાં બાપુજી-બાપા-ભાઈ-કાકા ( સંયુકત પરિવારમાં ) વગેરે સંબોધનો હતા. બાદમાં બાપુજી કે બાપાના શબ્દએ નવું સ્વરૂપ પાપા ઉભર્યું અને આધુનિક સમયમાં કેટલાક પરિવારોમાં ડેડ પણ બન્યું. અમોએ પાપા-અને ડેડી બંને વિષે દાદા-દાદી/નાના-નાની સાથે વાત કરતાં જાણ્યું કે, અંગ્રેજી ભાષામાં ડેડ અર્થાત જેનું મૃત્યું થયું છે તેવી વ્યક્તિ જેવો અર્થ પણ નીપજતો હોય તેથી અમોએ તે સંબોધન પડતું મેલ્યું અને પાપા સ્વીકાર્યું.તેમ છતાં આ પત્રમાં અમોએ બંને સંબોધનો લખ્યા છે કારણ્ કે, અમારાં કેટલાક મિત્રોને મોમ અને ડેડ પસંદ છે.
આપનો પત્ર અમોએ વાંચ્યો છે.આપ અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શું કરી રહ્યા છો ,તેમજ અમારી પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો તે અમે જાણ્યું અને સમજવા કોશિશ કરી છે. આપ બંને આ કારમી મોંઘવારીના સમયમાં અમારા ઉછેર-ઘડતર અને ભણતર વગેરે માટે જે શ્રમ ઉઠાવી રહ્યા છો તે જાણી અમોને આપ બંને માટે વિશેષ માન અને આદર પ્રગટ્યા છે. દિવસ-રાત એક કરી અમારાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે તન તોડ મહેનત કરો છો, તે જોતા હોવા છતાં, આપ બંનેની ગેર હાજરીને કારણે અમો ઘરમાં એકલતા અનુભવીએ છીએ-અને નોકરો મારફત અમારો ઉછેર થાય છે તેથી આપ બંનેના વ્હાલ્-પ્રેમ અને પ્યારથી વંચિત રહેતા હોઈએ તેવું લાગ્યા કરે છે.
હમણાં જ જોયેલા બે દ્વશ્યોએ અમારાં દિલને હચમચાવી દીધેલા-આપણાં ઘર પાસે જ એક કુતરીને બચ્ચાં આવેલા છે. અને તે કુતરી જે રીતે ગલુડીયાંની ભાળ રાખે છે પોતાની ગોદમાં આ ગલુડીયાંને લઈ હુંફ આપી જીભથી ચાટતા ચાટતા નિરાંતવા અને નિર્ભય બનાવી પોઢાડે છે તો મા અને ગલુડીયાં રમત –ગમત અને લાડ-પ્યાર એક બીજાને કરતાં જોઈ જાણે અમારું બાળપણ કોઈએ છીનવી લીધું હોય તેવું લાગ્યા કરે છે. તેવું જ આપે જોયું હોય, તો આપણાં ઘરની બાલ્કનીમાં ચકલીએ માળો કર્યો છે અને તેને પણ બચ્ચાં આવ્યા છે તેને માટે પોતાની ચાંચોમાં બંને ચકલો અને ચક્લી ખોરાક શોધી લાવી પોતાના મોંમાથી જ સીધો બચ્ચાના મોંમા ખવડાવે છે તે દ્વશ્ય જોઈ મા-પાપા, અમારી આંખમાં પાણી આવી ગયું. મા ચકલી અને બચ્ચાના કલબલાટથી આપણું ઘર ઘડીકવાર તો એવું ગુંજી ઉઠે છે કે જાણે દુનિયા આખીનો આનંદ અહીં જ ઠલવાતો ના હોય !

હા, મા ! આથી આપ બંને વિચલિત નહિ થતા ! અમોને આપનો પ્યાર કે વહાલ ઓછું મળે છે તેમ રખે માનશો ! આપ બંને વીક-એંડમાં અમારાં માટે પૂરેપૂરા દિવસો ફાળવો જ છો, ને ત્યારે અમો પણ નાનાં નાનાં ભુલકા બની આખા સપ્તાહના લાડ-ચાગ એકી સાથે માણી લઈએ છીએ.

હાલ પરીક્ષાનો માહોલ સમગ્ર પરિવારો ઉપર સવાર થયો છે અને અમારા સહિત આપ બંને પણ તેથી બાકાત નથી. પરંતુ અભ્યાસ અંગે અમો બરાબર કાળજી રાખી રહ્યા છીએ માટે અમારા વિષે કોઈ ચિંતા કરી તનાવ અનુભવતા નહિ. હા ! અમારી જાણમાં અમારા સમવયસ્કો છે જે મા-બાપની લાગણીનો દુરૂપયોગ કરી જુઠાણાનો આશરો લઈ અભ્યાસમાં ધ્યાન પરોવવાને બદલે કંઈક બીજું જ કરી રહ્યા હોય છે ! કેટલાક ખોટી સંગતમાં તમાકુ-ગુટકા અને ધ્રુમ્રપાનના વ્યસની પણ બન્યા છે. અને મા-બાપથી છાના-ખાનગીમાં પોતાના વ્યસનો પોષી રહ્યા છે. આશ્ચર્યતો એ વાતનું છે પાપા કે, આ બાળકોને તેમના મા-બાપ તરફથી પોકેટ-મની તરીકે માસિક રૂપીયા 500/- થી 5000/- કે તેથી પણ વધારે મળી રહ્યા છે .ઉપરાંત સગીર હોવા છતાં વગર લાયસંસે મોંઘી મોટર-સાયકલ કે સ્કૂટર અને સાથે મોબાઈલ ફોન પણ મા-બાપ અપાવે છે ! અને આ બાળકો બેફામ બિન્દાસ બની મોટર-સાયકલ કે સ્કૂટર ફાવે તેમ ચલાવતા રહે છે અને ચાલુ વાહને મોબાઈલ ઉપર પણ વાતો કરતા રહે છે !
આપની પાસે જુઠું નહિ બોલીએ, પરંતુ ક્યારે ક આવા બાળકોને જોઈ, અમો લઘુતાગ્રંથી અનુભવીએ છીએ ! અને મનોમન આવું બધુ મેળવવાની લાલચ ક્ષણવાર થઈ જતી હોય છે. પરંતુ આભાર આપ બંને અને વધુ તો અમારા દાદા-દાદી અને નાના-નાનીનો કે અમારી આ ઉછળતી કુદતી ટીન-એજમાં જે સંસ્કારનું સીંચન કર્યું છે અને કરી રહ્યા છો કે અમો આ લાલચમાં લપટાઈ જતા બચી જઈએ છીએ.

સાથો સાથ આપણાં પરિવારની પ્રણાલી પ્રમાણે મહિનાનો બીજો રવિવાર સ્વંયપાક દિવસ તરીકે ઉજવાય છે –જે રીતે શાળામાં વર્ષમાં એક વાર સ્વંય શિક્ષણ દિન તરીકે ઉજવાય છે તેવા જ સ્વરૂપે આપણાં પરિવારમાં દાદા-દાદી દ્વારા શરૂ કરેલ તે રીત હજુ પણ જળવાઈ રહી છે. અને આ દિવસે ભોજનમાં શું બનાવવું તે અમો બાળકો નક્કી કરીએ છીએ અને કેવી રીતે બનાવવી તે વિષે આપ બંને માર્ગ દર્શન આપો છો તેથી અમો મોટી સંખ્યામાં વાનગીઓ બનાવતા શીખી શક્યા છીએ.
આ ઉપરાંત પરિવારનું માસિક બજેટ બનાવતા પણ અમોને શીખવ્યું છે અને તે પ્રમાણે આવકના પ્રમાણમાં કેટલો ખર્ચ કરવો-કેટલી બચત કરવી ઉપરાંત આકસ્મિક ખર્ચ જેવાકે માંદગી-સામાજિક વ્યવહારો ઉપરાંત મહેમાનો વગેરે ને પહોંચી વળવા પગારની રકમ અમારાં હાથમાં સોંપી આપી તમામ કાર્ય અમારા થકી કરાવી અમોને કોઈ શાળામાં ના મળે તેવું શિક્ષણ આપી રહ્યા છો જેનો અમોને ગર્વ છે. અમો જ્યારે આ વાત અમારાં મિત્ર વર્તુળમાં કરતા હોઈએ છીએ ત્યારે મોટા ભાગના મિત્રો આશ્ચર્યથી અમારી વાતો સાંભળી રહે છે અને કેટલાક તો આપણાં પરિવારની આવી બધી વાતો તેમના માતા-પિતા સમક્ષ કહેવા અમોને તેમના ઘેર આમંત્રે છે. અને બાદમાં તેમના માતા-પિતા પણ આપણી આ પ્રણાલીકા તેમના પરિવારમાં પણ અજમાવે છે અને પોતાના બાળકો નાની ઉમરમાં જ જવાબદાર બની રહે છે તે જાણી આનંદ પ્રદર્શિત કરે છે.

આજનું ભણતર અમારાં માટે અને વધુમાં તો મા-બાપ માટે દિન-પ્રતિ-દિન ભારરૂપ બની રહ્યું છે જે વિષે સૌ સભાન બન્યા છે. અમારા મોટાભાગના સહાધ્યાયીઓ ઉપર તેમને શું ભણવું ,કેટલા કલાકો વાંચવું, અને મોટા થઈ શુ બનવું તે આજથી જ તેમના મન ઉપર તેમના મા-બાપો વારંવાર ટોક્યા કરતા અમો જોઈએ છીએ, ત્યારે મા-પાપા અમો તો અમોને સદનસીબ ગણીએ છીએ કે અમોને આપના જેવા માતા-પિતા મળ્યા છે કે જે અમોને શું ભણવું કે, શું બનવું તે વિષે કોઈ પ્રકારનું દબાણ કર્યા વગર અમો પૂછીએ ત્યારે માત્ર માર્ગદર્શન આપે છે અને બાકી અમારી ઈચ્છા ઉપર અને અમારી શક્તિ અને કાબેલિયત ઉપર મદાર રાખવા પ્રેરણા આપતા રહે છે.
મોટા ભાગના અમારા મિત્રો મા-બાપ સામે કોઈ સવાલ કે દલીલો કરી શકતા નથી. જ્યારે આપ બંને તો અમારી સાથે નિયમિત રીતે સંવાદ કરો છો. અમારા ગમા-અણગમા વિષેની માહિતી મેળવતા રહો છો.. અને જો અમો કોઈ બાબત સમજવામાં ભૂલ કરતા હોઈએ તો પ્રેમથી અમોને અમારા પૂર્વગ્રહો દૂર કરી તે જ બાબત બરાબર સમજાવી પણ દો છો. પરિણામે અમો ક્યારે ય ગુંગળામણ અનુભવતા નથી અને નિખાલસ રીતે આપ બંને સાથે વિચારોનું આદાન-પ્રદાન કરી અમારી મુંઝવણો ઉકેલી શકીએ છીએ. આપે ક્યારે ય પરીક્ષામાં અમોને ઓછા ટકા મળ્યા હોય તો પણ અન્યની નજરમાં ઉતારી પાડયા નથી. અમનો હવે પછી વધારે કાળજી પૂર્વક અભ્યાસ કરવા અને સારું પરિણામ લાવવા પ્રેમથી જણાવ્યું છે. અમોએ આપ બંને અમારાં અભ્યાસ પાછળ કેટલો ખર્ચ કરો છો અને હજુ આવનારા વર્ષોમાં કેટલી રકમની જોગવાઈ કરવી પડ્શે તેવી કોઈ વાત અમારાં રૂબરૂમાં કરી હોય તેવું અમોને યાદ નથી. અમારા માર્ક જોઈ અમારા મિત્રોને કેટલા ટકા આવ્યા તે ક્યારે ય પૂછ્યું નથી કે નથી અમારી સરખામણી વધારે માર્ક લાવનાર સાથે કરી ટપાર્યા !

આપ બંને અમારી રુચી અને રસના વિષયથી સતત માહિત ગાર રહો છો અને તે વિષયોમાં અમોને પ્રોત્સાહન આપી વધુ સારી રીતે અભ્યાસ કરી શકીએ તે માટે સવલતો અમારા માગ્યા વગર કરી દો છો, જે માટે અમો તો આપ બંને માટે ગૌરવ અનુભવીએ છીએ. અને વિશ્વાસ રાખજો કે અમો ક્યારે ય તમારા વિશ્વાસનો ભંગ નહિ કરીએ પણ આપ બંનેને ગૌરવ અપાવવા પૂરતી કોશિશ કરતા રહીશું. અમોને આવનારા દિવસોમાં આગળ લાવવાની જે ઈચ્છા આપે સેવી છે તે પૂર્ણ કરવાની અમારી જવાબદારી અમો પૂરેપૂરી નિભાવીશું તેની અમો ખાત્રી આપીએ છીએ.

ઉપરાંત આપ બંને અમારા અભ્યાસનો અસહ્ય ખર્ચનો બોજો ઉઠાવી તન તોડ મહેનત કરી રહ્યા છો તે કેમ ઓછો કરી શકાય તે માટે અમો પણ વિચારી રહ્યા છીએ પણ તે વિષે હવે પછી આપને જણાવીશું કારણ કે, આવતા સપ્તાહમાં અમારી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી હોય આજે આ પત્ર પૂરો કરીએ છીએ અને હવે પછી પરીક્ષા બાદ ફરીને આપશ્રીને અમારી લાગણીઓ વિષે જણાવીશું ત્યાં સુધી આપની રજા લઈએ છીએ.
અમો છીએ
આપના
લાડકા બાલુડાઓ

Advertisements

3 comments

 1. ઘર ઘર અને આજના સમયમાં રમતી કથા

  થોડીક ગમતી સમજાવતીને વહેંચતી વ્યથા

  રમેશ પટેલ(આકાશદીપ)

  આટાપાટા કુદરત અને આપણા..રમેશ પટેલ(આકાશદીપ)
  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s