***** ગુજરાતી બચાવો/મહિમા કરો !!!——- માતૃભાષાની ચિંતા વિષેની ચિંતા *****

 

      *****   ગુજરાતી બચાવો/મહિમા કરો !!!——- માતૃભાષાની  ચિંતા વિષેની  ચિંતા  *****

શ્રી સુરેશ ભાઈ જાનીના બ્લોગ ઉપર શ્રી ઉર્વીશ કોઠારી દ્વારા પોતાના બ્લોગ ઉપર મૂકાયેલો ઉપરોક્ત વિષયના લેખ ઉપર શ્રી સુરેશભાઈએ પોતાના વિચારો અને સુચનો સાથે તેમના બ્લોગ ઉપર આ લેખ પ્રસિધ્ધ કર્યા બાદ અનેક    દેશ –વિદેશમાં વસતા અલગ અલગ  ગુજરાતીઓના રસપ્રદ તારણો અને પ્રતિભાવો રસ પૂર્વક વાંચ્યા. આ સાથે મેં પણ મારા પ્રતિભાવો દ્વારા આ ચર્ચામાં મારી હેસિયત પ્રમાણે ભાગ લીધો અને મને  આ  ચર્ચાનો ટોન મુખ્ય ધ્યેય/કારણને બાજુ ઉપર મૂકી દઈ બીન જરૂરી વાદ-વિવાદ  તરફ જઈ રહ્યો લાગતા સમગ્ર દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ એક સાથે મળી સામુહિક રીતે ગુજરાતી અર્થાત આપણા સૌની માતૃભાષાને વધારે સમૃધ્દ્ધ કરવા શું કરવું જોઈએ  તે વિષે વિચાર કરવા તમામ અંગત મત-અભિપ્રાય – પૂર્વગ્રહો અને ગ્રંથીઓ  દફનાવી એક બની કંઈક નક્કર દરખાસ્તનું સુચન કરવાનું મન થતાં આ પોષ્ટ કે જે શ્રી સુરેશ્સ્ભાઈના બ્લોગ ઉપર પણ મારાં પ્રતિભાવ તરીકે મૂકેલ છે તે આપ સૌ કે જેઓ અવાર-નવાર મારાં બ્લોગની મુલાકાત લઈ તેમના પ્રતિભાવો જણાવી મને પ્રોત્સાહિત કરે છે તેમના લાભાર્થે  મૂકેલ છે. તો આપ સૌ બ્લોગર મિત્રો મારા બ્લોગ ઉપરાંત વધારે વિગતથી વાંચવા અને જાણવા શ્રી સુરેશભાઈના ગધ્યસુરની પણ મુલાકાત લઈ આપના અમૂલ્ય પ્રતિભાવો દર્શાવવા વિનંતિ છે.

ઉર્વીશ કોઠારીના લેખની આપના બ્લોગ ઉપર રજૂઆત બાદ અનેક પ્રતિભાવો આવ્યા છે-આવી રહ્યા છે. જે ગુજરાતી ભાષા બચાવવા/મહિમા કરવાના મૂળભુત હેતુ/ઉદેશને ભૂલી જઈ મારાં સહિત- પોત-પોતાના અંગત મત/અભિપ્રાય દર્શાવી મત્-મતાંતર અને બીન જરૂરી વાદ-વિવાદ વકરાવી રહ્યા હોય તેવું જણાય છે ! ગુજરાતી ભાષા પરિષદ કે ગુજરાતી સાહિત્ય પરિષદ કે જે કોઈ નામધારી સંસ્થા કે, વ્યકતિઓ ગુજરાતી માટે પ્રેમ અને લાગણી ધરાવતી હોય્, ગુજરાતીને વધુ સમૃધ્ધ અને લોક-ભોગ્ય બનાવવા સમર્પિત હોય તે સૌ એ, પોત-પોતાના અંગત વિચારોને ત્યાગી, સામૂહિક પ્રયત્નોમાં લાગી જવું જોઈએ અને તો જ મૂળભુત હેતુ સિધ્ધ થઈ શકે તેમ મારું માનવું છે !

માત્ર ગુજરાતી ભાષા વિદો-સાહિત્યકારો-ચિંતકો-લેખકો વગેરે ગુજરાતી બચાવવા સક્ષમ છે અને તે માટે સામાન્ય/સાધારણ ગુજરાતી પ્રેમીઓએ તેમને અનુસરવું જ  જોઈએ તે મમત/હઠાગ્રહ તો ગુજરાતી ભાષાને અને ગુજરાતી સમાજને વિભાજિત તો નહિ કરે ને ?  તેવી જાણ્યે-અજાણ્યે દહેશત થઈ રહી છે અને જો તેમ થશે તો આ ઝુંબેશ/ચળવળનું બાળમરણ થઈ જશે !  શું આપણે સૌ આવી મૂળભુત બાબત ભૂલી માત્ર સામ સામા વાદ-વિવાદમાં જ આપણી શક્તિ વેડફી  નાખીશું ?

મારાં મતે આ ઝુંબેશ્/ચળવળ તેનો રસ્તો ચાતરી ખોટે રસ્તે જઈ રહી છે. મૂળભુત વાત અંગ્રેજી તરફનો મોહ અને ગુજરાતી તરફનું ઠંડુ વલણ, સમગ્ર ગુજરાતીઓમાં વધતે  ઓછે અંશે જોવા મળે છે; અને તેનું કારણ આપણી લઘુતાગ્રંથીની માનસિકતા તો છે જ; ઉપરાંત આંતરરાષ્ટ્રિય સ્તરે અંગ્રેજીની મહત્તા-પ્રભાવથી, વધારે સારી નોકરી કે ધંધાની તકો ઉપલબ્ધ બને છે તેવી સાચી-ખોટી માન્યતા પણ અંગ્રેજી તરફનો મોહ વધારે છે; અને તેથી જ બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાવવાની ઘેલછા અને ગુજરાતીની અવગણના ચાલુ થઈ ગઈ !

અરે ! જ્યારે અંગ્રેજી તરફની આટલી હદની ઘેલછા જોવા મળતી નહિ હતી ત્યારે પણ શાળામાં પ્રવેશ મેળવવા વડિલો બાળકોને મીશનરી શાળાને પ્રથમ પ્રાધાન્ય આપતા તે આપણાં કોઈથી અજાણ્યું નથી. સરકારી કે ખાનગી ( આપણાં પોતાના સંચાલકો હોવા છતાં ) શાળામાં પ્રવેશ માટે કેટલાક શહેરની આંગળીને વેઢે ગણી શકાય તેટલી શાળાને બાદ કરતાં પડાપડી થતી જોવા મળતી નહિ હતી. આમ કેમ ?

એનો સ્પષ્ટ અર્થ એ છે કે મીશનરી શાળાનું શિક્ષણ અને શિસ્તનું ધોરણ આપણી શાળાઓ કરતાં વિશેષ ઉંચેરું હતું ! અને આજે પણ આવી શાળાઓમાં તે સ્તર વધતે ઓછે અંશે  જળવાઈ રહ્યું છે. જ્યારે આપણી ખાનગી/સરકારી શાળાઓનું સ્તર દિન-પ્રતિ-દિન નીચું જઈ રહ્યું છે. અત્રે એક સ્પષ્ટતા કરી લઉં મેં મારું શિક્ષણ સરકારી શાળા અને કોલેજોમાં મેળવ્યું છે અને તેવું જ અમારા બાળકોનું પણ !

ઉપરોક્ત સંજોગોમાં આપણે સર્વે ગુજરાતીઓએ  સંગાથે મળી સામૂહિક રીતે એવા પ્રયાસો કરવા રહે કે જેથી ગુજરાતીનો મહિમા વધે સાથે અંગ્રેજી પણ શીખવાય  અને આમ બંને ભાષામાં અપાતા  શિક્ષણનું સ્તર ઉંચુ આવે !

મારાં નમ્ર મત પ્રમાણે જો આપણે સૌ એક સંપ થઈ પોત-પોતાના અંગત મત/અભિપ્રાય મતભેદો પૂર્વગ્રહો ગ્રંથિઓ છોડી/દફનાવી  સામૂહિક રીતે મૂળભુત પ્રશ્ન ગુજરાતી બચાવો/મહિમા કરોને સંપૂર્ણ સમર્પિત થઈ પ્રતિબધ્ધ બની દેશ-વિદેશના  સંનિષ્ઠ ગુજરાતીઓને જોતરી એક ટીમ બનાવી ગુજરાતભરના તમામ તાલુકા કક્ષાએ એક એવી શાળાનું નિર્માણ/સ્થાપના કરીએ જેમાં શિક્ષણ પ્રત્યે સમર્પિત શિક્ષકો બાળકોને ગુજરાતી સાથે જ અંગ્રેજી પણ નિષ્ઠા પૂર્વક ભણાવે ! ગુજરાત ભરના નિષ્ઠાવાન શિક્ષણવિદોને આ પ્રવૃતિમાં સામેલ કરી શકાય અને તેમની સહાય અને માર્ગદર્શન સાથે શિક્ષકોની પસંદગી  ઉપકારક બની રહે !  કૃપા કરી આ કાર્ય  તો સરકાર કરે તેવી મનોવૃતિના ભોગ બનયા સિવાય આપણે જ કરવાનું છે તેવી મકકમતા સાથે  શરૂઆત કરવાની છે તે સતત યાદ રાખવું રહ્યું !

શરૂઆતમાં પ્રાથમિક તબક્કે 5 થી 7 તાલુકાઓ અને 2 થી 3 શહેરને પસંદ કરી શકાય અને અનુભવ બાદ આ શાળાઓ/કોલેજોનું અન્ય તાલુકાઓ અને શહેરોમાં વિસ્તરણ થતુ રહે તેવું ગોઠવી શકાય ! તેમજ આપણે નક્કી કરેલ ધોરણ પ્રમાણે કોઈ અસ્તિત્વમાં હોય તેવી શાળા/કોલેજોને પણ તેમના સંચાલકો ઈચ્છે તો સ્વીકારી ફલક વિસ્તારી શકાય !

ટૂંકમાં આપણાં દ્વારા શરૂ થતી  શાળા/કોલેજોનું શિક્ષણ મીશનરી શાળા/કોલેજો કરતાં એક મુઠ્ઠી ઉંચેરું બની રહેવું જોઈએ.

હું જાણું છું અને સમજું પણ છું કે આ જબર-જસ્ત ભગીરથ કાર્ય છે અને અત્યંત ખર્ચાળ પણ ! તેમ છતાં મને વિશ્વાસ અને શ્રધ્ધા છે કે દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓ જો આવો પ્રયાસ ( રાજકારણીઓને દૂર રાખી ) સંનિષ્ઠ અને કારણ/ધ્યેય  માટે પ્રતિબધ્ધ એવા પ્રતિભાવશાળી ગુજરાતીઓ દ્વારા હાથ ધરવામાં આવશે તો અવશ્ય સફળતા પામશે ! નક્કર પ્રવૃતિ વગર અને ચોક્ક્સ ધ્યેય વિના માત્ર વાદ-વિવાદ દ્વારા ગુજરાતી બચાવો/મહિમા કરોની વાતો માત્ર ફીફા ખાંડવા જેવી બની રહેશે ! મને દ્રધ વિશ્વાસ છે કે જો આ પ્રવૃતિમાં ગુજરાતના નિષ્ઠાવાન -પ્રમાણિક અને મૂલ્યનિષ્ઠ  અને  પોતાની આગવી પ્રતિભા ધરાવતી વ્યક્તિઓ/આગેવાનો  જોડાશે તો દેશ-વિદેશના ગુજરાતીઓ માટે આ પ્રવૃતિને સફલતા પૂર્વક મંઝિલે પહોંચાડવા માત્ર પૈસાને કારણે કોઈ અવરોધ પેદા નહિ થવા દે !

આપણે એક બની આવી અથવા આથી બહેતર કોઈ નક્કર સ્વરૂપની પ્રવૃતિ હાથ ધરવા ગંભીર-સમર્પિત અને પ્રતિબધ્ધ છીએ ખરા ? અને તે  જ યક્ષ પ્રશ્ન છે !

અંતમાં હું 15 વર્ષ થયા બેંકની નોકરીમાંથી નિવૃત થયો છું અને પેંશન સિવાય કોઈ આવક નથી તેમ છતાં એક મહિનાનું પેનશન જે રુ!.12000/- બાર હજાર થવા જાય છે તે આ પ્રવૃતિની શરૂઆત કરવા ફાળવવા  માટે તૈયાર છું ! અસ્તુ !

આશા છે કે મારી આ વાત તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવામાં  આવશે !

 

Advertisements

14 comments

 1. અક્કરમીના પડિયા કાણા જેવા ગુજરાતી છાપા મેગેજીનો તો ગુજરાતીને જીવાડવાને બદલે તેનું ગળું દાબવાના પ્રયત્નોમાં લાગ્યા છે. તેના એડિટરોમાલિકો લેખમાં જરાક અઘરો ગુજરાતી શબ્દ ભાળે કે તરત રાતાપિળા થઈને વાચકને સમજાય એવી ભાષામાં લખો, સરળ ગુજરાતીમાં લખો એમ કહીને કેબિન ગજવી દે છે. ગુજરાતી છાપામેગેજીનોમાં સાવ મર્યાદિત શબ્દોના ઉપયોગવાળુ ગુજરાતી વપરાય છે. શ્રી મોદી અને વહાલા ગુજરાતીઓ, ગુજરાતી ભાષા મરે ત્યારે એમાં આ લોકોનોય હિસ્સો હતો એમ જાણજો.

  મારો એક કિમિયો….
  ચારણી ભાષા ગુજરાતીની નાની બહેન છે. અદ્દભુત લાઘવ છે ચારણી ભાષામાં. મડદાને બેઠા કરી શકે તેવી બળુકી આ ભાષા છે. ચારણી છે તો ગુજરાતી કુળની જ, ગુજરાતીની નાની બહેન. પણ ગુજરાતી શબ્દ કોશ ભગવદ્વોમંડળમાંથી ચારણી શબ્દો અલોપ છે, ચારણી એકેય ગુજરાતી માધ્યમોમાં દેખાતી નથી, નતો છાપાઓમાં કે ન તો પુસ્તકોમાં. શાળામહાશાળાઓમાંય ચારણીને ક્યાંય સ્થાન નથી. હા, હજુય ચારણીના વિપુલ શબ્દો સૌરાષ્ટ્રની અભણ પ્રજાની જીભે રમે છે. જરા કલ્પના કરો કે આખેઆખો ચારણી શબ્દકોશ ગુજરાતી શબ્દકોશમાં ભળી જાય તો ગરવી ગુજરાતી કેટલી સમૃદ્ધ થઈ જાય! એનો ભાષા વૈભવ દોઢો થઈ જાય! ચારણી ભાષા યુનિવર્સિટી ચાલુ કરો, કમાલની ક્રાંતિ સર્જાશે ગુજરાતી ભાષામાં. ગુજરાતીને ખાંપણ ઓઢાડવાની નોબત આવે એ પહેલા આ કામ થાય તો એનો કોઠો ટાઢો થાય બાકી મા ગુજરાતી મરી રહી છે એવી ચિચિયારીઓ પાડીને જીવતે જ એના નામના છાજીયા લેવાથી તો કાંઈ દી વળવાનો નથી. ભાષાને લાંબુ જીવાડવા માટે ભાષા શુદ્ધિ નહી, ભાષા સમૃદ્ધિની જરુર છે. ભાષાનું નદી જેવું છે એ એના સ્વરુપ બદલતી રહે છે અને ક્યારેય અશુદ્ધ થતી નથી.

  Like

  1. ભાઈશ્રી હિમંત
   આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપનું સુચન સ્વીકાર કરવામાં કોઈને વાંધો નહિ હોવો જોઈએ આખરે તો આપણે સૌનો મુખ્ય હેતુ ગજરાતીને સમૃધ્ધ બનાવવાની છે અને તેની ગરિમા/મહિમા આવનારા દિવસોમાં માત્ર જળવાય જ નહિ પણ વધતી/વધતો રહે તે જ છે ને ? અસ્તુ !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. ( મારાં નમ્ર મત પ્રમાણે જો આપણે સૌ એક સંપ થઈ ……….શરૂઆત કરવાની છે તે સતત યાદ રાખવું રહ્યું !…….) આ વાત તમારી સાચી છે આપણે ગુજરાતી શાળાઓ નુ સ્તર ખરેખર સુધારવાની જરૂર છે અને આ માટે સરકાર પર ભરોસો રાખ્યા વગર બધાએ એક સંપ કરી ને મોડેલ સ્કુલો બનાવી શરૂઆત કરવી અત્યંત જરૂરી છે, પણ આ કાર્યની શરૂઆત કરે કોણ ? બાકી ખોટી કાગારોળ કરવાથી કે રેલી કાઢવાથી કોઈ નક્ક્રર પરિણામ નથી આવતું તેના માટે નક્કર પ્રયત્નો પણ કરવા પડે છે.

  Like

  1. ભાઈશ્રી શૈલેશ
   આભાર મુલાકાત સાથે પ્રતિભાવ માટે પણ ! મારી વાત પણ એ જ છે કે કંઈક નક્કર નહિ થાય તો કશું પરિણામ ના આવે અને માટે સૌ સાથે મળી સઘન પ્રયાસો કરવાના રહે આ ચર્ચાઓ પરિણામ લક્ષી બનશે તેવો મને વિશ્વાસ છે ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. ભાઈશ્રી પ્રફુલ
   હું નિરાશાવાદી નથી. ગુજરાતી ભાષા જીવશે અને જરૂર જીવશે તેની મને ખાત્રી છે. આપની મુલાકાત માટે આભાર પ્રતિભાવ માટે પણ ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. જ્યાં સુધી જે ભાષાનો ઉપયોગ થતો રહેશે ત્યાં સુધી તે જીવીત રહેશે. ભાષા એટલે આમ તો સંદેશાવ્યવહાર માટેની એક કડી જ ને? જેને જેની સાથે પનારો પડશે તે લોકો અરસપરસ સંદેશા વ્યવહારની કોઈને કોઈ રીત ગોતી જ કાઢશે. આમાં કાઈ બહુ ઉધામા કરવાની જરૂર લાગતી નથી. અને નાના મોઢે મોટી વાત જેવી એક વણમાગી સલાહ આપુ છું કે ૧૨૦૦૦/- રૂ. કોઈને આપવાની ભુલ કરતા નહીં. નહીં તો વળી છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય તેવો ઘાટ થશે. આજકાલ લોકોને ગુજરાતી ભાષા કરતા પૈસામાં વધારે રસ છે અને ગુજરાતીઓને તો વળી પૈસામાં ખાસ રસ હોય છે.

  Like

  1. ભાઈશ્રી અતુલ

   સુંદર પ્રતિભાવ માટે આભાર ! આપની સલાહ પ્રમાણે જ્યાં સુધી મને વિશ્વાસ નહિ પડે ત્યાં સુધી કોઈ રકમ નહિ આપું ખુશ ! ફરી મળતા રહીશું ! આવજો !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 4. ગુજરાતી એ અમર ભાષા છે. એને બચાવવાની જરૂર નથી. ફક્ત સાચવવાની જરૂર છે. સંવર્ધન કરવાની જરૂર છે.
  અંગ્રેજીને અવગણના કરી ન શકાય.
  હવે બ્લોગ પર રજુ થતી વાત. દરેક બ્લોગરની એ અંગત રજુઆત હોય છે. અને ક્યારેક એ ચર્ચાસ્પદ હોય છે. સરસ.
  અહિં પરદેશમાં તો મોટેભાગે જ્યારે એક ગુજરાતી બીજાને મળે ત્યારે કદાચ વાતચીતની શરૂઆત અંગ્રેજીમાં થાય પણ ત્યારબાદ ગુજરાતીમાં જ વાર્તાલાપ થાય. ડોક્ટરો સાથે પણ જો એ ગુજરાતી હૌય તો. ઘરમાં તો ગુજરાતી જ બોલાય.
  અહિં જન્મેલ બાળકો પણ ગુજરાતી જ બોલે. અને કેટલાય મા-બાપો મંદિર કે અન્ય પ્રવૃત્તિ દ્વારા બાળકને પાયાનું ગુજરાતી શિખવવાનો પ્રયાસ અવશ્ય કરે. આ માટે મંદિરોની ભુમિકા વખાણવી પડે! કેટલાંક મા-બાપો મેં એવા પણ જોયા છે કે પોતાના બાળકને પોતે ક ,ખ, ગ શિખવે અને બાળક એ હર્ષે હર્ષે શિખે પણ.
  અહિં કૉલેજમાં દ્વિતિય ભાષા તરીકે કેટલીક કોલેજ/યુનિવર્સિટીમાં હિન્દી શિખવવામાં આવે છે. એ માટે અહિં રહેતા ગુજરાતીઓએ ગુજરાતી શિખવવા માટે દરખાસ્ત મુકવી જરૂરી છે.
  બાકી જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં એક ગુજરાત હોય છે અને ગુજરાતીમાં ગુંજનો થતા હોય છે.
  ગુજરાતી અમર છે!

  Like

  1. શ્રી નટવરભાઈ
   મુલાકાત અને સુંદર પ્રતિભાવ માટે આભાર ! આપની વાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં એક ગુજરાત બની જ જતું હોય છે તે ખૂબ જ ગમી ! ધન્યવાદ ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s