માતૃભાષા ઉપરના પ્રેમની હૃદય હચમચાવી મૂકે એવી વાત(કેલિડોસ્કોપ)

વ્હાલા મિત્રો અને વડિલો
આજ 10 જાન્યુઆરી 2010 ને રવિવારના સંદેશની સંસ્કાર પૂર્તિમાં લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને ચિંતક શ્રી મોહમ્મ્દ માંકડની કોલમ કેલિડોસ્કોપમાં પ્રસિધ્ધ થયેલ માતૃભાષા ઉપરના પ્રેમ વિષેનો સૌ ગુજરાતી વાચકોને વિચાર કરતાં કરી દે તેવો લેખ મારાં બ્લોગ ઉપર શ્રી મોહમ્મ્દ માંકડ અને સંદેશના સૌજન્યથી મૂકી રહ્યો છું મને વિશ્વાસ છે કે આપ સૌને આ લેખ ખૂબજ પસંદ પડશે ! આપના પ્રતિભાવ જણાવવા વિનંતિ સાથે ! આભાર !

સ-સ્નેહ
અરવિંદ

માતૃભાષા ઉપરના પ્રેમની હૃદય હચમચાવી મૂકે એવી વાત(કેલિડોસ્કોપ)

તા. ૨૫-૨૬-૨૭ ડિસેમ્બરના રોજ નવસારીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પિસ્તાલીસમું અધિવેશન હતું. એમાં માતૃભાષા ગુજરાતીનો મહિમા વધે અને વિકાસ થાય એ માટે એક ઠરાવ રજૂ થયો. એ ઠરાવ વિશે વાત કરતાં પહેલાં આજથી સો વર્ષ પહેલાં “ગુજરાતી સાહિત્ય પરિષદ”નું ત્રીજું અધિવેશન રાજકોટ મુકામે સને ૧૯૦૯ના ઓક્ટોબરની તા. ૨૮, ૨૯, ૩૦ના રોજ મળવાનું હતું. એના રજૂ કરવામાં આવેલા અહેવાલનો કેટલોક ભાગ જોઈએ.
“ગુજરાતી ભાષા અને સાહિત્યના અનુરાગીઓને ખબર પહોંચાડવાના હેતુથી રંગૂન, સિંગાપોર, હોંગકોંગ, સયામ, સાંગહાય, જાપાન, મન્ચૂરિયા, કેનેડા, યુનાઈટેડ સ્ટેટ્સ, ઈંગ્લેન્ડ, આફ્રિકા, મોરેશિયસ, એડન, બગદાદ વગેરે સ્થળે એક અંગ્રેજી વિનંતીપત્ર મોકલવામાં આવ્યો હતો. આના પરિણામમાં પરિષદની પેટાસભાઓ જેવી એક સભા જાપાનના કોબેમાં અને બીજી ઈંગ્લેન્ડમાં થઈ. બંનેના અહેવાલ અહીં પરિષદની તારીખો પહેલાં પહોંચી શક્યા.
કોબે, તા. ૨ ઓકટોબર
સને ૧૯૦૯
મિ. બી.કે. ઠાકોર,
ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદના ઓન. સેક્રેટરી, રાજકોટ.
…અત્રે વસતા ગુજરાતી ભાષા બોલનારાઓની એક સભા તા. ૧લી ઓકટોબર સને ૧૯૦૯ના રોજ ‘ધી ઓરિએન્ટલ’ ક્લબના મકાનમાં મળી હતી. જેમાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો.
“આ સભામાં હાજર રહેલા ગુજરાતી ભાઈઓ ‘ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ’ જે રાજકોટમાં મળનારી છે તે જાણી ઘણા ખુશ થયા છીએ. અને એ પરિષદના કામને દરેક જણ ફતેહ ઈચ્છે છે. તેમજ એ પરિષદને ઊભા કરનાર તથા ચલાવનારને ધન્યવાદ આપીએ છીએ.
લી. સેવક, અમરજી કાનજી જોશી, પ્રેસિડેન્ટ.”
લંડનમાં એક હિન્દુ, એક પારસી અને એક મુસલમાન એમ ત્રણ ગૃહસ્થોની સહીથી નીચેની વિજ્ઞાપના વિલાયતમાંના ગુજરાતીઓને કરવામાં આવી :
સાહેબ,
17th September, 1909
ગુજરાતી સાહિત્ય પરિષદ ત્રીજી કાઠિયાવાડના રાજકોટમાં ઓકટોબરની તા. ૨૮, ૨૯, ૩૦મીએ મળશે. તેમાં ગોંડળનાં રાણીશ્રી ના. નંદકુંવરબા સાહેબ રિસેપ્શન કમિટિનાં પ્રમુખ છે. દીવાન બહાદૂર અંબાલાલ સાકરલાલ દેસાઈ પરિષદના પ્રમુખ નીમાશે.
પરિષદના ‘સેક્રેટરી’ રા.રા. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર તરફથી કાગળ આવ્યો છે તેમાં પરિષદને ઉત્તેજન મળવાની માગણી કરે છે. આ કામમાં વિલાયતમાં રહેનારા હિન્દુ, મુસલમાન, પારસી બધા મળી એક ઠરાવ પસાર કરે તો ઠીક એમ કેટલાકનો મત છે.
તેથી ગુજરાતીઓની જાહેરસભા ભરવાની છે.
જેઓને આ પત્ર મળે તે પોતાના ભાઈબંધોને બતાવશે અને સાથે લાવશે એવી ઉમેદ છે.
લી. રૃસ્તમ દેસાઈ
લી. હૂસેન દાઉદ મહમદ
લી. જેઠાલાલ મોતીલાલ પરીખ.
આ વિજ્ઞાપના ઉપરથી તા. ૫મી ઓકટોબરે વેસ્ટ મિનિસ્ટર પેલેસ હોટેલમાં સર મનચેરજી ભાવનગરી, રા.રા. મોહનલાલ કરમચંદ ગાંધી, જેઠાલાલ મોતીલાલ પરીખ, લેફ્ટેનન્ટ કુમાર જોરાવરસિંહજી હરિસિંહજી. દાકતર દિનશા પેસ્તનજી ઘડિઆલી, મિસિસ માણેકબાઈ ઘડીઆલી, (કેટલાંક પારસીઓનાં નામ.)
મિ. હાજી હબીબ, મિ. મહંમદ કાસમ આંગલિયા, મિ. હૂસેન દાઉદ મહમદ (બત્રીસ તેત્રીસ જણ સભામાં હાજર હતા.)
સર મંચેરજી ભાવનગરીએ પ્રમુખસ્થાન લઈને નીચે પ્રમાણે ભાષણ કર્યું :
આ મેલાવડામાં કોઈ હિન્દુ ગૃહસ્થ બીરાજતે તો વધારે શોભત.
આપણાંમાનાં ઘણાં ફ્રેન્ચ જરમન પણ શીખીએ છીએ, ત્યારે જે ભાષા આપણી કુદરતી છે તેને કેમ છોડી દેવાય?
મને કોઈ ગુજરાતીમાં કાગળ લખે તેને જવાબ ગુજરાતીમાં જ આપું છું.
‘રિશેપ્શન કમિટી’ એ શબ્દ વાપરતાં મને વિચાર થાય છે કે તેને સારુ આપણી પાસે ગુજરાતી શબ્દ હોવો જોઈએ. આ બતાવે છે કે આપણી ભાષા ઉપરથી આપણો કાબૂ ઊઠી ગયો છે. વગેરે વગેરે.
એ વખતે દરખાસ્ત રજૂ કરતાં મિ. ગાંધીએ નીચે પ્રમાણે ભાષણ કર્યું (એમાંનો કેટલોક ભાગ)
ગુજરાતી ભાષા વિશે કંઈક વિચાર.
હિંદુસ્તાનમાં આજકાલ નવો પવન ચાલી રહ્યો છે. હિન્દુ, મુસલમાન, પારસી એ બધાં ‘મારો દેશ’ અથવા ‘આપણો દેશ’ એમ ઝંખના કરી રહ્યા છે. આ બાબત આપણે રાજ્ય પ્રકરણી પદ્ધતિએ વિચારવાનું હાલ નહીં કરીએ. ભાષાની પદ્ધતિએ વિચારતાં આપણને સહેજે માલમ પડી આવે છે કે ‘આપણો દેશ’ એમ આપણે અંતરનો પોકાર કરી શકીએ તે પહેલાં ભાષાનું અભિમાન આપણને આવવું ઘટશે. મને તો લાગે છે કે હિન્દુસ્તાનમાં મોટા નાના સહુ પોતપોતાની ભાષા સંભાળતા થઈ ગયા છે. એ સંતોષકારક પગલું છે. …
લોર્ડ મેકોલેના હિન્દુસ્તાની કેળવણીના વિચારો ઉપર હું મોહાએલો હતો. બીજા પણ મોહાએલા છે. મારો મોહ ભાંગ્યો છે. બીજાનો મોહ ભાંગે એવું ઈચ્છું છું.
બહાર જતા હિન્દીઓને આ હકીકત બહુ વિચારવા જેવી છે. તેઓની જવાબદારી મોટી છે. તેઓ પ્રજાને દોરનાર થવાના છે. તેઓ જ “પોતાની ભાષા ભૂલી જશે તો પાપના અધિકારી થશે.”
કેટલાકને બોલતાં સાંભળ્યા છે કે તેઓ ગુજરાતી કરતાં ઇંગ્રેજી વધારે જાણે છે. આ વાત આપણને શરમ ઉપજાવનારી છે. એવું લખનાર બોલનાર ઇંગ્રેજી ભાષા શુદ્ધ લખતા બોલતા નથી, એમ કહેતાં આંચકો નથી ખાતો.
“ગુજરાતી ભેળા થાય ત્યારે ગુજરાતી બોલશે તેથી અંગ્રેજી જ્ઞાન ઘટવાનું નથી વધવાનો સંભવ છે.
જેમાં નરસી મેતો, અખો ભગત, દયારામ આદિ કવિ થઈ ગયા છે. તે ભાષાને ખીલવી શકાય તેમ છે. જે ભાષાના બોલનારા દુનિયાના ત્રણ મોટા ધર્મ હિન્દુ, ઈસ્લામ ને જરથ્રુસ્તી પાળનારા છે. તે ભાષાની ચડતીની સીમા બાંધી શકાતી નથી. એક જ વિચાર ગુજરાતી ભાષામાં ત્રણ પ્રકારે બતાવી શકીએ છીએ. પારસી જેને ખુદા, મુસલમાન અલ્લાતાલા, હિન્દુ જેને ઈશ્વર કહેશે તેને અંગ્રેજીમાં માત્ર ગોડ એ જ નામથી પોકારશે. મુસલમાનની ભાષામાં અરબી અને ફારસીની શેખ સાદીની અસર પડશે. પારસીના ગુજરાતીમાં જરથ્રુષ્ટ્રના ઝંદની છાયા પડશે. હિન્દુના ગુજરાતીમાં સંસ્કૃતની છાયા પડશે.
ત્રણે ધર્મના આગેવાનોની એક જાથુક “કમિટી” નીમવી.”
મિ. ગાંધીને ટેકો આપતાં મિ. નસરવાનજી કુપર બોલ્યા.
મિ. સેતલવડે પણ ટેકો આપ્યો.ગુજરાતી થેસોરસ રચાવો જોઈએ. વગેરે.
હવે નવસારીમાં જે ઠરાવ પસાર થયો તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે હતા :
*અત્યારે દસમા ધોરણ સુધી ગુજરાતી વિષય ફરજિયાત છે તે બારમા ધોરણ સુધી કરવો જોઈએ.
*ઉચ્ચ શિક્ષણમાં પ્રથમ ભાષાના ગુણ ગણાવા જોઈએ. (અંગ્રેજી માધ્યમવાળા માટે અંગ્રેજી, હિન્દી વગેરે).
*સરકારી ઓફિસોનું કામકાજ તો અત્યારે ગુજરાતીમાં ચાલે જ છે. એ જ વડી અદાલત સહિતની અદાલતોમાં પણ ગુજરાતીને સ્થાન મળવું જોઈએ.
*આઈ.એ.એસ. જેવી અન્ય ઉચ્ચકક્ષાની પરીક્ષાનાં પેપર્સ અંગ્રેજીમાં નીકળે છે તેના જવાબો ગુજરાતીમાં લખવાની છૂટ આપવી જોઈએ.
ઉપરના ઠરાવને જોતાં આપણને લાગે છે કે ઠરાવમાં મહદંશે સરકારે શું કરવું જોઈએ એનો વિચાર કરવામાં આવ્યો છે.
અને એ બરાબર છે, કારણ કે મોટાભાગની બાબતો અને ખાસ કરીને શિક્ષણ ઉપર સરકારનો જ કાબૂ છે.
આજે છે એટલું અંગ્રેજીનું પ્રભુત્વ અગાઉ આપણા ઉપર નહોતું. હિન્દુસ્તાનમાં અંગ્રેજો આવ્યા ત્યારે તો તેઓ ઉર્દૂ ઉપરાંત લોકબોલીઓ શીખવા મથામણ કરતા હતા, કારણ કે એમ કરવું એમના માટે અત્યંત આવશ્યક હતું. વડી અદાલત અને અન્ય અદાલતોમાં આજે પણ વપરાતા કાયદો, વકીલ વગેરે મોટા ભાગના શબ્દો ઉર્દુ છે. અદાલત શબ્દ પણ ઉર્દૂ છે.
જગતની કોઈ પણ ભાષા શીખવી એ નકામી વસ્તુ નથી. એ તો વધુ સારું અને પ્રશંસનીય છે. પરંતુ તે ભાષા માતૃભાષા પછીની બીજા, ત્રીજા કે ચોથા ક્રમની હોવી જોઈએ. અને એમ બને ત્યારે આપણી માતૃભાષા, દૂધભાષા વધારે સમૃદ્ધ બને, સક્ષમ બને.
અત્યારે દુનિયામાં લગભગ છ હજાર નવસો જેટલી ભાષાઓ – જેને આપણે ‘બોલી’ કહીશું – બોલાય છે. પરંતુ એમાંની પાંચસોથી વધુ ભાષા માત્ર વયસ્ક લોકો જ જાણે છે.યુવાન તથા નવી પેઢીના લોકોમાં એ બોલી બોલવાનું ચલણ જ નથી અથવા તો બહુ ઓછું ચલણ છે. એટલે એ બોલી બહુ ઝડપથી લુપ્ત થઈ જશે એમ મનાય છે.
એક અગત્યની ભાષા તરીકે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ સ્વીકાર્યા વિના આપણને ચાલે તેમ નથી. પરંતુ એ જાણવાનું પણ જરૃરી છે કે અંગ્રેજી ઝડપથી વિકસી રહેલી ભાષા હોવા છતાં આજેય સૌથી વધારે બોલાતી ભાષા તો ચીનની ચાઈનીઝ (ઝ્રરૈહીજી સ્ટ્વહઙ્ઘિૈહ) જ છે. બીજા ક્રમે હજુ સ્પેનિશ ભાષા છે. પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે જ નહીં, દક્ષિણ અમેરિકામાં પણ એ ભાષા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને દુનિયામાં પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવે છે. રશિયન, અરબી અને ફ્રેંચ ભાષા પણ ઓછું મહત્ત્વ ધરાવતી નથી.
દુનિયામાં રાષ્ટ્રોની સંખ્યા કરતાં ભાષાઓની સંખ્યા અનેકગણી વધારે છે. કાયમ વધારે રહી છે. વિશ્વની એક હજાર જેટલી પ્રજા ત્રણ હજાર જેટલી જુદી જુદી ભાષામાં પોતાનો વ્યવહાર ચલાવે છે. ઘણાં નાના પ્રદેશોમાં એકથી વધુ ભાષાઓ બોલાતી હોય છે. દા.ત. બેલ્જિયમમાં ફ્લેમીશ અને ફ્રેંચ ભાષા બોલાય છે. સુદાનમાં એકસો સત્તર ભાષા (બોલી) બોલાય છે. કોન્ગોમાં પાંચસો ઈન્ડોનેશિયામાં બસો પચાસ અને ટોંગો જેવા પંદરેક લાખની વસતિ ધરાવતા દેશમાં ચાલીસેક ભાષાનો બોલવામાં અને જે તે પ્રદેશમાં સામાન્ય વ્યવહારમાં લખવામાં પણ ઉપયોગ થાય છે.
માત્ર પંદર-વીસ લાખની વસતિ ધરાવતા રશિયન પ્રદેશ દાઘેસ્તાનનો ઉલ્લેખ અહીં પ્રસ્તુત લાગે છે, કારણ કે ત્યાં લગભગ સાઠેક ભાષા બોલાય છે. અને એમાંની એક, જે આજે તો માંડ પોણા બે લાખ લોકો જ જાણે છે એવી ભાષા ‘અવાર ભાષા’માં એક પુસ્તક લખાયું છે જે વિશ્વસાહિત્યમાં સ્થાન પામ્યું છે અને જગતની અનેક ભાષાઓમાં એનું ભાષાંતર પણ થઈ ચૂક્યું છે. ગુજરાતીમાં પણ એનું ભાષાંતર થયું છે. એ પુસ્તકનું નામ છે : ‘મારું દાઘેસ્તાન.’
પુસ્તકમાં અવાર ભાષાના કવિ, લેખક રસૂલ હમઝાતોવે પોતાના વતન વિશે, કાવ્યો વિશે, ભાષાના પ્રેમ વિશે, રમૂજો વિશે, કહેવતો વિશે, વાર્તાઓ અને લોકગીતો વિશે, અનેક જુદાજુદા વિષયો ઉપર લખ્યું છે. તેમનું આ પુસ્તક કોઈ ખાસ પ્રચલિત ઢાંચામાં લખાયેલું નથી. એ કોઈ નવલકથા, વાર્તા, ટુચકા કે કાવ્યોનું પુસ્તક નથી. અને આપણે અનુવાદિત પુસ્તક વાંચીએ છીએ જ ેમૂળ ભાષાના લખાણ જેટલું તૃપ્તિકર તો ન જ હોય અને સ્વાભાવિક છે, છતાં આપણાં હૃદયને એ સ્પર્શી ગયા વિના રહેતું નથી.
રસૂલ હમઝાતોવનો પોતાની દૂધભાષા તરફનો ઊંડો પ્રેમ એમના આ પુસ્તકમાં અનેક પ્રસંગોમાં પ્રગટ થાય છે.
એક વાર પારિસમાં રસૂલ એક કલાકારને મળ્યા. એ કલાકાર પણ દાઘેસ્તાનનો જ વતની હતો. પરંતુ ક્રાંતિ પછી થોડા વખતે જ એ ઈટાલી ચાલ્યો ગયો હતો. ત્યાં જ તેણે અભ્યાસ કર્યો, ઈટાલિયન કન્યા જોડે લગ્ન કરીને ઈટાલીમાં જ સ્થિર થયો. પરંતુ વતનને તે ભૂલી શકતો નહોતો. રસૂલે એનાં ચિત્રો જોયાં અને એની સાથે વાતચીત કરી.
કલાકારે વેરાન ખડકો વચ્ચે ઊગી નીકળેલાં કાંટાળા છોડ ઉપર બેઠેલા એક પંખીનું ચિત્ર દોર્યું હતું. “આ ચિત્રની પ્રેરણા મને એક પ્રાચીન અવાર દંતકથામાંથી મળેલ” તેણે રસૂલને કહ્યું.
“કઈ દંતકથા?”
“એક પંખીને પાંજરામાં પૂરી દેવામાં આવેલું. કેદી પંખી દિનરાત રટણ કરતું હતું. “મારું વતન, મારું વતન, મારું વતન, મારું વતન.” પંખીના માલિકને થયું : ‘આ પંખીનું વતન કેવું હશે? એ તો ચોક્કસ રળિયામણી આબોહવાની બોલતી કોઈ ભૂમિ હશે, તેના વનમાં અનેક પંખીઓ કલ્લોલ કરતાં હશે. પંખીને છૂટું મૂકીને જોઉં તો ખરો કે એ ઊડીને ક્યાં જાય છે.એ અદ્ભુત ભૂમિનો માર્ગ મને તે બતાવી દેશે.’ તેણે પાંજરું ખોલી નાંખ્યું. પંખી ઊડીને બહાર નીકળ્યું. અને જરાક છેટે પથરાળ જમીનમાં ઊગી નીકળેલાં કાંટાળા છોડ પર બેસી ગયું. તેનો માળો એવા જ છોડની ડાળીઓમાં હતો. મારા પિંજરાની બારીમાંથી હું પણ મારું વતન નીરખતો રહું છું.” કલાકારે વાત પૂરી કરી.
“તો પછી તમે વતન પાછા કેમ નથી ફરતા?”
“એની વેળા વીતી ગઈ છે. હું વતન છોડીને નીકળ્યો ત્યારે મારું હૃદય જુવાન અને જોશીલું હતું. હવે આ ખાલી હાડકાં લઈને પાછો કઈ રીતે ફરું?”
પેરીસથી પાછા આવીને રસૂલ ચિત્રકારનાં સગાંસંબંધીઓને મળ્યા. એ ચિત્રકારની માતા હજી હયાત હતી. એ જાણીને તેમને આશ્ચર્ય થયું. પરદેશની જિંદગી ખાતર વતન તજી દેનારા દીકરાની, એકઠાં થયેલાં બધાં સગાસંબંધીઓએ એની સફળતાની વાત ગમગીન ચહેરે સાંભળી. રસૂલને લાગ્યું કે વતન છોડી તજી દેવા માટેના એના ગુનાને સૌએ માફ કરી દીધો છે અને તે જીવતો છે એ જાણીને બધાં ખુશીની લાગણી અનુભવે છે અને રસૂલે એની માતાને એના દીકરાની કલાની અને એની પ્રગતિની વાત કરી.
“તમે વાતચીત અવાર ભાષામાં કરેલી?” તેની માએ અચાનક સવાલ કર્યો.
“ના, દુભાષિયા મારફત વાત થયેલી, મેં રશિયન ભાષામાં અને તમારા દીકરાએ ફ્રેંચ ભાષામાં.” રસૂલે કહ્યું.
દાઘેસ્તાન પ્રદેશની સ્ત્રીઓ દીકરાના મોતની ખબર મળતાં કરે છે એવી રીતે માએ ચહેરા આડો કાળા કપડાંનો મલાજો કરી લીધો. સપાટ છાપરા ઉપર પડતા વરસાદનો શોર સંભળાતો હતો. સૌ અવારિસ્તાનમાં બેઠા હતા. દુનિયાના બીજે છેડે પેરિસમાં ક્યાંક દાઘેસ્તાનનો ફક્કડ બેટો પણ વરસાદનો ટપટપ શોર કદાચ સાંભળી રહ્યો હતો.
લાંબી ચૂપકી બાદ મા બોલી : “તમારી ભૂલ થાય છે રસૂલ, મારા દીકરાના મોતને જમાનો વીતી ગયો. એ મારો દીકરો ન હોય. મારો કોઈ દીકરો અવાર માએ એને શીખવેલી ભાષા ક્યારેય ન ભૂલે.”
જે અવાર ભાષા માત્ર ત્રણ-ચાર લાખ લોકો જ જાણે છે એ પ્રદેશના લેખકે એના વિશ્વવિખ્યાત પુસ્તકમાં લખેલ આ વાત છે. (રસૂલ હમઝાતોવ ભારતમાં પણ આવ્યા હતા. બંગાળમાં વિશ્વભારતીની મુલાકાત પણ લીધી હતી અને રવીન્દ્રનાથનાં ચિત્રો વિશે, સાહિત્ય વિશે લખ્યું પણ હતું.)
આપણે વિચાર કરવો જોઈએ કે જે ભાષા માત્ર આટલી અલ્પ સંખ્યા જ બોલે છે, લખે છે એને પોતાની માતૃભાષા વિશે આવી ઉત્કટ લાગણી હોય, તો આપણે તો સાડા પાંચ કરોડથી વધુ છીએ અને દુનિયાભરમાં ફેલાયેલા છીએ. આપણે અંગ્રેજી ભાષા તરફ આંધળી દોટ મૂકવાની શી જરૃર છે? અંગ્રેજી જરૃર શીખવું જોઈએ, પણ આપણી માતૃભાષાના ભોગે નહીં. માતાનું દૂધ છોડી બોટલના દૂધનો મોહ રાખવો યોગ્ય નથી.
અહીં મિ. ગાંધીમાંથી પોતાની નીડરતા અને તેજથી મહાત્મા બનેલ ગાંધીએ એકસો વર્ષ પહેલાં કહેલા શબ્દો યાદ કરવા જેવા છે : “આપણો દેશ એમ આપણે અંતરનો પોકાર કરી શકીએ તે પહેલાં ભાષાનું અભિમાન આપણને આવવું ઘટશે.”
એમના ભાષાપ્રેમમાં પેલી ‘અવાર માતા’નું હૃદય ધબકે છે.
પોતાની માતૃભાષા ઉપરના પ્રેમને કારણે ગુજરાત અને ગુજરાતી વિશ્વભરમાં જાણીતા થયાં. માતૃભાષાને એમણે જ દૂધભાષાનું રૃપાળું કલેવર આપ્યું. ગુજરાતી સાર્થ જોડણીકોશ એમને અર્પણ કરતી વખતે કોશકારે લખ્યું છે : “જેમની ઉજ્જવળ પ્રવૃત્તિથી ભાષાનું તેજ પ્રગટયું છે.”
આપણી પાસે બહુ સારા કવિઓ છે, લેખકો છે, ભાષાશાસ્ત્રીઓ છે, વક્તાઓ છે, પરંતુ છે કોઈ પ્રેમાનંદ?
છે કોઈના દિલમાં પેલી અભણ, અવાર માતાનો માતૃભાષા પ્રેમ?
પોતાનું હૃદય ખોલીને દરેક ગુજરાતી કવિ, લેખક, વિદ્વાને એ જોવાની જરૃર છે. પોતાનું હૃદય ખોલીને સાડા પાંચ-છ કરોડની ગુજરાતી પ્રજાએ એ જોવાની જરૃર છે.

Advertisements

9 comments

 1. માતૃભાષાની ઘોર ખોદવામાં અંગ્રજીનો વધતો પ્રભાવ જવાબદાર છે જ પણ ઉંઝાજોડણીના આતંકવાદીઓની ભંગફોડિયા પ્રવૃતિ એથી પણ વધારે જવાબદાર છે.

  Like

 2. તા.13 જાન્યુ.નારોજ ભાઇશ્રી મયુર બક્ષીએ ગુજરાતી પર આલેખ મુક્યો છે. પરંતુ તેમાં શ્રી મોહમ્મદ માંકડ સાહેબનો કે સંદેશ નો ઉલ્લેખ રહી ગયો લાગે છે. મારો ત્યાં આપેલ પ્રતિભાવ અહીં ફરી મુકું છું.
  આપનો મનનપૂર્ણ લેખ વાંચીને આનંદ થયો. ગુજરાતની બહાર નીકળી ગયેલ ગુજરાતીઓમાં સ્વભાષા પ્રત્યે હજી અનુરાગ જોવા મળે છે. પણ તળ ગુજરાતમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં અંગ્રેજીનો મોહ વધુ કળાય છે. આમાં ધંધાકીય સ્વાર્થ ધરાવતા શિક્ષણના વેપારીઓનો ફાળો પણ ખરો તેમ મારું માનવું છે. આપે દાઘેસ્તાનનો દાખલો બહુ સચોટ આપ્યો છે. દરેક ગુજરાતીએ મઢાવીને શૈયાની સામેની દિવાલ પર લટકાવવા જેવો છે. ગુજરાતમાં તો બીનગુજરાતી ચેનલો દ્વારા ચલાવાતા ગુજરાતી ટીવી કાર્યક્રમોએ દાટ વાળ્યો છે. કોઇના પેટનું પાણી નથી હાલતું. શું શ્રી બાલ ઠાકરેની જેમ અંતિમવાદી રૂખ અપનાવીએ તો જ લોકોના મગજમાંથી અંગ્રેજીનું ભૂસું દૂર થશે ? હું અંગ્રેજીનો વિરોધી નથી. મેં પોતે જૈન ધર્મિક પુસ્તકનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો છે. (મેટ્રિક સુધી સાવરકુંડલામાં ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું). મારાં બાળકોને પણ ગુજરાતી માધ્યમમાં ભણાવ્યાં હતાં. છતાં કોઇનું અંગ્રેજી કાચું નથી રહ્યું. સાહિત્ય પરિષદ માત્ર ઠરાવ કરીને બેસી નહિ રહે તેવી આશા રાખીએ. હાલ તો સપ્ટે. 09 થી તેમની વેબસાઇટ નિષ્પ્રાણ પડી છે તેને પુન:જીવિત કરે તો સારું.

  અત્રે થોડું ઉમેરુંલ રા.રા. મો.ક. ગાંધી લખે તે બ્રહ્મવાક્ય સમજવું ભૂલ ભરેલું છે. પૂ. ગાંધીજીએ અનેક ભૂલો કરી છે. થોડી તેઓએ સ્વીકારી છે. ગુ.સા.પ.નાપ્રમુખ પદે આવ્યા પછી સાર્થ જોડણી કોષના વિમોચન પ્રસંગે તેઓએ કહ્યું હતું કે “હવે કૉઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.”

  Like

  1. ભાઈશ્રી ભજમન
   આપના પ્રતિભાવ માટે આભાર ! આપ જણાવો છો કે મયુર બક્ષીએ ગુજરાતી ઉપર આ જ લેખ મૂકયો હતો પરંતુ સંદેશ અને શ્રી મોહમ્મદ માંકડ્નો ઉલ્લેખ કરવો રહી ગયો હશે તે શકય છે ! ત્યાર પછીનો તેમનો લેખ મારાં બ્લોગ ઉપર મૂકેલ છે તે પણ ખૂબજ સુંદર અને અભ્યાસુ અને વિગતો આપતો લેખ છે આપે જરૂર વાંચ્યો હશે ! એક વાત તો સ્પષ્ટ છે જ કે જ્યાંસુધી ગુજરાતીઓને પોતાના ગુજરાતીપણાની અને ગુજરાતી ભાષા માટે ગૌરવ નહિ થાય ત્યાંસુધી કોઈ બીજા ગુજરાતીભાષા માટે કોઈ જાતના પ્રયાસો ના જ કરે ! આપની એ વાત સાથે પણ હું સહમત છું કે કોઈ મોટા મહાત્મા ગાંધી કે અન્ય ભૂલો કરે માટે આપણે કરતા રહેવું તેવું વિચારવું તે મૂળભુત રીતે ખોટી વિચાર પધ્ધ્તિ છે. મોટા કરે તે બધું યોગ્ય જ હોય તે કેમ માની શકાય ?ખેર ! આવજો ! ફરી મળીશું !

   સ-સ્નેહ
   અરવિદ

   Like

  1. ભાઈશ્રી હિમાંશુ
   આપ મારા બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો ! આભાર ! સમજદાર ગુજરાતીઓ જરૂર એક્ઠા મળશે અને ભાષાને તેનું યોગ્ય સ્થાન આપશે તેમ હું તો માનું છું ! ખેર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. બરોબર વાંચો. રા.રા. મોહનલાલ કરમચંદ ગાંધીએ નરસે મેતો એમ લખ્યું છે.

  આજ કાલના સાહીત્યકારો ભલે ઝોડણી, વ્યાકરણ, હ્રસ્વ, દીર્ઘ બાબત બકવાસ કરે, માસ્તરો છોરાઓને સજા કરે ભાસા એ ભાસા જ રહેવાની.

  આ સાહીત્યકરો અને નીશાળના માસ્તરોએ ઝોડણી અને વ્યાકરણની ભુલો કાઢવાનું બંધ કરવું ઝોઈએ.

  Like

  1. ભાઈશ્રી વોરા

   આપના પ્રતિભાવ બદલ આભાર ! આપે જણાવ્યું કે મહાત્મા ગાંધી પણ જોડણી ખોટી લખતા માટે ભાષા વિદોએ એવું બધુ ચિંતા કર્યા વગ્રર સ્વીકારી લેવું જોઈએ ! અને કદાચ એટલે જ તમે પણ જોડણીઓ અને શબ્દો ખોટી રીતે ટાઈપ કર્યા જણાય છે ! બીજું કે ગાંધીજી ભૂલ કરે એટલે સર્વે એ ભૂલ કરવી તેવું વિચારવું મૂળભુત રીતે ખોટુ છે. કોઈ પણ મનુષ્ય જે કોઈ કક્ષાનો હોય તેની ભૂલની કક્ષા પણ એ જ કક્ષાની હોય છે તે ભૂલવું નહિ જોઈએ ! ખેર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s