ગુજરાતી બોલો, ગુજરાતી વાંચો, ગુજરાતી લખો(કેલિડોસ્કોપ)

વ્હાલા મિત્રો અન વડિલો
આજે પણ ગુજરાતી સાહિત્યના પ્રબુધ્ધ સાહિત્યકાર અને ચિંતક એવા શ્રી મોહ્મ્દ માંકડનો આજના એટલે કે 17 જાન્યુઆરી રવિવારની સંદેશની સંસ્કાર પૂર્તિમાં ( કેલિડોસ્કોપ )ના મઠાળા હેઠળ પ્રસિધ્ધ થયેલો લેખ કે જે એક એક ગુજરાતીએ વાંચીને ગંભીરતા પૂર્વક વિચારવા યોગ્ય છે તે આપ સૌ વાંચો અને વિચારો માટે અત્રે સંદેશ અને શ્રી મોહમ્દ માંકડના સૌજન્ય દ્વારા મૂકેલ છે તો જરૂર વાંચવા વિનંતિ સાથે–આ લેખ શ્રી મોહમ્દ માંકડના આગલા લેખ 10 જાન્યુઆરી 2010 નાઅનુસંધાને વાંચવા વિનંતિ છે જેથી વિચારમાં વધુ સ્પષ્ટતા આવી શકવાની ધારણા રહે છે.

સ-સ્નેહ
અરવિંદ

ગુજરાતી બોલો, ગુજરાતી વાંચો, ગુજરાતી લખો(કેલિડોસ્કોપ)

જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
ગુજરાતી ભાષા વિશે લખવા માટે વિચાર કરું છું ત્યારે કવિ ખબરદારની ઉપર પંક્તિઓ યાદ આવે છે. મહાત્મા ગાંધીનો પોતાની માતૃભાષા ગુજરાતી ઉપરનો પ્રેમ યાદ આવે છે, અને પેલી અવાર માતાની વેદના યાદ આવે છે. જે સ્ત્રી પોતાના પુત્ર વિશે એવું બોલી શકે એનો પોતાની માતૃભાષા ઉપરનો પ્રેમ કેટલો ઉત્કટ હશે!
રશિયાની સામ્યવાદી સરકારે ઘણાં સારાં-નરસાં કામો કર્યાં હતાં. દરેક સરકારના ચોપડે એવાં કામો વધુ ઓછાં પ્રમાણમાં નોંધાયેલાં હોય જ છે, પરંતુ એક બહુ જ સારું, બહુ જ મોટું કામ સામ્યવાદી સરકારે, દરેક રાજ્યની, દરેક પ્રદેશની ભાષાને, લોકબોલીને જીવતી રાખવાનું કર્યું હતું. એટલું જ નહીં. એવી બોલીના ઉત્તમ સાહિત્યકારોનાં પુસ્તકોને માત્ર રશિયન ભાષામાં જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓમાં પ્રગટ કરવાનું કામ પણ કર્યું હતું.
એટલે જ મારા જેવા પુસ્તકપ્રેમીને રસૂલ હમઝાતોવનું ‘મારું દાધેસ્તાન’ પુસ્તક ગુજરાતી ભાષામાં વાંચવા વસાવવા મળ્યું હતું. એ પુસ્તકની અંગ્રેજી અને ગુજરાતી આવૃત્તિ પણ મારી પાસે છે. પરંતુ ગુજરાતી ભાષામાં પણ એ પ્રગટ કરવું એ તો એક સાહસ જ ગણાય. અને એવું જબરું સાહસ સામ્યવાદી સરકારોએ કર્યું હતું એની નોંધ લેવી જોઈએ. એને કારણે જ મહાન રશિયન સાહિત્યકારોઃ પુશ્કિન, તોલ્સ્તોય, દોસ્તોયેવસ્કી, તુર્ગનેવ, ચેખોવ વગેરેનાં અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો સાવ સસ્તી કિંમતે ઉપલબ્ધ થયાં હતાં. એક સમય એવો હતો જ્યારે બહુ મોંઘી કિંમતનાં પુસ્તકો પ્રગટ કરતાં પશ્ચિમના પ્રકાશકો સામ્યવાદના એ સાહિત્યિક અને સંસ્કારી પુસ્તકોનાં આક્રમણથી ગભરાઈ ગયા હતા.
સસ્તી કિંમતનાં એ પુસ્તકોમાં માત્ર સાહિત્યના જ નહીં પરંતુ અર્થશાસ્ત્ર અને ઈતિહાસનાં પુસ્તકો પણ હતાં. ‘પ્રગતિ પ્રકાશન મોસ્કો’ તરફથી પ્રગટ થયેલાં એવાં ગુજરાતી પુસ્તકોમાં કાર્લ માક્સે લખેલ ભારતના ઈતિહાસ ઉપરનું પુસ્તક હતું, અને એમાં ૧૮૫૭ના જે વિદ્રોહને અંગ્રેજો ‘સિપાહીઓના બળવા’ તરીકે ઓળખાવતા હતા, એને મહાનપ્રજાકીય વિદ્રોહ તરીકે રજૂ કર્યો હતો. એ જ રીતે બીજા એક ભારતના ઈતિહાસના પુસ્તકમાં પણ એવી જ રીતે એની રજૂઆત થઈ હતી – એ વાત અંગ્રેજી, ફ્રેંચ કે જર્મન ભાષામાં લોકો વાંચે એ ત્યાંના શાસકોને કઈ રીતે પોસાય?
આ આડવાત એટલા માટે લખી છે કે જેને આપણી ગુજરાતી ભાષા માટે ખાસ કશું લાગતુંવળગતું નહોતું એ સામ્યવાદી શાસકોએ, ઈતિહાસ કે અર્થશાસ્ત્રનાં પુસ્તકો સામ્યવાદના ફેલાવા માટે પ્રગટ કર્યા હશે એમ માનીએ તો પણ, તોલ્સ્તોય, તુર્ગનેવ કે ચેખોવનાં પુસ્તકો પાછળ એવો આશય હોય એમ લાગતું નથી. દોસ્તોયેવસ્કીને તો એ લોકો પ્રતિક્રાંતિવાદી ગણતા હતા, છતાં એક સાહિત્યકાર તરીકે એનું સન્માન કરતા હોય એમ લાગે છે. એમના આચરણ ઉપરથી એમ લાગે છે.
આપણું આચરણ-વિચારો કે વાતો નહીં આચરણ – એનાથી તદ્દન ઊલટી દિશામાં થઈ રહ્યું હોય એવું લાગે છે. દુનિયાભરમાં ગુજરાતીઓ વસે છે ત્યારે એક પ્રશ્ન કરવાનું મન થાય છેઃ કેટલાં ઘરોમાં નવી પેઢીનાં બાળકો ગુજરાતી વાંચી-લખી જાણે છે? પરિસ્થિતિ એવી છે કે, ગુજરાતમાં રહેતાં દાદા-દાદી પોતાનાં પૌત્રો-પૌત્રીઓને રામાયણ અને મહાભારત જેવા ધાર્મિક ગ્રંથો પણ અંગ્રેજીમાં પ્રગટ થયેલા મોકલે છે અને કેટલાક તો આ બાબતમાં પોરસાય છે. ગુજરાતી ઘરોમાં બાળકો ગુજરાતી વાંચી-લખી ન જાણે એથી એમના વડીલઓ પોરસાવું ન જોઈએ, શરમાવું જોઈએ.
અહીં એક વાત યાદ આવે છે. એ વાત લખતાં થોડો સંકોચ થાય છે. કારણ કે એ મારા આચરણની વાત છે. છતાં લખું છું કારણ કે એ માતૃભાષા ઉપરના પ્રેમની વાત છે.
એ વાત અત્યારે એટલા માટે લખું છું કે થોડા દિવસો પછી ગાંધીનગરમાં ‘વિશ્વ ગુજરાતી પરિષદ’ મળશે. એ વખતે શું બનશે, કોણ શું બોલશે, કઈ ભાષામાં વાતો થશે એ હું જાણતો નથી. પરંતુ પ્રથમ વિશ્વ ગુજરાતી પરિષદ ઘણું કરીને એ પ્રથમ પરિષદ જ હતી – એ વખતે જે બન્યું હતું એ આજેય સ્મૃતિમાં છે.
એ વખતે હું ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રમુખ હતો. પરિષદમાં ભાગ લેવા માટે ૧૯૮૩ના ઓગસ્ટ મહિનામાં હું પોતાના ખર્ચે ઈંગ્લેન્ડ ગયો હતો. કારણ કે માધવસિંહ સોલંકીની સરકારે ‘સરકારી અકાદમીના પ્રમુખ’ના પ્રવાસ માટે નાણાંની કશી જોગવાઈ નહોતી કરી અને અકાદમીના પ્રમુખ તરીકે મારે પરિષદમાં વક્તવ્ય આપવાનું હતું.
પરિષદનું પ્રથમ અધિવેશન હોવાથી અનેક દેશોમાં વસતા વિદ્વાનો એમાં ભાગ લેવા આવ્યા હતા. હું બોલવા માટે ઊભો થયો એ પહેલાં અનેક વિદ્વાનો બોલ્યા હતા. સ્વાભાવિક રીતે જ એ બધા અંગ્રેજીમાં બોલ્યા હતા. હું પણ મારું વક્તવ્ય અંગ્રેજીમાં તૈયાર કરીને ગયો હતો. પરંતુ બોલવા માટે ઊભો થયો ત્યારે કોણ જાણે મન બદલાઈ ગયું. આખો હોલ શ્રોતાઓથી ભરચક હતો. તૈયાર કરેલા ભાષણનો કાગળ બતાવીને મેં કહ્યું કેઃ “ભાષણ તો હું અંગ્રેજીમાં તૈયાર કરીને આવ્યો હતો પણ આટલા બધા ગુજરાતીઓ સામે માતૃભાષા ગુજરાતીના બદલે અંગ્રેજીમાં બોલતા મને શરમ થાય છે.”
મારા એ શબ્દો સાંભળતાં જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠયો.
મારા એ ભાષણમાં મેં વિદેશમાં વસતાં ગુજરાતીઓ વિશે, ગુજરાતી ભાષાના મહત્ત્વ વિશે, ગુજરાતી સાહિત્ય વિશે જે વાતો કરી તેનો ઉલ્લેખ અહીં બિનજરૃરી છે. પરંતુ એક વાત કરવાનું ખાસ જરૃરી છે. મારા વક્તવ્ય પછી, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જે અંગ્રેજ મહાનુભાવ ગુજરાતી વિભાગના વડા હતા એ બોલવા માટે ઊભા થયા. પોતાની કાલીકાલી, મીઠી લાગે એવી, ગુજરાતીમાં એમણે કહ્યું: “હું.. યુનિ..ર્વિસટીમાં ગુજરાતી વિભાગનો… હેડ છું. પન… ગુજરાતીમાં બોલી નહીં સકું… આટલા બધા ગુજરાતીઓ સામે ઇંગ્લિશમાં બોલતાં મને શરમ થાય છે.”
આ શબ્દો સાંભળીને એક ગુજરાતી મને જે આનંદ થયો હતો એનું વર્ણન હું કરી શકતો નથી. કયા ગુજરાતીને આનંદ ન થાય?
બીજા એક પ્રસંગનો ઉલ્લેખ કરવાનું પણ અહીં જરૃરી છે. ઈંગ્લેન્ડમાં લંડન સિવાયનાં અન્ય સ્થળોએ ફર્યાં પછી એમ હું મારાં પત્ની, રામુભાઈ ઠાકરે અને સરોજબહેન ગાંધી, સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે ગયાં હતાં. સ્વિટ્ઝર્લેન્ડના અમુક ભાગમાં ફ્રેંચભાષી લોકો વધુ હોવાથી ફ્રેંચ ભાષા બોલાતી હતી. બીજા ભાગમાં જર્મન અને જે ભાગમાં અમે છેલ્લે ગયા ત્યાં ઈટાલિયન ભાષા બોલાતી હતી. દરેક સ્થળે ત્રણે ભાષામાં લખેલાં સાઈન બોર્ડ હતાં. પરંતુ લગભગ આખાયે સ્વિટ્ઝર્લેન્ડમાં ફ્રેંચ ભાષા સમજનારા મળે, પણ અંગ્રેજી સમજનાર ભાગ્યે જ કોઈ મળે. એ વખતે યુરોપમાં ફ્રેંચ ભાષાનું પ્રભુત્વ હતું, અંગ્રેજીનું નહીં. આજની સ્થિતિની ખબર નથી. એક વાર મારે કશીક માહિતી જોઈતી હતી એટલે કેટલીક વ્યક્તિઓને મેં અંગ્રેજીમાં પૂછયું પણ કોઈએ કશો જવાબ ન આપ્યો. કારણ કે એ લોકો અંગ્રેજી જાણતા નહોતા. અને હું યુરોપની બીજી કોઈ ભાષા જાણતો નહોતો. પરંતુ એક જુવાન છોકરો મળી ગયો એ જરૃર પૂરતું અંગ્રેજી જાણતો હતો. એની સાથે મેં વાતો કરી. એ વખતે સ્વાભાવિક રીતે જ અમે કોણ હતાં, ક્યાંથી આવતાં હતાં વગેરે પ્રશ્નો એણે કર્યા. અને મેં ઈન્ડિયા અને ગુજરાતમાંથી આવીએ છીએ એમ કહ્યું ત્યારે એણે માત્ર એટલું જ કહ્યું: “ગાંધીનું ગુજરાત ને?”
ત્યારે મને ફરી રોમાંચ થયો! મહાત્મા ગાંધીને ઓળખનાર કોઈક જુવાન છોકરો સ્વિટ્ઝર્લેન્ડમાં પણ વસે છે! અને ગુજરાતને
ગાંધીના ગુજરાત તરીકે ઓળખે છે.
ગાંધી ગુજરાતમાંથી આખા દેશમાં અને પછી આખી દુનિયામાં છવાઈ ગયા. રાજકારણ, સમાજકારણ, શિક્ષણ અનેક ક્ષેત્રે એમણે યાદગાર કામ કર્યું છે, પરંતુ પોતાની માતૃભાષાને વિશ્વસ્તરે જાણીતી કરી ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કરવાનું જે કામ એમણે કર્યું છે એની નોંધ આપણે ભાગ્યે જ લઈએ છીએ. એમના સ્પર્શથી જ ગુજરાતી તેજસ્વી બની. અને હવે આપણે જાણે તેજવિહોણી બનાવી રહ્યા છીએ.
આજે અંગ્રેજી તરફ આપણે આંધળી દોટ મૂકી રહ્યા છીએ ત્યારે એટલું જ કહેવાનું કે, ગુજરાતી ઉપર પેલી અવાર ઓરત જેવો ઉત્કટ પ્રેમ ભલે ન રાકીએ, પણ ગુજરાતી તરફથી મુખ ફેરવી લેવાથી સારું અંગ્રેજી લખતાં-બોલતાં આવડી જશે એવા ભ્રમમાં રહેવાની જરૃર નથી. અને અંગ્રેજી શીખી જવાથી જ આપણે મહાન બની જઈશું એવા ભ્રમમાં રહેવાની પણ જરૃર નથી. દુનિયાના મોટા ભાગના દેશોમાં અંગ્રેજીનું એવું કોઈ પ્રભુત્વ નથી. પાબ્લો નેરુદા, ગ્રેબિયલ ગ્રાર્સિયા માર્કવેઝની સ્પેનિશ ભૂમિકામાં અંગ્રેજી પોતાનો પગ જમાવી શકી નથી. હજી પણ પૌલો કોએલ્હો જેવા લેખકો ‘અલ્કેમિસ્ટ’ (અંગ્રેજી નામ) જેવી યાદગાર કૃતિઓ સર્જી રહ્યા છે.
જોકે અંગ્રેજી વિના આપણે ચાલે એમ નથી. કારણ કે આપણા માટે દુનિયાના અન્ય દેશોના સાહિત્ય અને વિજ્ઞાનને જાણવા-સમજવા માટેની એ એક માત્ર ભાષા છે. અને આપણા જેવા જ બીજા અનેક દેશો છે. એ બધા દેશોમાં અંગ્રેજીનું એવું જ મહત્ત્વ છે. કારણ કે એ બધા દેશો એક વાર અંગ્રેજોની સીધી કે આડકતરી હકૂમત નીચે હતા. પરંતુ એમની એ સત્તાનો અંત આવી ગયા પછી પણ, અને ક્યાંક તો પછી જ અંગ્રેજીએ આટલું કાઠું કેમ કાઢયું? અંગ્રેજો જ્યાં જ્યાં ગયા ત્યાં શેક્સપિયરને લઈ ગયા, ડિકન્સ અને જેન ઓસ્ટિનને લઈ ગયા, ઈમિલી બ્રોન્ટે, શાર્લોટ બ્રોન્ટે અને થેકરેને લઈ ગયા. વર્ડઝવર્થ, શેલી અને કિટ્સને લઈ ગયા.
અને ન્યૂટનને લઈ ગયા. અંગ્રેજી ભાષાએ જ આપણને અન્ય દેશોના મહાન સાહિત્યકારો અને વિજ્ઞાનીઓ સુધી પહોંચાડયા. અને એ સિલસિલો, ખાસ તો વિજ્ઞાનની બાબતમાં અમેરિકનોએ ચાલુ રાખ્યો. અંગ્રેજી શીખ્યા વિના આપણે ચાલે તેમ નથી, પરંતુ એ માટે ગુજરાતીનો ભોગ આપવાની જરૃર નથી. પોતાની માતૃભાષા ઉપર જેને પ્રભુત્વ ન હોય એ અન્ય કોઈ ભાષા ઉપર પ્રભુત્વ મેળવી શકતા નથી.
ખરેખર તો આપણે ગુજરાતીને વધુ સમૃદ્ધ કરવાની જરૃર છે, વધુ શુદ્ધ નહીં. અંગ્રેજોએ અંગ્રેજી ભાષા માટે જે કર્યું તે આપણે કરવાની જરૃર છે. અંગ્રેજી ભાષાને સમૃદ્ધ કરવા માટે એક સમયની અન્ય સમૃદ્ધ ભાષાઓ ફ્રેંચ, અને ખાસ તો અરબી અને સ્પેનિશ જેવી ભાષાના શબ્દોને એમણે કશાય છોછ વિના અપનાવી લીધા. અરબીના એટલા બધા શબ્દો અંગ્રેજીમાં છે કે આજે પણ એ શબ્દોને પોતાના ગણ્યા વિના એમને ચાલે એમ નથી. એમની પહેલાં અરબો દુનિયાભરમાં છવાઈ ગયા હતા ત્યારે એમણે પણ એ જ કર્યું હતું. અરબોએ જ આપણા (ભારતીય) જ્યોતિષશાસ્ત્ર, ખગોળવિદ્યા, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્રને પશ્ચિમના જગતમાં પહોંચાડયું છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં આજે પણ ૧, ૨, ૩, ૪, ૫ વગેરે આંકડાઓનો Arabic Numeral (અરબી આંકાડઓ) તરીકે ઉલ્લેખ થાય છે. એ પહેલાં યુરોપમાં i, ii, iii, iv, v વગેરે રોમન આંકડાઓ વપરાતા હતા. અને શૂન્ય (Zero) પણ ભારતમાંથી જ અંગ્રેજીમાં, યુરોપમાં પહોંચેલ છે. વિચાર કરો કે જો ૧, ૨, ૩ જેવા આંકડાઓ અને શૂન્ય ન હોત તો આજે દુનિયામાં ગણિત ક્યાં હોત? અને ગણિત ન હોત તો વિજ્ઞાન ક્યાં હોત? અને, આરબો પછી ઈરાનીઓએ ખાસ તો સાહિત્યને ઉંમર ખય્યામ, હાફિસ અને સૂફી સાહિત્યને પશ્ચિમમાં પહોંચાડયું. શેખ સાદી અને જલાલુદ્દીન રૃમી આજે પણ પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં બેસ્ટસેલર છે. એટલે બીજી ભાષાના શબ્દો અને ખાસ તો વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા શબ્દો આપણી ગુજરાતી ભાષામાં સમાવવામાં છોછ ન રાખવો જોઈએ. ગુજરાતીને ધબકતી રાખવા માટે એમ કરવું જરૃરી છે. એને સમૃદ્ધ કરવી જોઈએ, શુદ્ધ કરવાનો ગાંડો ભદ્રંભદ્રીય પ્રયત્ન ન કરવો જોઈએ. ભાષા તો ગંગાના પ્રવાહ જેવી હોય છે, અનેક નાનીમોટી નદીઓના પાણીના પ્રવાહથી એ ગંગા બને છે. એ ગંદી ન થઈ જાય એટલું જ માત્ર ધ્યાન રાખવું જોઈએ.
માતૃભાષા બચાવવા માટેની ઝુંબેશ હમણાં ખૂબ ચાલી. પરંતુ કોઈ ભાષા એમ જલદી મરતી નથી. ભાષા જો બોલાતી બંધ થાય તો જ ધીમે ધીમે એનું મૃત્યુ થાય છે. જ્યાં સુધી એ બોલાય છે – ભલેને લખાય નહીં, વંચાય પણ નહીં, પરંતુ બોલાય ત્યાં સુધી એને કોઈ મારી શકતું નથી. બોલાય નહીં તો એને કોઈ જીવાડી શકતું નથી. કચ્છી બોલીનું ઉદાહરણ આપણી સામે જ છે. કચ્છી લોકોએ ક્યારેય બોલવાનું ન છોડયું. કચ્છ છોડયું એમણે પણ એ બોલવાનું ન છોડયું. પરિણામે સરકારને એ કચ્છી ‘બોલી’ને ભાષાનો દરજ્જો આપવાની ફરજ પડે એવી સ્થિતિ ઊભી થઈ.
અંગ્રેજી ભાષાના આક્રમણ સાથે જો ગુજરાતીને ધબકતી રાખવી હશે તો ગુજરાતીઓએ પોતાના ઘરમાં અંગત વ્યવહારમાં ગુજરાતીનો ઉપયોગ કરવો પડશે. ગુજરાતી બોલવી પડશે. ઈંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધા દેશોમાં એકસરખી અંગ્રેજી બોલાતી નથી. વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ થોડી જુદી રીતે જુદા લહેકાથી ગુજરાતી બોલે તો કશો જ વાંધો નહીં. કચ્છીઓએ જેમ કચ્છી બોલવાનું ન છોડયું એમ ગુજરાતીઓએ, ગુજરાત છોડીને પરદેશમાં રહેતો હોય તો પણ ગુજરાતી બોલવાનું એણે ન જ છોડવું જોઈએ. કારણ કે ગુજરાતી ભાષાને માત્ર ગુજરાતીઓ જ બચાવી શકશે- અથવા તો મારી શકશે. અંગ્રેજી કે બીજી કોઈ ભાષા, કોઈ શક્તિ એને મારી નહીં શકે. ગુજરાતીઓ સિવાય કોઈ એના ગળે ટૂંપો નહીં આપી શકે.
ગુજરાતીને વિશ્વમાનવી બનાવવાની ધગશ ધરાવનાર કવિ ઉમાશંકરે કહ્યું: “એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?”
પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે એ પંક્તિઓમાં થોડો ફેરફાર કરીને કહેવું પડશે કેઃ એ તે કેવો ગુજરાતી જે બોલે નહીં ગુજરાતી?

Advertisements

9 comments

 1. આ ઈન્ટરનેટ અને બ્લોગને કારણે પ્રાદેશીક ભાષાઓમાં પોતાના વીચારો વ્યકત કરવાની જે સગવડ થઈ છે એ વખાણવા લાયક છે. યુનીકોડ વાળા એમાં સામેલ થઈ ગુજરાતીમાં ટાઈપ કરવાની એક જ વ્યવસ્થા કરે એ જરુરી છે. આજની તારીખમાં ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, લખવામાં બધા પ્રોગ્રામમાં અલગ અલગ કોમ્પ્યુટર કી દબાવવી પડે છે. આના કારણે ક્યા કોમ્પ્યુટર ઉપર કઈ કી દબાવવી એ યાદ રાખવું પડે છે. આ યુનીકોડવાળાઓને એ બાબત સાહીત્યકારો સરકાર સમજાવે એ જરુરી છે.

  Like

  1. ભાઈશ્રી વોરા

   આપની વાત મફદ અંશે સત્ય હોવા છતાં જ્યાં સુધી કોમન ગુજરાતી ટાઈપ કરવાની પધ્ધ્તિ ઉપલબ્ધ ના બને ત્યા સુધી સૌ કોઈએ પોતાને જે ફાવે તે પધ્ધ્તિ અપનાવી ગુજરાતી લખવું રહ્યું ! હું શ્રુતિ વાપરું છું થોડું અઘરું પડતું હોવા છતાં ધીમે ધીમે ટેવાય ગયો છું. આનાથી કોઈ સરળ અને સહેલું હોય તો મને ચોક્ક્સ જણાવજો ! આભાર આપનો બ્લોગની મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 2. અનેક વિદ્વાનો બોલ્યા હતા. સ્વાભાવિક રીતે જ એ બધા અંગ્રેજીમાં બોલ્યા હતા.

  આ સાચી હકીકત છે. અહીં અમેરીકામાં જન્મેલા બાળકો અંગ્રેજીમાં બોલે તે સમજી શકાય, પણ દેશમાં જ ઉછરેલા મોટાંઓ પણ મોતે ભાગે અંગ્રેજીમાં જ બોલવાનું પસંદ કરતા હોય છે. અમારે ત્યાં ગુજરાતી કવી સમ્મેલનમાં પણ આમ જ થાય છે. આવા બે એક સમ્મેલનમાં મેં તો ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખ્યો હતો.
  =====================
  ખરેખર તો આપણે ગુજરાતીને વધુ સમૃદ્ધ કરવાની જરૃર છે, વધુ શુદ્ધ નહીં. અંગ્રેજોએ અંગ્રેજી ભાષા માટે જે કર્યું તે આપણે કરવાની જરૃર છે. અંગ્રેજી ભાષાને સમૃદ્ધ કરવા માટે એક સમયની અન્ય સમૃદ્ધ ભાષાઓ ફ્રેંચ, અને ખાસ તો અરબી અને સ્પેનિશ જેવી ભાષાના શબ્દોને એમણે કશાય છોછ વિના અપનાવી લીધા.

  આ વાત પણ ગમી. આપણા અતી ઉત્સાહી લોકો ગુજરાતામાં વધી રહેલા અંગ્રેજી શબ્દો માટે બળતરા કાઢે છે. પણ આ સાવ સ્વાભાવીક પ્રક્રીયા છે. જ્યારે બધા વ્યવસાયીક અને નોકરીયાત લોકો દીવસના જાગૃત ભાગનો મોટો ગાળો ઓફીસમાં ગાલતા હોય, ત્યાં આમ બનવાનું જ. એનો છોછ પણ આપણે કાઢવો રહ્યો.
  સામાન્ય વાતચીતમાં પણ પીતા, માતા, પતી, પત્ની… શબ્દો પણ વપરાય છે ખરા?

  Like

  1. શ્રી સુરેશભાઈ

   આપનો આભાર ! આપની વાત તદન સાચી છે ! જ્યાં સુધી ગુજરાતીઓ પોતે જ પોતાના માટે અને ગુજરાતી ભાષા માટે ગૌરવ અનુભવતા ના થાય ત્યાં સુધી કોઈ બીજા ગુજરાતી ભાષા કે ગુજરાતી તરીકેની આપણી ઓળખ માટે પ્રયત્ન કરે તેવી આપણી અપેક્ષા મૂર્ખાઈ ભરેલી જ ગણાય ! ખેર ! ફરી મળીશું ! આવજો !

   સ-સ્નેહ

   અરવિદ

   Like

  1. નીલમજી

   આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપને લેખ ગમ્યો તે જાણી આનંદ થયો ! આપ તો શ્રી મોહમ્મદ માંકડથી પરિચિત છો જ તેમ ધારું છું. આપણાં ગુજરાતના પ્રખર સાહિત્યકાર અને ચિંતક જ્યારે કોઈ વિષય ઉપર પોતાના વિચારો જણાવે ત્યારે સૌ ગુજરાતીઓએ ગંભીરતા સાથે વિચારવું રહ્યું તેમ માનુ છું ! ફરી પણ મુલાકાત આપની અનૂકુળતાએ લેતા રહેશો ! ચાલો આવજો ! મળતા રહીશુ !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 3. ગુજરાતી પરિષદ હોય ને બળદો અંગ્રેજીમાં ભાષણો આપે એના જેવી બીજી કોઈ કરુણતા હોય શકે?એવા બળદો માટે ચોક્કસ ગુજરાતી બચાવો અભિયાન કરવું જ પડે.અંગ્રેજી ના મોહ માં ગુજરાતી નું સત્યાનાશ?એવું તો કોઈ કાલે પણ નહોવું જોઈએ.પણ બે ભાષાઓ સારી રીતે સાથે કેમ ના શીખી શકાય?મારા ભત્રીજી ને અંગ્રેજી,કન્નડ,હિન્દી અને પોતાની ગુજરાતી એકદમ ફ્લુએન્ટ અવળે છે.એ કદી ગુજરાતી ભણી નથી.છતાં તમે mani ના shako ke aane ગુજરાતી કદી bhanyu નથી.

  Like

  1. આપ અભ્યાસ કરો છો અને બ્લોગ ઉપર રીસર્ચ કરવાનું છે તે જાણી આનંદ ! આપે આ સદેશો ગુજરાતી લીપીમાં કેમ નહિ લખ્યો ? ગુજરાતી ટાઈપ નથી આવડતું કે ફાવટ નથી ? આપની ઈચ્છા મુજબ મારું ઈ-મેલ આપું છું ચાલો આવજો ! ફરી પન બ્લોગની મુલાકાત લેતા રહેશો તો મને ગમશે ! અને હવે પછી કોઈ પણ પ્રતિભાવ જે વો ફાવે તે વો પણ ગુજરાતી લીપીમાં લખશો તો મને વધુ ગમશે ! આભાર !
   http://www.arvind_adalja@yahoo.com
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s