દાદા-દાદી અને નાના-નાનીને પોત્રા-પોત્રી અને દોહિત્રા-દોહિત્રી ( ઉંમર વર્ષ 1 ½ થી 16 સુધીના) દ્વારા પત્ર !!!!!

આ પત્ર સ્વરૂપનો લેખ બાળકોની મનોમન વ્યથા વગેરે વ્યકત કરતો જણાશે જે મારાં બ્લોગ ઉપર 28/01/2010ના પ્રસિધ્ધ કરેલો હોઈ આજે ફરી બ્લોગ ઉપર મૂકેલ છે જેથી વાચક મિત્રો 2010ની સાલ અને આજે 2016માં  છ વર્ષના ગાળામાં બાળકોની વેદના કે વ્યથા વધી કે ઘટી તે વિષે વિચારી શકે !

દાદા-દાદી અને નાના-નાનીને પોત્રા-પોત્રી અને દોહિત્રા-દોહિત્રી ( ઉંમર વર્ષ 1 ½ થી 16 સુધીના) દ્વારા પત્ર !!!!

આ આવેદન પત્ર આપનાર અમો છીએ આપના સૌના લાડકા-વ્હાલા પોત્રા-પોત્રી અને દોહિત્રા-દોહિત્રી. આપ જાણો છો કે આવનારા દિવસોમાં અમારા ઉપર પરીક્ષાના વાદળો હાવી થઈ ધેરાઈ રહ્યા છે. ચો-તરફ પરીક્ષાનો હાઉ અમને ધરાર ડરાવી રહ્યો છે. માનસિક રીતે અમને હળવા થવા કોઈનો ખોળો કે ખભ્ભો ઉપલબ્ધ નથી. અમો અમારી ચિતા-વ્યથા-કે પીડા કોઈ સમક્ષ ઠાલવી હળવા થઈ શકતા ના હોઈ મનોમન ગુંગળામણ અનુભવી રહ્યા છીએ ત્યારે આજ સુધી અમને આપના તરફથી હંમેશા લાડ-પ્યાર અને વ્હાલ ઉપરાંત લાગણી ભીની હુંફ મળતી રહી છે અને તેથી જ અમોએ આ પત્ર દ્વારા આપને અમારી વેદનાસભર  થોડી વાતો કરી અમને બચાવી/રક્ષણ આપવા કાકલુદીભરી વિનંતિ સાથે આપના ચરણોમાં અમારી જાતને સમર્પિત કરી રહ્યા છીએ ! આ ધગધગતિ માનસિક અશાંતિમાંથી લાગણીસભર હુંફ આપી આપની શીતળછાયામાં અમને વિસામો મળી રહેશે તેવી આશા અને અપેક્ષા જ નથી પણ સંપૂર્ણ  શ્રધ્ધા સાથે આપના શરણે આવેલા છીએ !

અમને જાણ છે કે આપ અમારો પક્ષ લઈ અમારાં મા-બાપ અલબત્ત આપના દીકરા-દીકરી સમક્ષ અમારી વકિલાત કરશો તો આપને આપના જ સંતાનો તરફથી અપમાન-અવહેલના કે અવગણના ઉપરાંત અનેક મ્હેણાં-ટોણાં સાંભળવા પડશે ! અમે શાક્ષી છીએ કે આપે જ્યારે કોઈ એવી વાતો કરી હોય ત્યારે અમારાં મા-બાપે છ્ણકા કરી ખરાબ શબ્દોમાં આપની લાગણી  દુભાવી હોય તેમ છતાં તેઓ આપના જ સંતાનો હોય મૌન ધારણ કરી આવાં અપમાનો સહેતા રહ્યા છો !  અમને એ પણ જાણ  છે કે અમારાં સમવયસ્ક કેટલાક બાળકોના મા-બાપે પોતાના મા-બાપોને વૃધ્ધાશ્રમમાં ધકેલી દીધા છે તો કેટલાકના તમામ માલ-મિલ્કત પડાવી તદન એકલા પાડી ઘરમા જ એક રૂમમાં તેમને લગભગ કેદ જેવી સ્થિતિમાં મૂક્યા છે  અને  ઓશિયાળા બનાવી ભીખારી જેવું જીવન જીવતા કરી મૂક્યા છે ! કેટલાક તો પોતાના મા-બાપ ઉપર હાથ ઉપાડતા હોય તેવું પણ અમે સાંભળ્યું છે ! કેટલાક માંદગી દરમિયાન સારવાર કરાવવાને બદલે સરકારી કે સસ્તી હોસ્પિટલમાં મા-બાપને દાખલ કરી ઈતીશ્રી માનનારા વિષે પણ અમને જાણ છે !

માસિક સારું કમાતા અમારાંમાંના કેટલાકના મા-બાપો પોતાના મા-બાપની કોઈ પરવા કર્યા સિવાય વૈભવી જીંદગી જીવી રહ્યા છે અને મા-બાપની ઉપેક્ષા કરનારા તેમના મૃત્યુ બાદ તેમના નામે દાન્-ધર્માદો કે પૂતળાં મૂકાવી સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાની ચેષ્ટા કરતા રહે છે !

અમો અમારા આધુનિક જીવનશૈલી  સાથે જીવન બસર કરતાં મા-બાપોના આચારો સારી રીતે જાણતા હોવા છતાં અમારી વય મર્યાદાને કારણે નિઃસહાય બની મૂક પ્રેક્ષક બની આવા કઠોર અને અમાનવીય વ્યવહારના શાક્ષી બની રહેવા સિવાય  અમારા માટે કોઈ વિકલ્પ રહેતો નથી.

અલબત્ત આ પત્ર આવી બધી વાતો/બાબતો વિષે લખવાનો મુખ્ય ઉદેશ નથી પરંતુ ઉપરોકત પૂર્વભૂમિકા બાંધ્યા સિવાય કદાચ અમારી વાત યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ના સમજાય તો  તેવા ભયને કારણે થોડી ભુમિકા બાંધી હવે મૂળ મુદા ઉપર આવીશું ! આપ જાણો છો કે આવનારા દિવસોમાં આવી રહેલી પરિક્ષાના સંદર્ભે આપના સંતાનો અર્થાત અમારાં મા-બાપની જાણે અમે રોબોટ યંત્રમાનવ ના હોઈએ તે રીતે રાખવામાં આવતી અપેક્ષાઓ વિષે અમારી વેદના-વ્યથા અને પીડા જણાવવાનો મુખ્ય ઉદેશ   સાથે આવી રહેલી પરીક્ષાના સખ્ત પરિશ્રમના ભારણમાંથી હળવા થવાનો આ પ્રયાસ છે.

વડિલ શ્રી આપે કહેલી કેટલીક વાતો આજે યાદ આવે છે આપે કહેલું કે અમારાં મા-બાપને 5 વર્ષની ઉંમર પૂરી થયા પછી ગામઠી શાળા તરીકે ઓળખાતી શાળામાં મૂકવામાં આવેલા અને સ્લેટ અને પેન (વતેણું ) ભણવા માટે પ્રાથમિક જરૂરીયાત ગણાતી.શાળાના પ્રથમ દિવસે સમગ્ર શાળાના વિધ્યાર્થીઓને મીઠાઈ વહેંચવામાં આવતી ! આ સમયમાં બાલમંદિરો નહિ હતા તો એલ.કે.જી કે એચ.કે.જી.ના કોઈએ નામ પણ નહિ સાંભળેલા ! શાળાની  માસિક ફી તે સમયના 1 આનો અર્થાત હાલના 6 પૈસા જેટલી હતી. બાદમાં સરકારી પ્રાથમિક શાળામાં 7 ધોરણ સુધીનો અભ્યાસ અને જેની માસિક  ફી ત્યારના 4 આના હાલના 25 પૈસા રહેતી ! પછી સરકારી માધ્યમિક શાળામાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરાવવમાં આવેલો જેની ફી માસિક 6 આના હાલના 37 પૈસા જેટલી રહેતી. અને ટ્યુશન ?  જે બાળક માટે ટ્યુશન રાખવું પડતું તે અભ્યાસમાં ઠોઠ ગણાતો અને શરમ જનક ગણવામાં આવતું ! તેમ છતાં મેટ્રિકના વર્ષમાં કેટલાક બાળકો ટ્યુશન લેતા અને તેની માસિક ફી રૂ!.10-/ દસ જેટલી રહેતી !

અને દરેક તબક્કે શિક્ષણ માતૃભાષામાં જ મેળવાતું/દેવાતું.  કોલેજનું શિક્ષણ પણ માતૃભાષામાં અપાતું. મેટ્રિક બાદ ત્રણ જાતની શાખાઓમાં કોલેજનું શિક્ષણ મુખ્યત્વે અપાતું જેમાં આર્ટસ-સાયંસ અને કોમર્સ હતા. મોટાભાગના બાળકો આર્ટસ કે સાયંસ પસંદ કરતા. કોમર્સ શુષ્ક ગણાતું બહુજ ઓછી સંખ્યામાં બાળકો પ્રવેશ મેળવતા. કોમર્સમાં યુવતીઓ તો ભાગ્યે જ જોવા મળતી અને તેથી તે કોલેજોને બજરંગ કોલેજો તરીકે ઓળખ અપાતી. કંઈક તેવી જ હાલત એંજીનીયરીંગ કોલેજોની હતી. ફી છ માસિક ટર્મની સાથે ભરવાની રહેતી જે રુ!.100-/ થી કોઈ કોલેજમાં વધારે નહિ હતી. માધ્યમ પણ માતૃભાષા જ રહેતી. ભાગ્યે જ કોઈ રડ્યો-ખડ્યો કે  ગુજરાત બહારનો વિધ્યાર્થી અંગ્રેજી માધ્યમ પસંદ કરતો !

મેટ્ર્રિકની પરીક્ષા પહેલાં યુનિવર્સીટી દ્વારા લેવાતી બાદ બોર્ડની રચના કરાતા એસ.એસ.સી બોર્ડ દ્વારા લેવામાં આવતી. આ પરીક્ષા સમયે મા-બાપને કોઈ તનાવ કે ચિતા થતી હોઈ તેવુ ભાગ્યેજ થતું. બાળકને કઈ લાઈન લેવડાવવી તે અગાઉથી વિચારી બાળકને તે રીતે મોલ્ડ કરવાનું મા-બાપ ભાગ્યે જ દબાણ કરતા. પરિણામે બાળકને પરીક્ષાનું કોઈ ટેનશન પણ ભાગ્યે જ જણાતું !

આ સામે આજના માહોલમાં બાળક 1 ½ વર્ષનું થાય ત્યાં જ એલ્.કે.જીને નામે ચાલતા વર્ગમાં ધકેલી દેવામાં આવે છે અને ત્યારથી જ શરૂ થાય છે બાળકની અભ્યાસને નામે  મહાદોડ/મહાદશા !

દાદા આ 1 ½ વર્ષની ઉમરે તો બાળકને માના ખોળાની સતત હુંફની જરૂર હોય.  હજુ બાળક પૂરે પૂરું  “પી…કે છી” … કયાં  અને ક્યારે કરવું  તે વિષે સભાન પણ ના બન્યું હોય ત્યારે જ લાગણીહીન બની કોઈ અજાણી વ્યક્તિને સોંપી દેવામાં આવે,  તે નરી ક્રુરતા નથી ? બાળકને અંગ્રેજી જ શીખવવા ના દુરાગ્રહને કારણે, ટ્યુશન પણ ચાલુ થઈ જાય. મા-બાપને અંગ્રેજી નહિ આવડતું હોવા છતાં બાળક માટે, આગ્રહ સેવવામાં આવતો રહે છે અને પોતાનું બાળક એકાદ બે શબ્દો અંગ્રેજીના બોલી બતાવે એટલે મા-બાપ ફુલાતા રહે છે. જાણે અંગ્રેજી  ભાષા મા-બાપ માટે સામાજિક મોભો  ના બની  ગઈ હોય ! દાદા/નાના આપને ખબર છે કે આ એલકેજીમાં પ્રવેશ મેળવવા બાળક સાથે જ મા-બાપનો પણ સંચાલકો ઈંટરવીયુ લેતા હોય છે અને પ્રવેશ માટે કોઈ વગ વાળી વ્યક્તિની ભલામણ પણ આવશ્યક ગણાતી હોવા છતાં ફીને નામે ડોનેશન રુ!.5000/- થી શરૂ કરી 25000/- સુધી દેવાની તૈયારી રાખવી પડતી હોય છે. આ ઉપરાંત યુનીફોર્મ્-પુસ્તકો અને લેવા-મૂકવા માટે વાહનનો ખર્ચ માસિક ધોરણે અલગ ચૂકવવાનો રહે જે પણ લગભગ રુ! 300/- જેટલો થવાની સંભાવના ગણાય ! માસિક ટ્યુશન ફી પળ અંદાજે રુ!. 300/- જેટલી આપવાની રહે !

અને આ વાત તો માત્ર શિક્ષણની શરૂઆત કરાવતી વખતે થતા ખર્ચની થઈ. ત્યાર પછીના આગળ અભ્યાસ માટે તો આથી અનેક ગણું વધારે ખર્ચ થતું રહેવાનું ! સારી શાળા તરીકે ઓળખ ધરાવતી શાળામાં પ્રાથમિક ધોરણમાં પ્રવેશ મેળવવા અને ત્યાર બાદ માધ્યમિક શાળાના પ્રવેશ માટે, સારી એવી રકમનું ડોનેશન આપવા તૈયારી રાખવાની, અને વધારે ટકા મેળવવા બારે માસ ટ્યુશનનો ખર્ચ વગેરેની  ગણત્રીમાં લેતા માત્ર શાળાનું શિક્ષણ પૂરું થતા સુધીમાં લાખો રૂપિયા થવા જાય છે. બાદ કોલેજમાં પણ જો બાળકને મા-બાપની પસંદગીની લાઈનમાં પ્રવેશ મેળવવા, જોઈએ તેટલા ટકા કોઈ પણ સંજોગોમાં ના આવે તો, મોટી રકમનું ડોનેશન આપી પ્રવેશ મેળવી  કેટલાક મા-બાપ પોતાની જીદ પૂરી કરતા રહે છે ! પરિણામ સ્વરૂપ શિક્ષણ એક મોટો નફો મેળવી દેતો વ્યવસાય બની ચૂક્યો છે !

આ માટે લાખો રૂપિયા ખર્ચવા મા-બાપ તમામ માર્ગો જેવાકે ભ્રષ્ટાચાર/ગેરરીતિ વગેરે અજમાવતા અચકાતા નથી. સતત તનાવ ભર્યું જીવન જીવતા રહે છે. બંનેને કમાવા જવાની ફરજ પડતી હોય બાળકો આયા/કામવાળા/બેબી સીટરને ભરોસે ઉછરતા રહે છે ! મા-બાપની શીળી છાયા કોને કહેવાય તે આજના અમારી વયના બાળકો ભાગ્યેજ અનુભવે છે. અમો તો નસીબવંતા છીએ કે અમને આપ જેવા પ્રેમાળ દાદા-દાદી, નાના-નાનીની  હુંફ ભરી ગોદમાં અમારો ઉછેર થયો હોવાને નાતે આજે આપને આવી બધી વાતો કરી હળવા થઈ શકીએ છીએ !

શરૂઆતથી જ શિક્ષણ અપાવવાની  અને તે પણ અંગ્રેજી માધ્યમની જ લ્હાયમાં બાળકનું  બાળપણ તો ક્યાં છીનવાઈ જાય તે નથી ખબર/સમજ પડતી મા-બાપને કે નથી સમજ પડતી બાળકને પોતાને !

આપ લોકો ઘણી વાર આપના સમયમાં તેમજ અમારાં મા-બાપની શીશુ અવસ્થાની વાતો કરો છો કે આપ સૌ શેરીમાં અન્ય સમવયસ્ક બાળકો સાથે જુદી જુદી રમતો જેવી કે સાત-તાળી,-લંગડી,-હુ તુ તુ,-થપો,-સંતાકુકડી,-તડકી-છાંયડી,-ચોર્-પોલીસ,-કોડી-ગોટીની વિવિધ રમતો, ભમરડા વડે રમાતી રમતો, મોઈ-દાંડીયા,-દડાપીટ,-નારગોલ, આંબલા-પીપળી વગેરે બહાર રમાતી રમતો તો ઘરમાં રમાતી રમતો જેવી કે પાનાની રમતો, ઢગલા બાજી,-મંગુસ,-ચોકડી,-છકડી,-ધાપ,-બ્લેકક્વીન,-ગુલામચોર વગેરે તો અન્ય જેવીકે નવ-કાંકરી,-ચોપાટ,-સાપ,-સીડી,-વ્યાપાર-વગેરે વડે મન બહેલાવતા અને આ રમતોથી એક બીજા તરફ ખેલદીલી કેળવાતી ! છોકરીઓ માટે પણ અલગ પ્રકારની રમતો હતી. જેવી કે ઢીંગલા-ઢીંગલી,  ઘર ગોખલા,  પાંચીકા, દોરડા-કૂદ, ઈસ્ટો, નવ કાંકરી  વગેરે.

અમારે માટે તો આ બધી વાતો પરીકથા જેવી કે દિવા સ્વપન જેવી જણાય છે. આપ જાણૉ છો કે, અમને ઘરની બહાર નીકળવાની પણ મનાઈ છે ,અને આડોશ-પાડોશમાં અમારા સમવયસ્ક બાળકો હોવા છતાં, અમને તેમનો પરિચય પણ નથી ! હા,  જો તેઓ અમારી શાળામાં પ્રવેશ મેળવે તો ત્યાં પરિચય થાય ! અભ્યાસમાંથી થોડી વાર મનોરંજન મેળવવા અમે રમવાની જીદ કરીએ તો વિડીઓ ગેમ પકડાવી તે રમવા અથવા ટીવીમાં આવતી કાર્ટુન સીરીયલો જોવા મળે પણ બહાર શેરીમાં રમવા જવાની પરવાનગી ના જ મળે ! દાદા/નાના, ચોમાસામાં જ્યારે વરસાદ પડી રહે અને બાદમાં શેરીના બાળકો ભરાયેલા ખાબચીયાઓમાં છ્બ છ્બીયા કરતા હોય કે, પેલો ખીલો જમીનમાં ઘુસેડવાની રમતો રમતા હોય કે, વરસાદમાં ભીંજાતા હોય ત્યારે અમને તેમ કરવાનું ખૂબ મન થતું હોવા છતાં મન મારી ઘરમાં જ બેસી રહેવાની ફરજ પાડવામાં આવતી રહે અને ત્યારે આપ માનશો, અમને અમારાં મા-બાપ જાણે અમારા દુશ્મન ના હોય, તેવી લાગણી થતી હોવા છતાં અમારી સગીર વય અને સંપૂર્ણ રીતે તેમના ઉપર આધારીત હોય કોઈ સ્વતંત્ર વ્યકતિત્વ ધરાવતા ના હોય, મજ્બૂરીથી મૂંગે મોઢે સહન કરી, ચૂપ ચાપ સહન કરી લઈએ છીએ !

અમને યાદ છે આપ અગાઉના સમયમાં ખાન-પાન અંગેની જે વાતો કરતાં  જેમાં મુખ્ય જમવામાં રોટલી, રોટલા,  ભાખરી , દાળ-ભાત અને ક્યારે ક શાક અને બટાટાનું શાક તો પ્રસંગોપાત જ બનાવાતું. દાળમાં પણ તુવેરની દાળ પ્રસંગોમાં બનતી. સાંજના મુખ્યત્વે ખીચડી-કઢી રહેતી. અને સંયુકત પરિવાર હોવા છતાં રસોઈ એક જ પ્રકારની બનતી. જે સૌ આનંદથી એકી સાથે આરોગતા. ફરસાણ કે મીઠાઈ પણ તહેવારો કે પ્રસંગોએ બનતી જેમાં લાડુ અને લાપસીના નામ ટોપ ઉપર રહેતા. ફરસાણમાં ભજીયા અને ગાંઠીયા મુખ્ય હતા. જ્યારે આજના આ યુગમાં સંયુકત પરિવારો તો નહિવત સંખ્યામાં બચ્યા છે. પરંતુ ખાવા-પીવાની આદતોમાં જડમૂળથી પરિવર્તન આવી ચૂક્યું છે. આજે ઘરમાં ત્રણ વ્યકતિ હોય તો પણ રસોઈ ચાર પ્રકારની બને છે. તુવેરની દાળ અને બટાટાનું શાક મોટા ભાગના કુટુંબોમાં રોજ સર્વોચ્ચ સ્થાને બીરાજે છે. ફરસાણ  અને મીઠાઈમાં પણ અનેક નવી વેરાઈટી મળતી થઈ છે. જાણે સમગ્ર સમાજની ખાન-પાનની ટેવોમાં ધરમૂળથી ફેરફાર આવી ગયો છે. જેનો લાભ આપને પણ અવાર-નવાર મળે છે હો ! બીજી એક આપના કાનમાં વાત કરી દઈએ કે આધુનિક પીટ્ઝા,  હોટ-ડોગ,  બર્ગર,  પાઉં-ભાજી  વગેરે  વાનગીઓ અમને ખૂબ પ્રિય બની ગઈ છે અને પેલી જૂની રોટલા , ભાખરી  કે ખીચડી વગેરે બને તો અમારો મૂડ ખરાબ કરી દે છે. આપ માનશો બે મિનિટમાં તૈયાર થતી પેલી મેગી તો અમારી એકદમ ફેવરીટ બની ગઈ છે અને મોમ કરતા પણ ઝડપથી અમે તૈયાર કરી લઈએ છીએ ! બાકી તો અનેક પ્રકારના તૈયાર નાસ્તા જેવા કે કુરકુરે,  વિવિધ જાતની વેફર્સ,  બટર ટોસ્ટ,  બ્રેડ  વગેરે પણ અમને પ્રિય છે. હા દાદાજી આ તમામ નવી આધુંનિક જીવન પધ્ધ્તિને આભારી છે અને દેશ-વિદેશમાં ફરવું ખૂબ જ સહેલું અને ઝ્ડપી બન્યું હોય તેની દેન છે. અમને જાણ છે કે આપ આ તમામ ખાન-પાન તંદુરસ્તી માટે હાનિકારક છે તેમ કહેશો પણ દાદાજી પ્લીસ અમને આ ખાતા-પીતા રોકતા કે ટોકતા નહિ ! આપની વાત માની અમો અમારી જાતે જ યોગ્ય સમયે તેનું પ્રમાણ ઘટાડી દેશું હો !

આ ઉપરાંત અમને કહો કે, શાળાનું શિક્ષણ પૂરું થતાં આપ વડિલો  બાળકે કઈ લાઈન લેવી તે વિષે તેની સાથે ચર્ચા-વિચારણા કરતા કે શીશુ વયથી જ નક્કી કરી બાળકને શીશુ અવસ્થાથી જ તે વિષે રોજ –બરોજ સતત સભાન બનાવી વારંવાર ટપાર્યા  કરતા ? અને તે સમયે કેટલા પ્રકારની લાઈનો બાળકની પસંદગી માટે ઉપલબ્ધ હતી ?  વળી અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી કે ધંધો શરુ કરવા માટે કેટલી તકો  મળતી અને સમય લાગતો ?  તુરતા તુરત બાળક કમાવા લાગી શકે તેવી તકો ઉપલબ્ધ હતી કે બેકારીનો સામનો કરવો પડતો ?

દાદા/નાના અમારી હાલત તો એક કઠપૂતળી જેવી બની ગઈ છે. અમને અમારી કોઈ ઈચ્છા વ્યકત કરવાની છૂટ નથી. અમને કયા વિષયમાં રસ છે અને અમારે કયા ક્ષેત્રમાં આગળ વધવું છે, તે જાણવાની કોઈને પરવા નથી. મા-બાપે નક્કી કરેલ ક્ષેત્રમાં જ અમારે સ્વીકૃતી આપવાની ફરજ પડતી રહે છે ,અને પરિણામે અમારા માયલા કેટલાક બાળકો જાણી-બુઝીને ભણવામાં પછાત  રહી, નાપાસ થવા સુધીની ચેષ્ટા પણ કરતા રહે છે.  તો કેટલાક ઓછા માર્ક્સ લાવી મા-બાપને સજા કરે છે. કેટલાક ઘેરથી નાસી જતા પણ રહે છે  કેટલાક આવારા તત્ત્વો સાથે સંપર્ક બનાવી તમાકુ.ઘુટકા કે ડ્રગ્સના આદતી બની બેસે છે તો કેટલાક આત્મહત્યા કરી જીવન ટૂકાવી આવા અણઘડ મા-બાપને જીંદગી ભર યાદ રહે તેવી સજા પણ કરે છે.

આવા સંજોગોમાં આપ સાથે શૈશવકાળમાં એક વાર થયેલો સંવાદ યાદ આવી ગયો અને જે આજે જાણે અમારા માટે  યથાર્થ હોય તેવું જણાય છે. આપને યાદ અપાવીએ એક વાર આપની સાથે બહાર નીકળેલા ત્યારે એક વ્યક્તિ બકરાને બાંધી જતી હતી અને પેલો બકરો બેં બેં બેં બેં એવી ચીસો પાડી રહ્યો હતો તે જોઈ આપને પૂછેલું કે આ બકરો ચીસો શા માટે પાડે છે ?  જવાબમાં આપે કહેલું કે તેને કતલ કરવા કતલખાને લઈ જવામાં આવે છે તેની બકરાને જાણ થઈ ગઈ હોય તે ચીસો પાડતો ચાલે છે. તેના જવાબમા અમે કહેલુ કે અરે, રામ ! તેમાં ચીસો શું પાડવાની ?  મને થયું કે તેને શાળાએ મૂકવા લઈ જાય છે.

અમો આજે જાણે આવા જ અંદાજનું જીવન જીવી રહ્યા હોઈએ તેવું લાગ્યા કર છે !

અમો જાણીએ છીએ કે, અમારી આ વાતો આપને ખૂબજ પરેશાન કરશે અને ઊંડા દુઃખની લાગણીમાં ડૂબાડી દેશે. પરંતુ આપ ચિંતા નહિ કરશો અમને થોડા મોટા થવા દીયો  આપે આપેલા ઘર-ગથ્થુ શિક્ષણે અમે જ અમારા પ્રશ્નો સુલજાવતા/હલ કરતા  થઈ જશું.  અમને તે પણ જાણ છે કે, અમારી  આ દુઃખ ભરી વેદના કે પીડા જાણી આપ અમારાં મા-બાપને આ વિષે સલાહ/સુચના આપવા પ્રેરાશો. પરંતુ આપને અમારી દર્દ ભરી અરજ છે કે કૃપા કરી અમારી આ વેદના/વ્યથાની જાણ તેમને કરશો નહિ ! આપના આવા પ્રયાસને તેઓ તેમની અંગત જીંદગીમાં હસ્તક્ષેપ સમજી આપ સાથે દુર્વ્યવહાર કરી બેસશે તેવી અમને દહેશત છે. અને આપ જેવા લાગણી સભર વડિલની અવગણના/અપમાન/અવહેલના અમારે  અમારી સગીર વય અને સંપૂર્ણ પણે તેમના આધારિત હોઈ મૂંગે મોઢે સહન કરી સાંભળી લેવી પડશે, અને તે માટે અમે અમારી જાતને ક્યારે ય માફ નહિ કરી શકીએ !  અમોએ તો માત્ર અમારી વેદના/વ્યથા/પીડા જે અમો અનુભવી રહ્યા છીએ તે આપના ખોળામાં ઠાલવી હળવા થવાનો અનુક્ર્મ હાથ ધર્યો છે ! અસ્તુ !

અમો છીએ,

આપના વ્હાલા/લાડકા બાળકો

17 comments

    1. શ્રી રામભાઈ
      આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ જણાવ્યો આભાર ! આપે કદાચ નામ લખવામાં ભૂલ કરી છે. મારું નામ અશોક નહિ પણ અરવિંદ છે ! ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું બ્લોગની મુલાકત જરૂર લેતા રહેશો તો ગમશે !
      સ-સ્નેહ
      અરવિંદા

      Like

      1. અરવદભાઇ તમારી વાત સાચી છે. હું અશોકભાઇના બલોગ પરથી તમારા બ્લોક પર આવેલ તેથી અશોકભાઇનું નામ યાદ રહી ગયેલ પરંતુ તમે આ ભણતરના ભારનો સુંદર લેખ લખ્યો છે. તે બદલ ખુંબ ખુંબ આભાર

        Like

        1. અરવિંદભાઇ તમારી વાત સાચી છે. હું અશોકભાઇના બલોગ પરથી તમારા બ્લોક પર આવેલ તેથી અશોકભાઇનું નામ યાદ રહી ગયેલ પરંતુ તમે આ ભણતરના ભારનો સુંદર લેખ લખ્યો છે. તે બદલ ખુંબ ખુંબ આભાર

          Like

  1. અરવિંદભાઈ…..
    અહીં તમે પ્રસ્તુત કરેલી વાત માત્ર બાળકો પુરતી જ ક્યાં રહી છે હવે……
    નાના-નાની,દાદા-દાદી ને ય જાણે રોજ ઊઠીને પરીક્ષા આપવાની હોય એમ જોતરાઈ જવું પડતું હોય છે
    મોટાભાગે એવા ઘરોમાં જ્યાં પતિ-પત્ની બન્ને “નોકરો” કરતા હોય……!!!!!! ખરૂં કે નહીં?

    Like

    1. શ્રી મહેન્દ્રભાઈ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! ખરું કહું આપે મેરે મુંહકી બાત છીનલી !
      આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. શ્રી સુરેશભાઈ

      શિક્ષણના હાલ તો અહિં જે નીરુપ્યા છે તેથી પણ બદતર છે અને દિન-પ્રતિ-દિન વણસી રહ્યા છે. એક નવો દુઝતી ગાય જેવો વ્યવસાય બની ચૂક્યો છે અને મા-બાપો સંગઠિત થઈ અવાજ ઉઠાવવાને બદલે બાળકોને સ્પર્ધામાં ઉતારી ઈતીશીઃ સમજે છે. અંગ્રેજી માધ્યમ પાછળની ઘેલછા જોશો તો તમે પણ પાગલ બની જશો ! અંગ્રેજી સારી રીતે શીખવનાર શિક્ષકો શાળામાં નથી છતાં ! બાળકને અંગ્રેજી માધ્યમ સીવાય પણ સારી રીતે શીખવી શકાય તેવું સ્વીકારવા મોટા ભાગના મા-બાપો તૈયાર નથી ! આ દેશાના લોકોની અને વિશેષમાં તો ગુજરાતીઓની ગુલામી માનસિકતા વધતી જતી હોય તેવું લાગ્યા કરે છે ! ખેર ! આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. શ્રી નટવરભાઈ

      સુંદર કાવ્ય પંક્તિઓ દ્વારા મારાં મત સાથે સુર પુરાવવા બદલ આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  2. “એક વ્યક્તિ બકરાને બાંધી જતી હતી અને પેલો બકરો બેં બેં બેં બેં એવી ચીસો પાડી રહ્યો હતો તે જોઈ આપને પૂછેલું કે આ બકરો ચીસો શા માટે પાડે છે ? જવાબમાં આપે કહેલું કે તેને કતલ કરવા કતલખાને લઈ જવામાં આવે છે તેની બકરાને જાણ થઈ ગઈ હોય તે ચીસો પાડતો ચાલે છે. તેના જવાબમા અમે કહેલુ કે અરે, રામ ! તેમાં ચીસો શું પાડવાની ? મને થયું કે તેને શાળાએ મૂકવા લઈ જાય છે.”
    — વાહ ! આવું જ લગભગ બધા બાળકોને નાનપણમાં થતું હશે, જો કે મોટા થયા પછી ભુલાઇ જાય છે. અને પોતાનાં બાળકને ખરેખર રમવાની ઉંમરે, ૧ – ૧.૫ વર્ષે, ફરી એજ અનુભવ કરાવવા તત્પર થાય છે. કદાચ દેખાદેખી !!!

    Like

    1. શ્રી અશોકભાઈ
      આભાર મુલાકાત અને સંદર પ્રતિભાવ માટે ! વાત સાચી છે મોટા થાય એટલે પોતા ઉપર વીતી હોય તે ભૂલી મોટા ભાગના લોકો એવું જ વર્તન કરતા હોય છે ! દેખા દેખીની વાત તો 110% સાચી છે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  3. અને હા, સમય બદલાયો છે. હરિફાઈ વધી છે. મા-બાપો અને વિદ્યાર્થીઓ પર ભારણ વધ્યું છે.

    મને યાદ છે હું આઠમા ધોરણમાં ભણતો ત્યારે મારી પાસે મારા અત્યારે ચોથા ધોરણમાં ભણતા સંતાન કરતાં વધુ સમય રહેતો. અને હું ઠોઠ વિદ્યાર્થી તો નહોતો જ.

    કેટલાક મા-બાપનું ચાલે તો છોકરાની ખોપરી ખોલીને અંદર ચોપડી ખોસી દે! મારાં બાળકોના સહાધ્યાયીઓ પર જે જુલમ થાય છે તે અમાનવીય છે.

    એનો સાદો માપદંડ છે – કેટલાં છોકરાંને પતંગ ચડાવતાં આવડે છે? પતંગના સર્ટિફિકેટ નથી મળતાં, પતંગના પ્રિન્સ પ્રિન્સેસ નથી બનાતું, પતંગ ચડાવતાં શિખતાં માર્ક નથી મળતા. સરવાળે (ગુજરાત બહાર) ઓછાં અને ઓછાં છોકરાં પતંગ ચડાવે છે.

    સરવાળે ઇન્ટરવ્યૂ લેવા બેસીએ છીએ ત્યારે પેન કયા ઉચ્ચાલન પ્રમાણે ચાલે છે તેવું પણ કહી શકનારા એન્જિનિયરો દર વરસે ઘટતા જાય છે.

    માથે મણિકો મૂકીને મોગરા થોડા ઉગાડી શકાય?

    Like

    1. ભાઈશ્રી પ્રમથ
      આભાર મુલાકાત અને સંદર પ્રતિભાવ માટે ! ઈશ્વર આજના આધુનિક મા-બાપોને સદબુધ્ધિ આપે અને બાળકોને જુલમોથી બચાવે તેવી પ્રાર્થના કરવી રહી ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ
      આપના બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો છે !

      Like

Leave a reply to ’પ્રમથ’ જવાબ રદ કરો