ભૂલો ભલે બીજું બધું , માતૃભાષાને ભૂલશો નહીં

વ્હાલા મિત્રો અન વડિલો
આજે પણ ગુજરાતી સાહિત્યના પ્રબુધ્ધ સાહિત્યકાર અને ચિંતક એવા શ્રી મોહ્મ્દ માંકડનો આજના એટલે કે 24 જાન્યુઆરી રવિવારની સંદેશની સંસ્કાર પૂર્તિમાં ( કેલિડોસ્કોપ )ના મઠાળા હેઠળ પ્રસિધ્ધ થયેલો ત્રીજો લેખ કે જે એક એક ગુજરાતીએ વાંચીને ગંભીરતા પૂર્વક વિચારવા યોગ્ય છે તે આપ સૌ વાંચો અને વિચારો માટે અત્રે સંદેશ અને શ્રી મોહમ્દ માંકડના સૌજન્ય દ્વારા મૂકેલ છે તો જરૂર વાંચવા વિનંતિ સાથે–આ લેખ શ્રી મોહમ્દ માંકડના આગલા લેખ 10 અને 17 જાન્યુઆરી 2010 નાઅનુસંધાને વાંચવા વિનંતિ છે જેથી વિચારમાં વધુ સ્પષ્ટતા આવશે !
સ-સ્નેહ
અરવિંદ

ભૂલો ભલે બીજું બધું , માતૃભાષાને ભૂલશો નહીં

માતૃભાષા ગુજરાતી વિશે વિચાર કરતી વખતે કવિ ખબરદાર ફરીથી યાદ આવી જાય છે. એમના સિવાયના ઘણા કવિઓએ-એમનાથી ઉચ્ચ કક્ષાના કવિઓએ-ગુજરાત અને ગુજરાતીઓ વિશે લખ્યું છે. પરંતુ ખબરદારની બાનીમાં જે સરળતા છે તે કોઈ પણ ગુજરાતી જાણનારને સ્પર્શી જાય એવી છે. એમાં વિદ્વત્તા નથી પણ ઉત્કટતા છે. ગુજરાત અને ગુજરાતીને એ ચાહે છે. એમનો એ પ્રેમ એમની રચનામાં ઉભરાય છે.

આજે ગુજરાતીઓ વિશ્વના દોઢસો ઉપરાંત દેશોમાં વસે છે : “જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમપ્રીત.” એ વાત આજે સો ટકા સાચી સાબિત થઈ છે. અને એ વખતે કવિના આ શબ્દો

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

જો આપણે યાદ નહીં રાખીએ, જો આપણે ગુજરાતી નહીં બોલીએ, તો એ મહોલાત જર્જરિત થઈ જશે. જ્યાં વસીએ ત્યાં જો ગુજરાતી નહીં બોલીએ તો આપણી માતૃભાષા પ્રત્યેની ફરજ ચૂક્યા ગણાશું અને માતૃભાષા, અને માતૃભૂમિ પ્રત્યેની ફરજ માતા પ્રત્યેની ફરજ જેવી જ ગણાય.
ફરી એક વાર કચ્છીઓ સાંભરી જાય છે. કચ્છીઓએ કચ્છ છોડયું, કચ્છી બોલવાનું ન છોડયું. કચ્છ છોડીને બહાર વસેલા ભાટિયા, લોહાણા, મેમણો, જૈનો (અમુક જૈનો) અને અમુક બ્રાહ્મણો આજે પણ ઘરમાં કચ્છી બોલે છે. લેખક પ્રીતમલાલ કવિ (બ્રાહ્મણ)ના ઘરમાં કચ્છી જ બોલાય છે. ગુજરાતના માતબર લેખકોનાં પુસ્તકોના પ્રકાશક શિવજી આશર (ભાટિયા ગૃહસ્થ)ના ઘરમાં કચ્છી જ બોલાય છે. એક પણ જાહેરખબર વગરનું ગુજરાતી સાપ્તાહિક ‘ચંદન-ચક્રમ’ પ્રકાશિત કરનાર અને એનો વિકાસ કરીને ગુજરાત અને ગુજરાત બહારના અનેક ગુજરાતીઓ સુધી પહોંચાડનાર (કચ્છી મેમણ) યુનુસ ગોલીબારના ઘરમાં કચ્છી જ બોલાય છે. આ બધા કચ્છી ગૃહસ્થોનાં બાળકો બચપણથી જ બે બોલી બોલવાનું શીખે છે. ઘરમાં કચ્છી બોલે છે, બહાર ગુજરાતી કે બીજી કોઈક ભાષા બોલે છે. અને આવાં તો અનેક કચ્છી કુટુંબો છે. જેમાં ધર્મ કે જ્ઞાાતિના ભેદભાવ વિના માતૃભાષા કચ્છીનું જ ચલણ છે. અને એ લોકોએ જ કચ્છીના ગૌરવને બચાવ્યું છે. કચ્છ પ્રદેશે ડો. જયંત ખત્રી જેવા મોટા ગજાના લેખક આપ્યા છે. પરંતુ એ ગુજરાતીમાં લખતા હતા. એમને કારણે બીજા અનેક કચ્છી લેખકોને કારણે કચ્છી ભાષાને આજે જે મહત્ત્વ પ્રાપ્ત છે એ થયું નથી.

ડો. ખત્રીને કેન્સર થયું હતું. એમને મળવા હું માંડવી ગયો હતો. (એની વાત મેં બીજા એક લેખમાં કરી છે.)

મારી એ મુલાકાત વખતે વનુ પાંધી, ગૌતમ શર્મા અને બીજા લેખકમિત્રો પણ મને મળવા આવ્યા હતા. ડો. ખત્રી એમની સાથે કચ્છીમાં અને મારી સાથે ગુજરાતીમાં વાત કરતા હતા. લેખક ડો. ખત્રી મોટા લેખક હતા પણ કચ્છી ભાષા લેખક ડો. ખત્રીને કારણે નહીં, પણ એ “કચ્છી” ડો. ખત્રીને કારણે જીવતી રહી છે. અને આજે સરકારને એનું મહત્ત્વ સ્વીકારવું પડયું છે. સરકારો બદલાય છે, રાજકારણ પલટાઓ લે છે. માત્ર લોકો જ કાયમી છે. જો લોકો પોતાની માતૃભાષા ન છોડે તો એનું મહત્ત્વ સ્વીકાર્યા વિના રાજકર્તાઓને ચાલતું નથી. કચ્છીને બીજા લોકો બોલી ગણે કે ભાષા ગણે એની પરવા કચ્છીઓએ ક્યારેય કરી નથી. કચ્છી ગાલ (ઘાલ)ને એ પ્રેમથી વળગી રહ્યાં છે. અને જ્યાં સુધી વળગી રહેશે ત્યાં સુધી લુપ્ત થવાની નથી.

અને જેને લિપિ પણ નથી એવી કચ્છી જો જીવતી રહી હોય તો જેને લિપી છે એને જે ભાષા બોલનાર પાંચ છ કરોડ લોકો છે એ લોકો જો ગુજરાતી બોલવાનું ન છોડે તો ગુજરાતી ભાષા કઈ રીતે મૃત્યુ પામે? કોઈ પણ ભાષાને એના બોલનારા જિવાડે છે. અને મારે છે. કોઈ પણ ભાષા લખાતી બંધ થાય એટલે એ મરતી નથી, પરંતુ બોલાતી બંધ થાય તો કોઈ એને જિવાડી શકતું નથી.
મુગલોના રાજ્યકાળ દરમિયાન રાજભાષા તરીકે ફારસી (ર્પિશયન) ભાષાનું ચલણ હતું. બહુ મોટા, વિદ્વાન લેખકો હિન્દુ મુસ્લિમના ભેદભાવ વિના એ ભાષામાં લખતા હતા. એ સમયનું યાદગાર પુસ્તક “તારીખે ફરિશ્તા” લખનાર ઇતિહાસકાર નાગર હતા. “ફરિશ્તા” એમનું ઉપનામ છે. એ જ રીતે કાઠિયાવાડના અરબી-ફારસીના વિદ્વાન સ્વ. શંભુપ્રસાદ દેસાઈ પણ નાગર હતા. પરંતુ આવા વિદ્વાનો અને લેખકોએ ઘણાં પુસ્તકો લખ્યાં હોવા છતાં ફારસી જીવતી ન રહી,કારણ કે એને આમલોકોએ અપનાવી નહોતી. ભારતના લોકો એ બોલતા નહોતા. રાજકાજમાં, સાહિત્યક્ષેત્રમાં એનું ચલણ હતું, લોકોમાં નહીં. ગુજરાતી જો બોલાતી બંધ થશે તો એની પણ એ જ હાલત થશે. જો બોલાતી બંધ થશે “તો જ” એની એ હાલત થશે ત્યાં સુધી નહીં થાય.

આજે માતૃભાષા (ગુજરાતી)નું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણા વિદ્વાનો સજ્જ થયા છે. એ માટે સંમેલનો, ચર્ચાઓ, યાત્રાઓ યોજાય છે એ જાણીને આનંદ થાય છે. પરંતુ વિદ્વાનો, કવિઓ, લેખકો ભાષાને નિખારી શકે છે, એને વિકસાવી શકે છે,એને બચાવી શકતા નથી. એને બચાવી શકે છે આમઆદમી. જ્યાં સુધી એ એને બોલવાનું બંધ નથી કરતો ત્યાં સુધી એ મરતી નથી. એટલે એ વધુ ને વધુ બોલાય એવા પ્રયત્નો કરવા જોઈએ. ભારતના ભાગલા થયા અને જે મેમણ કુટુંબો પાકિસ્તાન ગયાં એ લોકો કચ્છી સાથે ગુજરાતીને પણ ત્યાં લઈ ગયા. એમણે ગુજરાતી સામયિકો અને દૈનિકો શરૃ કર્યાં. એના પ્રથમ પેજ ઉપર જ છપાતું હતું : ગુજરાતી લખો, ગુજરાતી વાંચો, ગુજરાતી બોલો. આજે ત્યાં શું સ્થિતિ હશે એની ખબર નથી. પરંતુ હું માનું છું કે હજી પણ ત્યાં ગુજરાતી લખવા વાંચવાાળા હશે જ. એવું જ મોટું, બલકે એનાથી પણ મોટું કામ

ઈંગ્લેન્ડવાસી ગુજરાતીઓએ કર્યું છે. આફ્રિકા અને પછી ઈંગ્લેન્ડ જઈને વસેલા ગુજરાતીઓએ ગુજરાતી ભાષા માટે જે કાર્ય કર્યું છે તે ભગીરથ કાર્ય છે, કારણ કે એ કાર્ય એમણે અંગ્રેજો વચ્ચે રહીને કર્યું છે. ત્યાંના અગત્યના પત્રકારો, લેખકો અને કવિઓએ ગુજરાતીને છોડી નથી બલકે વિકસાવી છે. સ્વ. ડાહ્યાભાઈ પટેલે એના માટે તન, મન ને ધનથી પ્રયત્નો કરીને એના સ્થાનને જરાય આંચ આવવા દીધી નથી. વિપુલ કલ્યાણી અને અન્ય મિત્રોનો એમને પૂરો સહકાર મળ્યો હતો. એ મિત્રો ખાસ તો વિપુલ કલ્યાણી આજે પણ પોતાના જીવનના એક મહત્ત્વના કાર્ય તરીકે એને અંજામ આપી રહ્યા છે. એ જ રીતે ઈંગ્લેન્ડમાં વસતાં શાયરોનો પણ એમાં ઓછો ફાળો નથી. ગુજરાતી ગઝલવિશ્વમાં એમનું સ્થાન મહત્ત્વનું છે.
આજે ‘વિશ્વ ગુજરાતી પરિષદ’ મળે છે ત્યારે મુંબઈમાં એનું અધિવેશન હતું એ યાદ આવે છે. એ વખતે કૃષ્ણકાંત વખારિયાએ અમને જે સગવડો આપી હતી એ કોઈ સરકાર આપે એ કરતાં પણ અદકેરી હતી. એ વખતે મનોહર જોશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા અને સ્વ. અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

કૃષ્ણકાંતભાઈએ એ વખતે ભારે જહેમત લઈને પરિષદના એ અધિવેશનને સફળ બનાવ્યું હતું.
એ વખતે એક સભા હોલમાં થઈ હતી. (ખુલ્લા મેદાનમાં નહીં) સ્વ. મનુભાઈ પંચોળી એમાં પ્રમુખસ્થાને હતા. ત્યારે પણ માતૃભાષાના મહત્ત્વ વિશે ઈંગ્લેન્ડમાં જે કહ્યું હતું એ જ મેં કહ્યું હતું. એ વખતે નારાયણ દેસાઈને મેં પહેલી વાર સાંભળ્યા હતા. અને એમના વક્તવ્યથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.

આજે ગાંધીનગરમાં ઘરઆંગણે જ અધિવેશન છે ત્યારે મારી નાદુરસ્ત તબિયતને કારણે એક શ્રોતા તરીકે પણ હું હાજર રહી શકતો નથી એનો મને અફસોસ છે. અને એટલે જ આ થોડું ઘણું લખવાનું મન રોકી શક્યો નથી.

દેશવિદેશમાંથી અહીં આવેલા ગુજરાતી વિદ્વાનો અને અહીંના વિદ્વાનો પોતપોતાના વિચારો રજૂ કરશે. સરકારે શું કરવું જોઈએ, શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે શું મદદ કરવી જોઈએ એનાં સૂચનો થશે. અંગ્રેજી ભાષાના ધસમસતા પ્રવાહ સામે કઈ રીતે ગુજરાતી ભાષાને સલામત રાખવી અને વિકસાવવી એનું ચિંતન થશે ત્યારે કોઈક વક્તા પોતાની માતૃભાષા બોલવાનું ગુજરાતીઓ ભૂલી ન જાય એ બાબતમાં પણ બોલે તો સારું.
વિદેશમાં વસતા ગુજરાતીઓ જ નહીં આજે તો ગુજરાતમાં વસતા ગુજરાતીઓ ગુજરાતી ભાષામાં બોલવાના બદલે અંગ્રેજીમાં બોલવામાં ગૌરવ અનુભવે છે. અને જે લોકો સારું અંગ્રેજી બોલી નથી શકતા એ લોકો ગુજરાતી બોલતી વખતે એમાં અવારનવાર અંગ્રેજી શબ્દો ઠાંસીને પણ વિદેશી ભાષાનું પોતાનું જ્ઞાાન પ્રર્દિશત કરે છે. અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાનું જ્ઞાાન હોય એ બહુ સારી વાત છે. પોતાની વાતચીતમાં અંગ્રેજી શબ્દો વપરાય એનો કોઈ વાંધો નથી. ભાષા બાબતમાં શુદ્ધિનો બહુ વધારે પડતો આગ્રહ રાખવો એ તો ભાષાનો શ્વાસ રૃંધવા જેવું છે. પરંતુ માતૃભાષાને હલકી માનીને એમ કરવું એ તો પોતાની માતાનું અપમાન કરવા જેવું છે.
અગાઉના લેખમાં અવાર ભાષાના કવિ-લેખક રસૂલ હમઝાતોવની એક અવાર ભાષી માતા સાથેની મુલાકાતની વાત લખી હતી. એ અવાર ભાષાની એક દાહક કદુઆ-શાપની વાત લખી આ લેખ પૂરો કરું છું.

એ શાપ છે :
“ખુદા તારા સંતાનોને એની માતા બોલે છે એ ભાષા ભુલાવી દે.”
આજના દિવસે ઈશ્વર પાસે મારી એક જ પ્રાર્થના છે. કોઈ ગુજરાતી કુટુંબ એ અવાર ભાષાના શાપનો ભોગ ન બને.

Advertisements

13 comments

 1. Also not forget our national language. We find that many of us know other languages like franc, Tamil etc. but don’t know hindi & we also find in our country our leader also like to speak in English instead of hindi.Is it true? Is it justice? We find that on 15th Aug, 26th Jan. we also speak in English?If we go outside country we come to know that they just speak their own language then why we don’t?

  Right now I am also writing in English instead of hindi/English, I don’t know Gujarati typing same way many of us don’t know read/writing some language but it’s not fair.

  Like

  1. ભાઈ મિતેશ
   આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ જણાવ્યો આભાર ! લોકો સુધી વિચારો પહોંચાડવા સતત પ્રયાસો કરી રહ્યા છીએ પરંતુ આપ જેવા સમજદાર મિત્રો પણ આ પ્રયાસોમાં જોડાઈ તો વધુ વેગ મળે અને મને વિશ્વાસ છે કે આપ અને આપનું મિત્ર વર્તુળ આ વિચારોને વધારે લોકો સુધી પહોંચાડવા સક્રિય રીતે જોડાશો ! આભાર ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. શ્રી અરવિંદભાઈ, સાદર નમસ્કાર..આપની વાત વિચારો બરાબર લાગે છે આમ આદમી જયાં સુધી ગુજરાતી ભાષાઅ બોલશે ત્યાં સુધી જીવંત રહેશે જ.અહીં પણ યુવાનો બાળકો તત્પર છે જ જો આપણે તેમની સાથે રહી તેમને શિખવીએ કે ઉત્તેજન આપીએ. અહીં યુ.કેમા ઘણી સંસ્થાઓ અને કવિ લેખકો યત્નશીલ છે..

  Like

  1. ભાઈશ્રી દિલિપભાઈ

   આભાર આપના પ્રતિભાવ માટે ! હા આપની વાત સાથે હું પણ સુર પુરાવું છું કે આમ આદમીની ભાષા ગુજરાતી બોલાતી રહેશે ત્યાં સુધી ભાષા જીવતી રહેશે ! આમ પણ કોઈ પણ બોલી કે ભાષાને જીવંત આમ આદમી જ રાખતો હોય છે. યુ.કે.માં તેમજ અમેરીકામાં પણ ઘણાં લેખકો સાહિત્યકારો અને બ્લોગર મિત્રો ગુજરાતીને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ છે અને નવા નવા લોકો જોડાતા પણ જાય છે જે ખૂબ જ સરાહનીય છે અને આવો જ સ્પીરીટ ભાષાને મરવા નહિ દે તેવો વિશ્વાવ વધી રહ્યો છે. આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. નજીક ના ભવિષ્ય માં તો ગુજરાતી ભાષા ને કાંઈ જ થવાનુ નથી ,મારા બ્લોગ મા પણ મેં બે દિવસ ગુજરાતી ભાષા વિશે કોમેન્ટ્સ મુકી હતી. હુ હજી નવો નીશાળીયો છું ઓટલે જેવુ આવડ્યુ એવુ લખ્યુ હતું, આપ માર્ગ દર્શન આપશો તો વધારે આનંદ થશે.

  Like

  1. ભાઈશ્રી શૈલેશ
   આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! હા આપની વાત સાચી છે કે નજીકના ભવિષ્યમાં કોઈ નુકશાન ના પણ થાય ! પણ જે રીતનું ગાંડપણ કે ઘેલછા અંગ્રેજી માધ્યમ માટે ગુજરાતી મા-બાપના માથા ઉપર સવાર થઈ છે તે લગભગ પાગલપણાં જેવી છે ! કમભાગ્યે આપણી લઘુતાગ્રંથી અને ગુલામી માનસિકતા એટલી હદે વધી છે કે નવા જન્મેલ બાળકને પણ આ આધુનિક મા-બાપો કદાચ રડવા માટે પણ અંગ્રેજીનો આગ્રહ રાખતા થશે તો મને નવાઈ નહિ લાગે ! પછી ભલેને રડવાની ભાષાતો જગત ભરના બાળકોની એક જ સરખી હોય તેટલી સમજ પણ આ મા-બાપો ધરાવતા ના હોય ! અસ્તુ ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. અરવીંદભાઇ,

  સુરેશભાઇની વાત સાચી છે.

  જ્યાં સુધી મમ્મીઓ અને પપ્પાઓ ગુજરાતી બોલે છે; ત્યાં સુધી ગુજરાતી ભાષાને ઉની આંચ આવે તેમ નથી.

  visit my blog & leave your valuable comment pls

  http://www.aagaman.wordpress.com

  મયુર પ્રજાપતિ

  Like

  1. ભાઈશ્રી મયુર
   આભાર ! બ્લોગની મુલાકાત માટે ! સુરેશભાઈની વાત સાચી હોવા છતાં આપણે સૌ ગુજરાતીઓએ સહિયારો પ્રયત્ન પણ કરવો જ રહ્યો અને મને વિશ્વાસ છે કે સૌ સાથે મળી આ ઝુંબેશને સફળતા અપાવશે ! આવજો ! આપના બ્લોગની અનુકૂળતાએ અવશ્ય મુલાકાત લઈ પ્રતિભાવ પણ જણાવીશ ! આવજો ! ફરી મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. *પોતાની વાતચીતમાં અંગ્રેજી શબ્દો વપરાય એનો કોઈ વાંધો નથી.
  ભાષા બાબતમાં શુદ્ધિનો બહુ વધારે પડતો આગ્રહ રાખવો એ તો ભાષાનો શ્વાસ રૃંધવા જેવું છે.
  પરંતુ માતૃભાષાને હલકી માનીને એમ કરવું..
  “ખુદા તારા સંતાનોને એની માતા બોલે છે એ ભાષા ભુલાવી દે.” એ પોતાની માનું અપમાન છે.
  Teach our children ગુજરાતી લખો, ગુજરાતી વાંચો, ગુજરાતી બોલો.

  Like

  1. ભાઈ શ્રી ધવલ
   આભાર ! બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવ જણાવવા માટે ! આપે લેખના અંતમાં વપરાયેલા શબ્દો પકડી પુનઃરોચ્ચાર કર્યો છે તે આપની ગુજરાતી ભાષા પ્રત્યેની ખરી લાગણી વ્યકત કરે છે ! ધન્યવાદ ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. ગુજરાતી બ્લોગરો સ્વૈચ્છીક રીતે જે પ્રદાન કરી રહ્યાં છે, તેના ઉલ્લેખ વીના આ લેખ અધુરો છે
  માફ જરજો – ખાસ કરીને એક બ્લોગર માટે.
  જ્યાં સુધી મમ્મીઓ અને પપ્પાઓ ગુજરાતી બોલે છે; ત્યાં સુધી ગુજરાતી ભાષાને ઉની આંચ આવે તેમ નથી.

  Like

  1. શ્રી સુરેશભાઈ
   આપની વાત સાચી છે ગુજરાતી બ્લોગરો જબરજસ્ત પ્રદાન કરી રહ્યા છે પરંતુ સંભવ છે કે આ વિષે શ્રી મોહમ્મ્દભાઈને તેમની તબીયત જોતા કદાચ આ બ્લોગરની પ્રવૃતિ વિષે માહિતી ના પણ હોય ! શ્રી મોહમ્મ્દ ભાઈની પ્રકૃતિ જોતાં તેઓ બ્લોગર વિષે પણ જાણતા હોય તો ઉલ્લેખ કર્યા વગર ના રહે તેવી મારી ધારણા છે ! ખેર ! આવજો ! આભાર પ્રતિભાવ જનાવવા માટે ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s