સ્વામી નારાયણ સંપ્રદાય+પ્રમુખસ્વામી++શ્રી કાંતિ ભટ્ટ્= 21મી સદીના પરિપ્રેક્ષ્યમાં ? ? !!! ??

### સ્વામી નારાયણ સંપ્રદાય+પ્રમુખસ્વામી++શ્રી કાંતિ ભટ્ટ્= 21મી સદીના પરિપ્રેક્ષ્યમાં ? ? !!! ??

દિવ્ય-ભાસ્કરની 25/11/2009 ને બુધવારની પૂર્તિમાં આદરણીય શ્રી કાંતિ ભટ્ટે સ્વામીનારાયણ સંપ્રદાયના બોચાસણવાસી પ્રમુખ સ્વામીના જન્મદિન નિમિત્તે તેમની સંપ્રદાય પ્રત્યેની સંનિષ્ઠા અને સમર્પણ બિરદાવતા જણાવેલ છે કે આ સંસ્થાના દુનિયાભરમાં મંદિરો બનાવ્યા જેમાં 47 યુરોપમાં, 46 અમેરીકામાં, અને 15 આફ્રીકામાં છે.વોશિગ્ટન ડીસીમાં પણ મંદિર છે. એકલા લંડન શહેરમાં પોણો ડઝન જેટલા આ પંથના મંદિરો છે.

@@@ આ ઉપરાંત આપણાં દેશમાં પણ અનેક શહેરોમાં મંદિરો-અક્ષર ધામ- બનાવેલ છે. જેમાં ગાંધીનગર( ગુજરાત ) અને દિલ્હીના મંદિરો આગવું અને વિશિષ્ટ સ્થાન તેમના સુંદર-સુશોભિત સ્થાપત્ય થકી ધરાવે છે.

દિલ્હીના અક્ષર ધામમાં એક આશ્ચ્રર્ય અનુભવ્યું એક વિડીયો શૉમાં ભારત ભરના તમામ પ્રમુખ્ સાધું-સંતોના( સ્ટેચ્યુ) શિલ્પ બનાવેલા દર્શાવાય છે જેમાં સ્વામી વિવેકાનંદ અને શ્રી દયાનંદ સરસ્વતી જેવી વિભૂતીનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેનું શું કારણ હોઈ શકે ? સંભવ છે કે આ પંથની સાધુ-સંતની પરિભાષામાં સમાવેશ ના થતો હોય !! તેથી કદાચ આ બંને સંતોને સંત ના માનતા હોય !

@@@ ઉપરાંત આ અક્ષરધામનું જે ગેસ્ટ હાઉસ છે તેના પ્રવેશ દ્વારમાં સામસામે બે રૂમ આવેલા છે જેમાં એક રીસેપસ્ન માટે છે કે જ્યાં મુલાકાતીઓ પોતાના માટે રૂમ બૂક કરાવવા જતા હોય છે તે જ રૂમની બરાબર સામે એક રૂમ આવેલ છે જેમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તે રૂમ સ્વામીઓ માટે જ છે. આ રૂમની તમામ બારીઓમાં જે કાચ લગાવવામાં આવ્યા છે તેમાંથી બહાર જોઈ શકાય છે પણ બહારથી અંદરની બાજુ શું ચાલી રહ્યું છે તે કોઈ જોઈ શકતું નથી. સ્વામીની રૂમમાં પારદર્શિકતા કેમ નહિ તેવો મુલાકાતીઓને પ્રશ્ન થાય તો અસ્થાને ના ગણી શકાય !

@@@ શ્રી કાંતિભાઈના જણાવ્યા પ્રમાણે પ્રમુખસ્વામીએ લાખો લોકોને વ્યસન છોડાવ્યા છે અને મંદિરો બાંધતા સમયે જો વૃક્ષો કાપવા પડ્યા હોય તો નવા વૃક્ષો ઉગાડવા આદેશ આપ્યા છે. જે ખરે જ સહરાનીય કાર્ય ગણાય પ્રમુખસ્વામીને આ માટે લાખ લાખ ધન્યવાદ !!

@@@ શ્રી કાંતિ ભટ્ટ વરિષ્ઠ નાગરિક તો છે જ, તેમનું વિશાળ વાચન , વિદ્વાન-વિચારક-અભ્યાસુ-ચિંતક-પ્રખર પત્રકાર અને સાહિત્યકાર તરીકે ગુજરાત ભરમાં આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. વિવિધ ક્ષેત્રો સફળતા પૂર્વક ખેડી ચૂકયા છે અને ખેડતા રહ્યા છે.

@@@ એમની સરખામણીમાં હું નાનો, અલ્પ વાચન ધરાવતો, વેદ કે ઉપનિષદ કે પુરાણોના માત્ર નામ જાણનારો-જ્ઞાનની નદીને કિનારે ઉભો ઉભો છબ છબીયા કરનારો જ્યારે આ લખી રહ્યો છું ત્યારે હું જાણું છું કે હું વાઘની બોડમાં માથું નાખી રહ્યો છું અને તે વિષે સભાન હોવા છતાં મેં જે વાંચ્યુ છે-વિચાર્યું છે અને મારો અંગત આગવો મત-અભિપ્રાય કે વલણ બંધાયા છે તેને નજર સમક્ષ રાખી આ લખી રહ્યો છું.

@@@ પ્રમુખસ્વામી વિદ્વાન છે અભ્યાસુ છે અને સંપ્રદાયને સમર્પિત છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે માત્ર મંદિરો કે આશ્રમો બાંધવા તે મુખ્ય પ્રવૃતિ નહિ બની રહેવી જોઈએ પરંતુ દેશ-કાળ અને સંજોગોને લક્ષ્યમાં રાખી પરિવર્તન સ્વીકારતા થવું જોઈએ. ઉપરાંત મંદિરો કે આશ્રમો બાંધવા માટે મળતા દાન વિષે પણ દાનની રકમ દાતાએ કઈ પ્રવૃતિ અર્થાત ધંધા-ઉધ્યોગ કે વ્યવસાયમાંથી મેળવેલી છે તેની ખરાઈ પણ કરવી જ જોઈએ. અનીતિ કે અનૈતિક પ્રવૃતિમાંથી મેળવેલ દાનની રકમમાંથી બંધાયેલા મંદિર કે આશ્રમ ક્યારેય પવિત્ર ના હોઈ શકે ! અને ઈશ્વર તો ત્યાં ના જ રહી શકે ! હા સંભવ છે કે મંદિર કે આશ્રમના સ્થાપત્ય કે સફાઈ કે મેનેજમેંટ વગેરે બાહ્ય રીતે પ્રભાવિત કરી શકે પણ ઈશ્વરની પ્રાપ્તી તો ના જ થઈ શકે !

@@@ દાન સ્વીકારતી સમયે જ દાતાની પૂછ્-પરછ કરવી અનિવાર્ય મનાવી જોઈએ. દાનમાં મળતી રકમ ખાધ્ય કે પેય ના ધંધામાં ભેળસેળ કરી કમાયેલી ના હોવી જોઈએ. તોલ-માપમાં ગરબડ કરી કમાયેલી પણ ના સ્વીકારાય ! તો કતલ ખાના, દારૂ ,જુગાર અને એવાજ નિમ્ન પ્રકારના ગેર ધંધા દ્વારા કમાયેલી પણ ના જોઈએ ! કાળા બજાર, લાંચ-રુશ્વત કે ભ્રષ્ટાચાર કરી મેળવેલ રકમનો સ્વીકાર કેમ થઈ શકે ? અને આ રીતે મેળવેલ દાનથી ઉભા થતા મંદિરો સંભવ છે કે મંદિરો બાંધવા જે કોઈ સાધુ કે સંત આવી ભ્રષ્ટ વ્યક્તિને પ્રેરતા હશે તેમની વ્યક્તિગત પ્રતિભા કે પ્રતિષ્ઠા વધતી હશે

@@@ સ્વામીનારાયણ સંપ્રદાયનો સ્ત્રીઓ તરફનો અભિગમ પણ આજના આ 21મી સદીના સમયમાં કોઈ પણ રીતે યોગ્ય ના ઠરાવી શકાય ! સ્ત્રીઓનું મોઢું નહિ જોવુ, સ્ત્રીઓના હાથનું રાંધેલુ જમવું નહિ વગેરે અનેક પ્રકારે સ્ત્રીને હલકી ગણતા આ પંથને ક્યા શબ્દોમાં અને શું કહેવું તે સમજાય તેમ નથી. સ્ત્રી સીવાય પ્રમુખસ્વામી, યોગીજી મારાજ કે પંથના સ્થાપક સહજાનંદજી સહિત, તમામ સ્વામીઓ આ ભૂમિ ઉપર અસ્તિત્વ ધરાવી શક્યા હોત ખરા ?

@@@ સ્ત્રીનું અપમાન-અવહેલના ક્યાં સુધી ? આજના સમયમાં સ્ત્રી સ્વાવલંબી બની છે અને પંચાયતથી પાર્લામેંટ સુધી, વડાપ્રધાનથી રાષ્ટ્રપ્રમુખ સુધી સર્વોચ્ચ હોદાઓ ધરાવતી થઈ છે. વૈજ્ઞાનિક સંશોધનમાં પણ અમૂલ્ય ફાળૉ આપી રહી છે. સાહિત્ય-અર્થતંત્ર વગેરેમાં પણ સ્ત્રીઓ ક્યારેક પુરૂષોથી પણ આગળ નીકળતી જોવા મળે છે. અનેક કંપનીઓમાં સર્વોચ્ચ હોદાઓ ગ્રહણ કરી સફળતા પૂર્વક સંચાલન કરે છે. પટાવાળાથી પાયલોટ સુધીનું કાર્ય ક્ષેત્ર વિકસ્યું છે. અરે ! અંતરીક્ષના પ્રવાસમાં પણ સ્ત્રી આગળ પડતી બની છે. રમત ગમતમાં પણ પાછળ રહી નથી. ત્યારે આ પંથ સ્ત્રીને ગુલામ, કચડાયેલી, નર્કની ખાણ વગેરે ઉદબોધનથી સંબોધે છે. અને તે રીતે જ વ્યવહાર કરે છે. કમનસીબે મોટાભાગની સ્ત્રીઓ પોતાના સ્વમાન- સ્વત્વ અને સન્માન માટે હજુ સતર્ક કે સભાન થઈ નથી પણ જ્યારે સ્ત્રીઓનો આત્મા જાગશે, કકડી ઉઠશે ત્યારે આ પંથના સ્વામીઓને અણીયાળા સવાલો કરશે અને જો સંતોષકારક જવાબો ના મળ્યા તો આ પંથને છેલ્લી સલામ કરી છોડી દેતા અચકાશે નહિ ! એક સમાચાર પત્રમાં આવેલા સમાચાર તરફ શ્રી કાંતિભાઈનું ધ્યાન દોરવા લાલચ રોકી શક્તો ના હોય ધ્યાન દોરું છું
@@@ એક સમાચાર પત્રમાં સમાચાર વાંચ્યા કે રાજકોટની આત્મીય કોલેજમાં સહશિક્ષણ અપાઈ રહ્યું છે પણ ત્યાં મહિલા કર્મચારીઓ અને વિધાર્થીનીઓને સેકન્ડ કલાસ સીટીઝન તરીકે ગણવામાં આવે છે. આ શિક્ષણ સંસ્થાનો કબજો સર્વોદય કેળવણી સમાજ ટ્ર્સ્ટ પાસેથી સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ યેન-કેન-પ્રકારેણ મેળવી લીધો છે. સંસ્થાના સંચાલનમાં ત્યાગ વલ્લભ સ્વામી સહિતના કેટલાક સાધુઓ સક્રિય છે.
@@@ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને મહિલાઓથી દૂરી પાળવાની હોવાથી આ સંકુલમાંની તમામ મહિલા કોલેજો-શાખાઓમાં મહિલાઓ સાથે સરેઆમ સેકન્ડ ક્લાસ સીટીઝ્ન જેવો વ્યવહાર કરવામાં આવે છે. આ સાધુ-સંતો જ્યારે સંકુલની મુલાકાતે આવે ત્યારે મહિલા કર્મચારીઓ તથા વિધાર્થીનીઓને છૂપાઈ જવાની ફરજ પાડવામાં આવે છે. આ વિષે રાષ્ટ્રિય મહિલા આયોગને ફરિયાદ પણ કરવામાં આવી છે.
@@@ કેટલાક સાધુ-સંતો અચાનક મુલાકાતે આવી ચડતા હોય છે ત્યારે મહિલા કર્મચારીઓ તથા વિધાર્થીનીઓની હાલત કફોડી બને છે. કાં તો કોઈ એક રૂમમાં અથવા બાથરૂમમાં કેટલાક સમય માટે ગોધાઈ રહેવું પડતું હોય છે. તો ક્યારેક આ શિક્ષણ સંસ્થાના કોઈ સમારંભમાં સાધુ-સંત આવી ચડે તો મહિલાઓને ડાયસ ઉપર સ્થાન આપેલું હોવા છતાં ત્યાંથી ઉતરી જવું પડે છે. આવા સમારંભનું ક્યારેક સંચાલન પણ મહિલા કરતી હોય તો તેની જગ્યાએ સંચાલક બદલવો પડે છે. ઓડિયંસમાં પણ મહિલાઓને પ્રથમ હરોળમાં સ્થાન અપાતું નથી અને દૂર દૂર છેલ્લી હરોળમાં બેસવું પડે છે કે જ્યાં આ સાધુ-સંતોની નજર ના પહોંચી શકે ! મહિલાઓને કોઈ ફરિયાદ હોય તો તે પણ સાધુ-સંતો સમક્ષ ના થઈ શકે !
@@@ આશ્ચ્રર્યતો એ વાતનું છે કે આ પંથના સ્વામીઓ સ્ત્રીઓને મા-બેન કે દીકરીની દ્રષ્ટિથી જોઈ શકતા નથી અને સ્ત્રીને માત્ર સ્ત્રી તરીકે જ જોઈ શકે છે. પરિણામે ધરાર, દમનથી દબાવેલી વૃતિઓ, બળવો પોકારી, માત્ર 1 દિવસની તાજી જન્મેલી બાળકીનું પણ મોઢુ જોવાઈ જાય તો, તેમની વાસના વિકૃત રીતે ઉછળે છે. અનેક પ્રકારના જાતીય કૌભાંડ અવાર-નવાર સમાચાર માધય્મો પ્રસિધ્ધ કરતા રહે છે તો કેટલાક સામ-દામ અને દંડથી દબાવી દેવામાં આવતા રહે છે.

@@@ છેલ્લાં 20-25 વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં ભાગવત કથા-રામાયણ-ગીતા જેવા અનેક ધાર્મિક ગ્રંથોનું પઠન/વ્યાખ્યાન અનેક સંતોએ કર્યા છે અને સમાજના મોટા સમુદાયે આ વ્યાખ્યાનો શ્રવણ કર્યા હોઈ દેશભરમાં ધાર્મિકતા/આધ્યાત્મિકતાના સુનામી જેવા મોજા ઉછળવા જોઈતા હતા ! પરંતુ થયું તેથી ઉલટું ! દેશ ભરમાં લાંચ્-રુશવત, ભ્ર્ષ્ટાચાર્ અનીતિ-અનૈતિક ગેર રીતિઓ, ચારિત્ર્યહિનતા, લૂંટ, ખૂન, બળાત્કારો ,ભેળ-સેળ, તોલમાપમાં છેતરપીંડી, સંગ્રહાખોરી, કાળાંબજાર વગેરે વ્યાપક રીતે ફાલ્યા-ફુલ્યા છે.

@@@ આમ કેમ થયું ? તે વિષે તલઃસ્પર્શી વિચાર કરવામાં આવે તો મારા મતે વ્યાખ્યાન/ પ્રવચન કર્તાઓના આચાર અને વિચાર વચ્ચે આસમાન જમીનનું અંતર રહ્યું છે. જે વાતો વ્યાખ્યાનમાં પ્રબોધવામાં આવે છે તેથી તદન ઉલટું જીવન આ સાધુ-સંતો-ગુરૂઓ વગેરે ભોગવતા જોવા મળે છે. સાદાઈથી જીવન જીવવાનો બોધ આપનાર છેલ્લામાં છેલ્લા ભૌતિક સુખ સમૃધ્ધિના સાધનો ભોગવતા હોય છે ! કયારેક આ કથાકારો વ્યાખ્યાન કરતા ભાવવિભોર બની કોઈક પ્રસંગોએ અશ્રુ વહેવડાવી શ્રોતાઓને પ્રભાવિત અને પોતા તરફ અભિભુત કરવા માટે આવો અભિનય કરતા રહે છે. જે ને ભોળા શ્રોતાઓ સત્ય સમજી તેઓ પણ ભાવવિભોર બની આસું વહેવડાવે છે.

જે રીતે સીનેમામાં અભિનેતા કે અભિનેત્રીના અભિનયથી પ્રભાવીત થઈ જે તે પાત્ર સાથે તાદત્મય અનુભવે છે તેથી વિશેષ કંઈ નહિ અને સીનેમા પૂરું થતા બધુ જ વીસરી ફરીને જે કરતા હોઈએ તેમજ કરવા લાગે છે.

@@@ આવી કથાઓ કરાવનાર યજમાનની આવકના સ્તોત્રો જાણવાની/ચકાસવાની આવશ્યકતા વ્યાખ્યાનકર્તા કોઈ સંત કરતા હોય તેવું જાણ્યું નથી. ઉદાહરણ તરીકે શ્રી મોરારીબાપૂએ હવામાં અને સમુદ્રમાં કથાઓ કરી ! કોઈ કહેશો મને ! કે આ કથાઓ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થયો હશે અને જેમણે પણ આ ખર્ચ ઉઠાવ્યો તે તમામની આવકના સાધનો-સ્તોત્રો વિષે ક્યારે ય શ્રી મોરારીબાપૂએ પૂછ્-પરછ કરી જાણકારી મેળવી હશે ખરી ? મારાં નમ્ર મત પ્રમાણે તો આ કથા શ્રી મોરારીબાપૂના તુક્કા પોષવા માટે જ પ્રયોજાયેલી હોઈ શકે ! કે જેથી સામાન્ય/સાધારણ જન સમુદાયને પ્રભાવિત કરી શકાય ! અને પોતાની વ્યક્તિગત પ્રતિભા અને પ્રતિષ્ઠાને નવું પરિમાણ આપી શકાય !

@@@ શ્રી કાંતિ ભટ્ટ્ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત પત્રકારે તો આ વિષે અણીયાળા સવાલો કરવા જોઈએ તેવી મારાં જેવા સામાન્ય વાચક અપેક્ષા રાખતા હોય ત્યારે માત્ર પ્રશંસા અને પ્રશંસા કરવા લાગે ત્યારે હતાશ્/નિરાશ થઈ જવાય છે ! પ્રશંસાની સાથે સાથે જ જે તે પંથ/સંપ્રદાયની અને તેના વડા કે અન્ય સાધુ-સંતો-ગુરૂઓ કે આશ્રમના વડાઓની નબળાઈઓ /મર્યાદાઓ તરફ પણ ધ્યાન જો ખેંચવામાં ના આવે તો તેમની ફરજ ચૂકયા ગણાય !

@@@ ટુંકમાં મારાં મત પ્રમાણે મંદિરો બાંધવાથી કે વ્યાખ્યાનો કરવાથી જન સમુદાયનું નૈતિક ધોરણ ક્યારેય ઉંચકાઈ શકે નહિ ! એ માટે તો જો આવા વડાઓ-સાધુઓ-સંતો-ગુરૂઓ વગેરે ખરા અર્થમાં ગંભીર હોય તો પોતાના આચાર અને વિચારમાં સમાનતા અને સરખા રાખી પોતાના વર્તનમાં સમય ને અનુસરી પરિવર્તન લાવી ઉદાહરણીય બનાવવુ રહે ! અને જો આમ ના કરવામાં આવે તો જન સમુદાય સહિત ઉચ્ચ સ્થાને બીરાજેલા સાધુઓ-સંતો-ગુરૂઓ અને સંપ્રદાયના વડાઓ અને આવા કથાકારો-.વ્યાખ્યાનકર્તાઓમાં દંભ અને પાખંડ જ વધે અને તે આપણે સૌ જોઈ અને અનુભવી પણ શકીએ છીએ

@@@ .અને સાચું કહું તો આ સાધુ-સંતો અને ગુરૂઓની વૈભવી જીવન શૈલી જોઈ મારા જેવા સામન્ય માનવીને તો પેલી કહેતી પ્રમાણે કાશીએ જઈ કરવત મૂકાવી આવનારા જન્મમાં આ જ દેશમાં કોઈ પંથના સાધુ-સંત કે ગુરૂ તરીકે જન્મ આપવા ઈશ્વર સમક્ષ માંગણી કરવાની લાલચ થઈ આવે છે !

@@@ અંતમાં મારાં આ વિચારો માત્ર મારાં જ છે અને એ કોઈની લાગણી દુભાવવા કે કોઈ સંપ્રદાય કે સાધુ-સંતો-ગુરૂઓને ઉતારી પાડવા કે નીચા દર્શાવવા જણાવેલ નથી તેમ છતાં જો કોઈની લાગણી દુભાઈ હોય તો ઉદાર દિલે ક્ષમા આપવા પ્રાર્થું છું

31 comments

 1. માનનીય લેખકો અને બ્લોગર મિત્રો – વડીલો ,

  નાનું મોઢું મોટી વાત . પણ જ્યાં સુધી આપણને કોઈ પણ સંસ્થા , સંપ્રદાય કે પંથ વિષે પુરતુ માહિતી / જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપ સૌએ કરેલી વાતો તે વાતો રહેશે એમ મને લાગે છે.
  અહી બી.એ.પી.એસ. સંસ્થા ને અનુલક્ષીને આપ સૌને મુઝવતા પ્રશ્નો આપની બુદ્ધિમત્તા અનુસાર રજુ કર્યા એ જ પ્રશ્નો અન્ય તમામ લોકોને કે જેઓ આ સંપ્રદાય વિષે જાણતા નથી / જાણવા માંગતા નથી કે પછી અધૂરૂ અપૂરતું ઉપર છલ્લુ જ્ઞાન/ માહિતી ધરાવે છે – તેમને થાય છે.

  ૧. આજનો યુગ એટલે ટેકનોલોજી યુગ કહેવાય, આધુનિક યુગ કહેવાય. આજે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરીને માનવીને ચંદ્ર સુધી પહોચાડ્યો છે પરંતુ એકજ ઘર/પરિવાર માં રહેતા દીકરા-દીકરી અને માતા- પિતા તેમજ તમામ વ્યક્તિઓ ને એકબીજાના હૃદય સુધી પહોચાડવામાં ટેકનોલોજી નિષ્ફળ ગઈ છે. ઉલટાનું ટેકનોલોજીએ આ ઘરમાંજ રહેતા તમામ ને એકબીજાથી અલગ કર્યા છે. દા.ત. ઈન્ટરનેટ, મોબાઈલ ,ટેલિવિઝન વિગેરે.
  આજે શિક્ષણ જગત પણ આધુનિક બની રહ્યું છે. આજે પહેલાની જેમ શિક્ષણ સાથે સંસ્કાર આપવામાં આજની શિક્ષણ પદ્ધતિ પાછી પડી રહી છે. આજે શાળાઓમાં શિક્ષણ અપાય છે પરંતુ આજ ની યુવા પેઢીને શાળાઓમાં સંસ્કાર નથી મળી રહ્યા. જેનો અનુભવ આપ સૌએ કર્યો હશે. અહી આપણને કઇક જરૂરીયાત લાગે છે. જે સંસ્કાર આપવાનું કામ કરી રહી છે બી.એ.પી.એસ. સંસ્થા- મંદિરો – સંતો – શાસ્ત્રો બી.એ.પી.એસ.યુવા પ્રવૃત્તિ જેની આગેવાની કહેતા બી.એ.પી.એસ સંસ્થાના વડા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે .
  વધુ આપને માહિતી/ પ્રશ્નો નાં જવાબ આપ બ્લોગ પર કે અન્ય જગ્યાએ મળે નહી, પરંતુ આપ સૌ ધ્વારા બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતો પાસેથી અવશ્ય મળી જ રહેશે. આ માટે આપ સૌએ પ્રયત્ન તો અવશ્ય કરવો પડશે.
  આપનાં બ્લોગ પરથી એવું જણાઈ રહ્યું છે કે આપ ઘણું જ ઓછું આ બી.એ.પી.એસ. સંસ્થા- મંદિરો – સંતો – શાસ્ત્રો બી.એ.પી.એસ.યુવા પ્રવૃત્તિ વિષે જાણો છો.

  લીન્ક : http://www.baps.org/
  http://www.bapscharities.org/aboutus/index.htm
  http://www.baps.org/About-BAPS.aspx
  http://www.swaminarayan.org/

  નાનો સરખો લેખ : http://www.chitralekha.com/gujarat/baps-swaminarayan-sanstha/

  Like

 2. સ્ત્રી મર્યાદા માટે ભગવાન સ્વામીનારાયણનો પ્રયાસ ખોટો નથી. સાંપ્રત સમાજ માં જે કાઈ સાધુ સંસ્થામાં ઘટી રહ્યું છે તે આ મર્યાદા ના લોપનથી જ થાય છે અને થશે.પોતાની માં કે બહેન કપડા બદલે તો કોણ જશે? તે મર્યાદા છે તેમ સાધુ ને પણ બ્રહ્મચર્ય પાળવા આ જરૂરી છે. ભગવાન નો આપેલ નિયમ જો દ્રઢતા થી પાળશે તો પછી આવી વાતો કરવાની જરૂર નહિ પડે.

  Like

 3. મહર્ષિ દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩) વાસ્તવમાં ઋષિ હતા. મહાભારત બાદ તેમના જેવો વેદજ્ઞ અને વેદ-પ્રચારક પુરુષ બીજો કોઈ પાક્યો નથી. તેમણે મિથ્યા વિશ્વાસોનું ખંડન કરી સત્ય સનાતન વેદ ધર્મને પુનઃ સ્થાપિત કરવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો. ગુજરાતમાં વૈષ્ણવ મતાનુયાયીઓનું વર્ચસ્વ હોવાથી દયાનંદના ક્રાંતિકારી વિચારોનો અપેક્ષિત પ્રચાર-પ્રસાર ન થઈ શક્યો, એ ગુજરાત માટે સારું ન થયું. દયાનંદ તમામ પ્રકારના સાંપ્રદાયિક મત-પંથોના તથા અંધવિશ્વિવાસોના ઘોર વિરોધી હતા. તેઓ માનવ-ઐક્યમાં વિશ્વાસ ધરાવતા હતા. સ્વામિનારાયણ મતના પણ તેઓ કઠોર આલોચક હતા. તેમણે સત્યાર્થ પ્રકાશના ૧૧મા સમુલ્લાસમાં સ્વામિનારાયણ મતની સમીક્ષા કરી છે. એટલું જ નહિ, તેમણે “શિક્ષાપત્રી-ધ્વાન્ત-નિવારણ” નામનું એક સ્વતંત્ર પુસ્તક પણ સંસ્કૃતમાં લખ્યું છે, જેનું પ્રથમ સંસ્કરણ સન ૧૮૭૫માં મુંબઈથી ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત થયું હતું અને એ ગુજરાતી અનુવાદક હતા – મહર્ષિ દયાનંદના શિષ્ય વિખ્યાત ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા. દયાનંદ એક સર્વવ્યાપક નિરાકાર ઈશ્વરના ઉપાસક – પ્રચારક હતા. સ્વામિનારાયણ મત વ્યક્તિ-પૂજક સાકારવાદી, મહા મૂર્તિપૂજક છે. જે લોકો સ્વામી સહજાનંદજીને જ ઈશ્વર માનતા હોય તેમને દયાનંદની વાતો શી રીતે માફક આવે ? સ્વયં આર્યસમાજ દયાનંદને એક મનુષ્ય માને છે, ઈશ્વર કે અવતાર નહિ. જ્યારે સહજાનંદજીને તો સ્વામિનારાયણ મતમાં ઉપાસ્ય – ઈશ્વર માનવામાં આવે છે. વ્યાવહારિક દૃષ્ટિએ તેઓ “શિક્ષાપત્રી” તથા “વચનામૃત”ને વેદથી પણ વધીને માને છે. એ સંપ્રદાયના કેટલાક સુશિક્ષિત સાધુઓ સત્ય જાણતાપણ હશે, પરંતુ સાંપ્રદાયિક ભાવનાથી ઉપર ઊઠી, પ્રાપ્ત થતાં સુખ-સાધનો અને માન-સંમાનનો ત્યાગ કરી સત્યની ઘોષણા કરવી એ સાહસનું કામ હોઈ એમ ન કરી શકતા હોય એવું સંભવ છે.
  = ભાવેશ મેરજા

  Like

  1. ભાઈશ્રી ભાવેશ
   આપના પ્રતિભાવ માટે આભાર ! આપ પણ લગભગ મારાં જેવા જ વિચારો ધરાવો છો તે જાણી આનંદ થયો. આ લેખમાં આપે આપના પ્રતિભાવથી ખૂટતી થોડી માહિતી ઉમેરા છે જે વાચકને વધુ વિચારવા ઈંધ્ણ પૂરુ પાડશે તેમ ધારું છું.ચાલો આવજો મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. શ્રી અરવિંદભાઈ,
  તમારો લેખ સારો છે પણ માને લાગે છે કે તમે કદાચ સિક્કાની એક બાજુ જ જોઈ રહ્યા છો. એમાં શંકા ને કોઈ સ્થાન નથી કે તમે ઉઠાવેલા મુદ્દા પ્રશંસા ને પત્ર છે છતાં હું મારો પક્ષ એક સ્વામિનારાયણ-સત્સંગી તરીકે મુકવા માંગું છું….
  ૧. શ્રી સહજાનંદ સ્વામી(સ્વામિનારાયણ ભગવાન) થી લઈને પ્રમુખ સ્વામી સુધીના મહાપુરુષો કે સંતો સ્ત્રી ના વિરોધી નથી. સ્ત્રી થી દુર રહેવાનું એક તથ્ય છે. અને એની પાછળ છે મનુષ્ય નું મન…વિષય જોઈ ને એ લલચાવવાનું જ. અગ્નિ અને ઘી જેમ બંને પવિત્ર છે પણ સાથે રાખવા થી અગ્નિ વધે છે અને અગનજાળ માં ફેરવાઈ જાય છે આથી મન ને માત્ર ભગવાનમાં જ રાખવા માટે જરૂરી છે કે વિષય જેવા મજબુત પરિબળ થી બચવું…બાપ્સ સિવાયના અન્ય સ્વામિનારાયણ ફાંટા આ વાતમાં જરા હળવાશ થી વર્તે છે અને તેનું પરિણામ તમે છાપાં ઓ માં જોઈ શકો છો…બાકી તમે જયારે સહજાનંદ સમકાલીન શાસ્ત્રોનું પઠન કરશો ત્યારે સ્ત્રી ના મહિમા ના અસંખ્ય ઉદાહરણો જોઈ શકશો..બાપ્સ નું મહિલા મંડળ સમગ્ર દુનિયામાં ફેલાયેલું છે અને તેની વિવિધ સમાજસેવી પ્રવૃત્તિઓ માટે જગ જાહેર છે…આથી સ્ત્રીઓ સંસ્થા ણો પાયો છે અને સંતો સ્ત્રીથી દુર રહે એ ત્યાગી-ધર્મના રક્ષણ માટે જ છે…જે શાસ્ત્રોમાં સ્ત્રી વિષે ખરાબ લખેલું છે એનો હું ભાર પૂર્વક વિરોધ કરું છું…અને સ્વામિનારાયણ શાસ્ત્રો માં આ નથી..મારા અભ્યાસ થી કહું છું…
  ૨. દાન ધર્મ- હું તમારી સાથે સહમત છું કે દાન ક્યાંથી આવે છે એ તપાસ કરી ને દાન લેવું જોઈએ…પણ શું આપણી પાસે/સમાજ પાસે કોઈ એવી પ્રણાલી છે કે એ તપાસ કરી શકે કે દાન ક્યાંથી આવે છે ? કઈ કમાણીમાં થી આવે છે…? જોબન પગી ચરોતરનો એક ભયાનક લુંટારો હતો અને ભગવાન સ્વામિનારાયણ ના સંપર્ક માં આવ્યા પછી ચોરી છોડી સત્સંગી બન્યો અને વડતાલ મંદિરની જમીન એને દાન કરી…!!! જેતપુર ની ગણિકા એ સ્વામિનારાયણ ભગવાન ને દાન ની વાત કરી તો , એની પાસે થી ભગવાને ,એના હાથે દળેલું અનાજ લીધું અને યજ્ઞનો પ્રસાદ કર્યો…!!!!લક્ષ્મી પર લખેલું નથી હોતું કે એ ખરાબ છે પણ વ્યક્તિ એને ખરાબ કરે છે..અને એ લક્ષ્મી ખરાબ માર્ગે આવી હોય પણ જો કોઈ નું ભલું કરી શક્તિ હોય તો એ સદ્ ઉપયોગ જ કહેવાય…મંદિરો તો શાંતિ ના ,સંસ્કારોના પાયા છે જો એ નહિ હોય તો સમાજ ને અવળે માર્ગે ચડતા કોઈ નહિ રોકી શકે ….જ્યાં સૂધી મંદિર અને સંત છે ત્યાં સુધી ધર્મ અને સંસ્કાર છે …અમેરિકાનું ઉદાહરણ તમારી સામે જ છે …ત્યાં ઉછીની શાંતિ લેવા લોકો કરોડો રૂપિયા ખર્ચે છે પણ શાંતિ મળતી નથી…આથી દાન સારા માર્ગે આવે એ જરૂરી છે પણ સાથે એ પણ જરૂરી છે કે એને લાવનારા ને પણ સારા માર્ગ પર ગમે તેમ કરી ને ખેંચી શકાય….ધીરજ ની જરૂર છે…
  ૩. પ્રમુખ સ્વામી માત્ર મંદિરો જ નથી બાંધતા!!! એ હોસ્પિટલો, સ્કૂલો,કોલેજો પણ સ્થાપે છે અને કદાચ તમને ખબર નહિ હોય કે ભૂકંપ,પુર ,ગરીબ પ્રદેશો,આદિવાસી વિસ્તારોમાં, રક્ત દાન માં સહયોગ માટે યુનો દ્વારા બાપ્સને વિશિષ્ટ બહુમાન મળેલું છે…પોશીના,વિજયનગરના વિસ્તારોમાં તપાસ કરી શકો છો….
  ૪. આજે હજારો બાળકો કે જે વિદેશમાં જન્મ્યા છે અને છતાં રોજ સવારે પૂજા સિવાય બહાર નહિ નીકળવાનું,બહારના જંક ફૂડ કે કોલ્ડ્રીંક નહિ પીવા ના, મા-બાપને,વડીલો ને પગે લાગવાનું, કામ-ધંધામાં ચોરી નહિ કરવાની…એવા અઘરા નિયમો પાળે છે અને સાધુ પણ થાય છે…!!! શું છે આ બધું? આપણી સંસ્કૃતિ,સંસ્કાર સંતો અને મંદિરો ને આધારે જ છે…લંડનનું મંદિર કે જેનું ગીનીઝ બુકમાં નામ છે એ મંદિર બનાવવા હરિભક્તો એ બુટ ચપ્પલ પોલીશ કાર્ય છે, ટીન ભેગા કરી વેચ્યા છે, બાળકો એ છાપાં વેચી ને પૈસા ભેગા કાર્ય છે અને આ મંદિર બન્યું છે….!!! આ બધું શું છે? આપણા સંસ્કાર છે , ધર્મ છે….
  આથી અરવિંદભાઈ, તમે સિક્કા ની બીજી બાજુ પણ જુઓ…માત્ર એક દ્રષ્ટિ થી વિચારવા થી દોષમાં પડાય…તમે વિદ્વાન,જાગૃત છો તો ભૂલો તરફ ધ્યાન દોરો એ જરૂરી છે ,સાથે ઊંડો અભ્યાસ કરી અન્યને સન્માર્ગ તરફ દોરો એ વધારે જરૂરી છે….
  મારી કોઈ ભૂલ થતી હોય તો હું ક્ષમા યાચુ છું…જય સ્વામિનારાયણ…

  Like

 5. Dear Arvindbhai,

  First of all, let me thank you for maintaining such a wonderful blogs that has some very interesting and intriguing articles. I was drawn to this blog after following some links on other websites and I can assuredly say that I have found a genuine pearl from this vast sea called Internet.

  Coming to the article above, I happen to share the same point of view as yours, Dilipbhai Gajjar’s as well as Tejas Patel’s. My mother is a very keen follower of Swaminarayan Sampraday and she becomes very upset whenever she reads in newspapers about a ‘sadhu’ of this sampraday being involved in sex scandals, wealth acquisition cases etc. She says just because of a handful of corrupt people who have been ordained as saints, the entire Swaminarayan Sampraday is being brought to disrepute.

  Even if we put aside such incidents and try to seek explanations on some the questions that come to mind, answers are hard to come by. These questions, very aptly raised by you, are :
  [1] Saints cannot eat food cooked by females, but can readily accept & utilize cash/donations from people who may have indulged in unlawful activities to earn that wealth. I personally know & have met people who say that by giving hefty donations they seek to ‘refine’ their wealth!!

  [2] Saints will not face any woman. No matter how truly devotional she is, she cannot come to Swamiji to ask for his blessings, because that will violate the laws of the Sampraday. With all due respect to all the followers of this ‘unthoughtful law’, I wish to remind them that in our country, we regard women as avataar of Maa Shakti. Frankly, I am at loss of words to describe various roles of women in our lives. I think it suffices to say that a man just cannot exist if it were not for women. Period.

  [3] a very good point raised by Tejasbhai Patel above. India today needs more advanced educational & research facilities in the field of science and technology. No doubt India also needs temples, but hasn’t it many already?

  Why can’t there be a healthy discussion between Rev. Saints, Writers, pro-active thinkers like yourself and many others, to seek answers to the questions arising out of this confusion that prevails?

  regards | niteshp |

  Like

   1. ભાઈશ્રી નીતેશ

    આપે મારાં બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપનો પ્રતિભાવ સુંદર જણાયો આપને મારા વિચારો ગમ્યા તે જાણી વિશેષ આનંદ ! ફરીને અનુકૂળતાએ મુલાકાત લેશો અને અન્ય વિષયો ઉપરના પ્રતિભાવો જણાવવા વિનંતિ ! ચાલો આવજો ! મળતા રહીશું !

    સ-સ્નેહ

    અરવિંદ

    Like

 6. શ્રી અરવિંદ ભાઈ
  સંપ્રદાય કોઈપણ હોય તેના અભિગમ દંભ અને માની લીધેલી માન્યતાઓને અનુસરે છે. જે બદલવા માટે આ વ્યર્થ પ્રયત્ન છે. તે લોકો નેટ અને પુસ્તકો વાંચે છે ઘણાં ડૉક્ટર છે. પરંતુ અમુક હિમતભેર નવા વિચાર સાથે કદાચ નવસર્જન કરશે ! નહિતો દંભ ચાલુ જ છે અને રહેશે !

  મધુકર માંકડ

  Like

 7. આપ લખો છો કે ” BAPS સંસ્થા ના મંદિરો કેવળ દેવ સ્થાન નથી પણ આપડા સંસ્કૃતિ તેમજ આપડા વૈદિક ધર્મ ના કેન્દ્રો છે”આ આપે લખ્યું છે. હવે તમને જણાવું કે વૈદિક ધર્મ માં મંદિરો હતા જ નહિ.મંદિરો હતા દ્રવિડિયન સંસ્કૃતિ માં.આર્યો મંદિરો બાંધતા જ ના હતા.બીજું વૈદિક ધર્મ ના તમામ ઋષિમુનીઓ પરણેલા જ હતા.સ્ત્રીઓના વિરોધી જરા પણ ના હતા.વૈદિક ધર્મ માં ખાલી યજ્ઞો જ થતા હતા.વૈદિક ધર્મ તો હવે રહ્યો જ નથી,જાત જાત ની અને ભાત ભાત ની માન્યતાઓ વડે ઘેરાયેલો આજનો હિંદુ ધર્મ પણ અનેક ફાંટા ઓ માં વહેચાઈ ને એનું મૂળ સ્વરૂપ ખોઈ બેઠો છે.બધા સંપ્રદાયો વાળા એવુજ કહે છે કે આપડો વૈદિક ધર્મ,તો એક વૈદિક ધર્મ સ્ત્રીઓનું મોઢું પણ ના જુવે અને બીજો વૈદિક ધર્મ(વૈષ્ણવ)સ્ત્રીઓ જોડે જલસા કરે.આ બધા માં વૈદિક ધર્મ તો ખોવાઈ જ ગયો છે.

  Like

 8. તમે લખ્યું: આપડે બાળકો કે યુવાનો ને વિદ્યા માટે શાળા કે college માં મૂક્યે છે ત્યરે તે શું શાળા અપને પૂછે છે કે તમે તે ફી ના પૈસા ક્યાતી લાવ્યા. આપડે જ્યાં વ્યવસાય કરીએ છે કે દંધો કરીએ છે તાય્રે આપડે આપડા સેઠ ને કે ઘરાક ને પ્રશ્ન કરીએ છે કે તમે મારો પગાર કે મારા માલ ની કીમત માટે ના પૈસા ક્યાંથી લાવ્યા ?

  શું દાન અને ધંધો એક જ વસ્તુ છે? 😉

  Like

  1. ભાઈશ્રી કાર્તિક

   આપે ઉઠાવેલ મુદો બિલકુલ સાચો છે મારે પણ એ જ કહેવાનું છે કે દાન કરનાર કઈ પ્રવૃતિમાંથી મેળવેલ રકમ દાનમાં આપે છે તેની ચકાસણી દાન સ્વીકારતા પહેલાં કરવી જ જોઈએ પણ તમામ સાધુ-સંતો-ગુરૂઓ કે આશ્રમના વડાઓને માત્ર અને માત્ર રકમમાં જ રસ હોય છે માટે આવું ચાલ્યા કરે છે અને ચાલશે ! ખરું કહું તો છેલલાં 20-25 વર્ષ થયા ફાલી ફુલેલા સંપ્રદાયો-પંથો- સાધુ-સંતો-ગુરૂઓ અને આશ્રમોના વડાઓએ પોતાનું આત્મ પરીક્ષણ કરવાની ઘડી આવી છે કે આટલા મોટા પાયે સમગ્ર દેશમાં કથા-વ્યાખ્યાન અને ધર્મને નામે થતી પ્રવૃતિ છતાં તેની જન સમુદાય ઉપર કોઈ અસર કેમ દેખાતી નથી ? મારા મતે તો તેનું કારણ માત્ર આજ છે કે જે દાન માંથી આવી પ્રવૃતિ થતી હોય તે ક્યારે ય પરિણામલક્ષી ના બની શકે ! પણ સમાજ્માં દુર્ગુણો વધારે તેવું બને અને તેને ધર્મને નામે સૌ કોઈ આંખ આડા કાન કર્યા કરી રક્ષણ આપ્યા કરે ! અને આ દેશની અબુધ અને અભણ પ્રજાનુ ધર્મને નામે શોષ્ણ થયા કરે !

   આપે બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 9. મૂળ સ્વામીનારાયણ ધર્મ ના સ્થાપક સહજાનંદ સ્વામી ની પેઢીઓ ના તેજેન્દ્રપ્રસાદ છે,એટલે મૂળ સ્થાપક સ્ત્રીઓના કે લગ્ન કરવાના વિરોધી નથી.તો બીજા ફાંટા માં આવો વિરોધ આવ્યો ક્યાંથી?મતલબ મૂળ ધર્મ ના સ્થાપક ની વાત તમને મંજુર નથી.જે સ્ત્રી વડે તમે પેદા થાવ અને એના વગર તમારું અસ્તિત્વ શક્ય જ ના હોય એ સ્ત્રીને તમે કઈ રીતે વખોડી શકો કે એનું મોઢું પણ જોઈ ના શકો.તમારી અંદર પણ સ્ત્રી તો રહેલી જ છે.કોઈ પૂર્ણપુરુષ તો છે નહિ,તમારી અંદર રહેલો માતા તરફ થી મળેલો એક્સ ક્રોમોઝોમ એ તમારી અંદરની સ્ત્રીજ છે.કુદરતે મુકેલી વૃત્તિઓને આવા બાહ્ય આચાર થી ક્યાં સુધી દબાવી શકો?આ તો અકુદરતી કહેવાય.આવી બધી તરંગી માન્યતાઓ પણ આપણે જ ઉભી કરીએ છીએ.સંતો જોડે શું ચર્ચા કરવાની?તમને પોતાને શું આટલી સાદી વાત પણ સમજાતી નથી? માફ કરજો હું તમારું દિલ દુભાવવા નથી માંગતો.કે નથી તમારું અપમાન કરવા ચાહતો.પણ મને લાગે છે કે તમને પણ આ સાવ સીધી સાદી વાત સમજાય તો જરૂર છે.પણ ગમે તે કારણે કહી શકતા નથી.

  Like

  1. ભાઈશ્રી
   આપની વાતમાં તથ્ય હોવા છતાં પ્રયાસો કરતા રહેવા જોઈએ ક્યારે ક તો પરિણામ આવશે જ આવશે ! આપ મારાં બ્લોગ ઉપર આવ્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 10. આદરણીય શ્રી અરવિંદ ભાઈ,

  આપ મારા થી ઉમર તેમજ અનુભવ માં ખાસા મોટા છો છતા પણ અપની સવામિનારાયણ સંસ્થા વિષે ના પોસ્ટ વિષે કેટલાક શબ્દો કેહવાની રાજા લઉં છુ.

  નીચે ના મંતવ્યો મારા BAPS સવામિનારાયણ સંસ્થા સાથે ના અનુભવો ને આધારે લખી રહ્યો છુ નહિ કે ફક્ત તે વિષે વાંચી કે કોઈ પાસે સાંભળેલી વાતો ને આધારે.

  ૧. સવામિનારાયણ ધર્મ ઘણા ફાટા ઓ માં વેચાયેલો છે જેમ કે BAPS , સોખડા, વરતાલ વગેરે …જેમાંથી BAPS સંસ્થા એ ફક્ત સવામિનારાયણ ધર્મજ નહિ પણ હિંદુ ધર્મ ને વિશ્વના ફલક પેર લઇ ગયા છે. સવામિનારાયણ ધર્મ ના સર્વ ફાટા ઓંમાં BAPS સંસ્થા જ લગભગ વિવાદો થી દુર ને કોઈ પણ કોભાંડ માં સંડોવાય્લી નથી . ( છાપા ઓં માં ના સામાંચારો બીજા સવામિનારાયણ ફાટાઓં ના હોય છે , આપે ટકેલો college નો દાખલો પણ બીજા ફાટા નો છે. )

  ૨. BAPS સંસ્થા ફક્ત મંદિરો નહિ પણ તે સિવાય ના પણ ઘણા સમાજ નિર્માણ ના કામો તેમજ દેસ સેવા ના કામો સાથે સંક્લ્યેલી છે. ગુજરાત નો ભુંકમ, તેમજ તુસ્માની ની રાહત સેવા તેના તાજા ઉદાહરણો છે. દુર ગામડા તેમજ શહેર માં ફેલાયેલા વ્યસનો નો માંથી યુવા ધન ને બચાવ માટે કેટલાય પ્રોજેક્ટ્સ સફળ રીતે પાર પદયાચે , તેવા કેટલાક પ્રોજેક્ટ્સ સાથે હું પણ જોડાયેલો રહ્યો છુ ને મારી અંખ સામે તેના પરિણામો જોયા છે . સુ આ કર્યે દેશ કે સમાજ માટે મહત્વનું નથી ? વધુ માહિતી માટે અપ નીચે ની લીંક ની મુલાકાત લેશો
  http://www.swaminarayan.org/

  ૩. જેમ સમાજ ને વિજ્ઞાન કેન્દ્રો , રમત ના કેન્દ્રો ની જરૂર છે તેવીજ જરૂર સંસ્કૃતિક તેમજ અધ્યાત્મિક કેન્દ્રો ની પણ જરૂર છે. BAPS સંસ્થા ના મંદિરો કેવળ દેવ સ્થાન નથી પણ આપડા સંસ્કૃતિ તેમજ આપડા વૈદિક ધર્મ ના કેન્દ્રો છે , બાળકેન્દ્રો થી લઇ ને યુવા સકતી નિર્માણ સુધીની સમાજ ઉપયોગી ઢગલો પ્રવૃત્તિ ચાલે છે . અપને કોઈ પણ નજીક ના BAPS સંસ્થા ના મંદિર માં જય તેની ખાતરી કરી શકો છો. સમાજ માં સુ ફક્ત ભણેલા યુવાન જ ની જરૂ છે ? ભણતર સાથે ઉચ્ચ વિચાર ને ચરિત્ર વલ્લા યુવાનો નહિ ?

  ૪. આપે જે દાન માટે નો પ્રશન કર્યો છે તે વિષે ની ચર્ચા લગભગ અંત વગર ની છે, પણ હું અપને એટલું જરૂરથી પૂછવા માંગીશ કે જયરે આપડે બાળકો કે યુવાનો ને વિદ્યા માટે શાળા કે college માં મૂક્યે છે ત્યરે તે શું શાળા અપને પૂછે છે કે તમે તે ફી ના પૈસા ક્યાતી લાવ્યા. આપડે જ્યાં વ્યવસાય કરીએ છે કે દંધો કરીએ છે તાય્રે આપડે આપડા સેઠ ને કે ઘરાક ને પ્રશ્ન કરીએ છે કે તમે મારો પગાર કે મારા માલ ની કીમત માટે ના પૈસા ક્યાંથી લાવ્યા ?

  ૫. આપે જે સ્ત્રી માટે નો સવાલ કરિયો છે તે માટે આપને સવામિનારાયણ ધર્મ ના સંદર્ભ ગ્રંથો ના આધારે કે આપને સમજવામાં મારો પન્નો ટુંકો પડે પણ આપને નમ્ર વિનંતી કે BAPS સંસ્થા ના કોઈ વિદ્વાન સંત સાથે આપ ચર્ચા કરી પછી કોઈ નિષ્કર્ષ પર આવશો. ફક્ત કોઈના સંભાળવા થી કે જોવા થી કોઈ તારણ ના કાઢ્સો.

  આશા છે આપ ના વિચાર માં મારા અનુભવ કામ લાગી શકશે .

  ધન્યવાદ,
  સૂર્યા

  Like

  1. શ્રી સુર્યા ભાઈ
   આપે મારા બલોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો-આભાર ! આપે ઉપસ્થિત કરેલાં કેટલાક મુદાઓ વિષે મારી સાદી સમજ પ્રમાણે સ્પષ્ટતા કરવા પ્રયાસ કરું છું. આ દેશમાં આવેલા અંદાજે 30.000/ આસપાસ સંપ્રદાયોમાંનો સ્વામીનારાયણ પણ એક સંપ્રદાય છે, ધર્મ નથી ! તેમ છતાં સંપ્રદાયોના વડાઓ પોતાના પંથને ધર્મ કહેવડાવતા રહે છે અને તેથી જ અબુધ-અભણ અને અસમજ લોકો તેમના અનુયાયી બનતા રહે છે. સંપ્રદાયો-પંથો કે રાજકીય પક્ષો કે અન્ય સંસ્થાઓમાં ફાટા પડવાનું કારણ પ્રમુખ સ્થાને બેઠેલી વ્યક્તિઓના અહમ અને અહંકારનો ટકરાવ, વાદ-વિવાદ, વિખવાદ, ખેલદિલીનો અભાવ, સમતા, સહન શક્તિ અને અસહિષ્ણુતાનો અભાવ ઉપરાંત સત્તા અને સંપત્તિનો અબાધિત એકાકી અધિકાર મેળવવાની લાલસા અને આકાંક્ષા, વિશેષમાં અંગત નામની નામના/કીર્તિ/પ્રતિષ્ઠા મેળવવાની લાલસા વધુ કામ કરતી હોવાનું જણાશે !
   સ્વામીનારાયણ પંથના ફાટા પણ ઉપરોક્ત કારણોસર જ પડયા હોઈ શકે ! તેમ છતાં મૂળભુત આચાર-સંહિતામાં કોઈ આમુલ ફેરફાર ના જ હોય ! અને જે કોલેજનો દાખલો આપ્યો છે તેવી કોઈ સંસ્થા “બાપસ” ચલાવતું હોય ત્યાં પણ સ્ત્રીઓ માટે તો આજ આચાર-સંહિતા અમલમાં હોય જ ! તેમ છતાં જો કોઈ વીપરીત રીત-ભાત અર્થાત સ્વામીઓ અને સ્ત્રીઓનો સમાન દરજ્જો ગણવામાં આવતો હોય અને સ્વામીઓ સામા મળે તો સ્ત્રીઓને બાથરૂમ કે અન્ય સ્થળોએ છુપાઈ રહેવું ના પડતું હોય તેવી વ્યવસ્થા “બાપસ”માં હોય તો પ્રકાશ પાડવા વિનતિ. !
   આ તબક્કે થોડા દીવસો પહેલાં મારી સગી આંખ સામે બનેલો પ્રસંગ આપને જણાવું છું. મારી પડોશમાં જ એક બાપસના અનુયાયી પરિવાર રહે છે તે પરિવારનો પુરૂષ સભ્ય બહાર નોકરી અર્થે છે અને અહીં માત્ર મા અને દીકરી જ રહે છે. થોડા દીવસ પહેલાં બે ભગવા વસ્ત્રો ધારણ કરેલા સાધ્/સ્વામી અને સાથે બે સફેડ વસ્ત્રો ધારણ કરેલાં પણ સેમી સાધુ/સ્વામી લાગતા આ પરિવારને ઘરે પધારેલ ત્યારે સફેદ વસ્ત્રો વાળા ઝડપથી આગળ થઈ ઘરમાં જે સ્ત્રી સભ્ય હાજર હતી તેણીને સ્વામી પધારી રહ્યાની જાણ કરી અને તેમના સ્વાગત માટે બનાવેલી વાનગીઓ વગેરે અલગ રાખી બીજા રૂમમાં ચાલ્યા જવા અને દરવાજો બંધ કરી દેવા જણાવ્યું. એટલે આ ઘરની ગૃહિણી અલ્પાહાર અને જલ વગેરે ગોઠવી બીજા રૂમમાં ચાલી ગઈ અને દરવાજો બંધ કર્યા બાદ પેલા બંને સ્વામીઓએ ઘરમાં પ્રવેશ કર્યો. જોગાનુ જોગ પુત્રી કે જે અભ્યાસાર્થે બહાર ગયેલી તેણીનો ઘેર પાછા ફરવાનો સમય થતાં મા મુંઝાણી કારણ આગળના દીવાનખંડમાં તો સ્વામીઓ બિરાજ માન હતા ! ઝ્ડપથી તે જે રૂમમાં હતી તેની બારી ખોલી દીકરીના આવવાની રાહ જોઈ રહી અને દીકરીને આવતા જોતાં ઈશારાથી ત્યાં બહાર રસ્તા ઉપર જ થોડી વાર થોભી જવા જણાવ્યું. અને જ્યાં સુધી આ સ્વામીઓ વિદાય ના થયા ત્યાં સુધી મા બીજા ઓરડામાં અને દીકરી રસ્તા ઉપર રહ્યા ! તો આ કિસ્સામાં અને મેં ઉલ્લેખ કરેલ કોલેજના કિસ્સામાં આપને કોઈ ફેર દેખાય છે ખરો ? નોંધનીય છે કે આ પરિવાર બાપસનો ચુસ્ત અનુયાયી છે !
   વિશેષમાં સંસ્થા, ભલે સંપ્રદાય્/પંથ હોય કે રાજકીય પક્ષ કે સામાજિક સેવા કરતી સંસ્થા હોય, અરે ! કોઈ સાધ્-સંત કે ગુરૂએ બનાવેલ આશ્રમ હોય, પણ જ્યારે ઉપરોક્ત દર્શાવેલ કારણોથી ફાટા પડે ત્યારે પોતાનો જ ફાટો સાચો છે,, તેવો દાવો કરવા દરેક તમામ આચાર-સંહિતા પડતી મૂકી સ્પર્ધામાં લાગી જતા હોય છે. ઉદાહરણ તરીકે બાલ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે શરુ થયેલી હરીફાઈ .! યાદ રહે કે કોઈ પણ વ્યક્તિ તે ગમે તેટલા ઉચ્ચ હોદા કે સ્થાન ઉપર પહોંચે તો પણ તે સૌ પ્રથમ માનવી/મનુષ્ય જ છે અને મનુષ્યમાં રહેલી જન્મ જાત વૃતિઓ/નબળાઈઓ પણ તેનામાં હોય જ છે. તમામ પ્રકારની વૃતિઓ ઉપર કોઈ વિજય મેળવી શકતું નથી જ નથી. સૌથી નબળી કડી વ્યક્તિગત કીર્તિ/નામના, સંપત્તિ અને સત્તા મેળવવાની દરેકને પ્રબળ/ લાલસા અને આકાંક્ષા રહે છે અને તેમાંથી કોઈ બાકાત રહી શક્તું નથી.
   આપને આ વિષે એક ઉદાહરણ આપુ કે કહેવાતા કે થઈ પડેલા સાધુ-સંત-ગુરૂને પોતાના નામની કીર્તિ/પ્રતિષ્ઠાની લાલસા કેવી હોય છે. એક અંતિમ સ્થળે અર્થાત સ્મશાન ગંહમાં એક ગુરૂએ પોતાની તસ્વીર સાથે પ્રાર્થના ખંડ બનાવવા રૂપિયા એક લાખ અગીયાર હજારનું દાન આપેલ છે તેવી તખ્તી મૂકાવેલ છે જ્યારે વાસ્તવમાં આ રકમ તો તેના અનુયાયીઓએ તેમને આપેલી ભેટ છે. જે તેમણે અનુયાયીઓ ના નામને બદ્લે પોતાના નામ નીચે દાન કર્યાની તખ્તી મૂકાવી છે તો તેમનુ આધ્યાત્મિક સ્તર શું હોઈ શકે તે આપ વિચારજો !
   મંદિરો દ્વારા સંસ્કાર અને સંસ્કૃતિનું લાલન-પાલન કે રક્ષણ અવશ્ય થઈ શકે જો તે કોઈ પોતે માનેલા વાડા પુરતું મર્યાદીતા ના બની રહી જન સમુદાય માટે વિચારે ! કમભાગ્યે આપણાં દેશ આવા સંપ્રદાયો અને વર્ણ પ્રથાને પ્રતાપે એટલી હદ સુધી વિભકત બની ચૂકયો છે કે દરેકનો ઈશ્વર પણ અલગ અલગ છે. તેમ છતાં આ દેશ મંદિરોથી-કથા-વ્યાખ્યાનો દ્વારા વારંવાર ઉપદેશાતા ઉપદેશના કોઈ પ્રભાવમાં આવ્યા વગર ભ્રષ્ટાચાર્-લાંચ્-રુશ્વત્-ખુન-બળાત્કાર-ચારિત્ર્યહિનતા-ભેળસળ્-કાળાબજાર-સંઘરાખોરી વગેરે અનેક દૂષ્ણોથી ઉભરાઈ રહ્યો છે. અને આ વિષે કોઈ સાધુ-સંતો-ગુરૂઓ લોક હિત કે કલ્યાણ માટે ઉપદેશ દેવા સીવાય, પોતાનો વૈભાવી ઠાઠ-માઠ છોડી, લોકોની વચ્ચે આવી આ દુષણો અટકાવવાના પ્રયાસો કર્યા હોય તેવું જાણવા મળશે તો મને આનંદ થશે ! મારે એ પણ જાણવું છે કે બાપસ સહિત કયા કયા સાધુ-સંતો કે ગુરૂઓએ છેક છેવાડેની અર્થાત છેક દેશના અંદરના ભાગમાં જઈ સેવા કાર્યો કર્યા અને દલિતો પ્રત્યે પણ સહજ સહાનુભૂતિ અને સમાનતાને ધોરણે સેવાઓ આપી અને આજે પણ આ સેવા યજ્ઞ ચાલુ છે ! આપના મત પ્રમાણે દાનની રકમ સ્વીકારતા પહેલા કોઈ ચકાસણી કરવાની આવશ્યકતા નથી ગમે તે સ્રોત (સોર્ષ) -માંથી રકમ મળે તે સ્વીકારી લેવામાં કોઈ દોષ નથી. આપ ગુજરાતીમાં કહેવત છે તે જાણતા હશો. અન્ન તેવો ઓટકાર અને વાવો તેવું લણો . આ તબક્કે મને એક નાની એવી વાર્તા બાળપણમાં વાંચેલી/સાંભળેલી તે ટાંકવાની લાલચ થાય છે. એક બાળકને શાળામાં અભ્યાસ માટે મુકવામાં આવ્યું. તે બાળક એક દિવસ કોઈની પેંસીલ ચોરી ઘેર લાવ્યો અને માને દેખાડી. મા એ કશું નહિ કહ્યું. દિવસે દિવસે તે મોટી ચીજ-વસ્તુ ચોરીને લાવતો થયો. પણ માએ ક્યારે ય ટોકયો નહિ કે કશું કહ્યું પણ નહિ. બાળક મોટો થયો અને ચોરી જ તેનો મુખ્ય વ્યવસાય થઈ ગયો. પરિણામે એક વાર ચોરી કરવા જતાં કોઈની સાથે મારા મારી થઈ અને તેના હાથે પેલાની હત્યા થઈ ગઈ. પોલીસ કેસ થયો. અદાલતે ફાંસીની સજા ફરમાવી. ફાંસી દેવાના દહાડે તેની છેલ્લી ઈચ્છા વિષે પૂછવામાં આવતા માને મળવાની ઈચ્છા વ્યકત કરતા માને બોલાવવામાં આવી. માને જોઈ તે માને એટલી ભીંસમાં લઈ ભેટયો અને માનું નાક કરડી ખાધું. મા વેદનાના ચિત્કાર કરતી બેહોશ થઈ પડી ગઈ. આ જોઈ ત્યાં હાજર રહેલા અધિકારીએ આમ કેમ કર્યું તેમ પૂછ્તા પેલાએ જવાબ આપ્યો કે જયારે હું અણસમજુ બાળક હતો અને પેંસીલ ચોરીને પહેલી વાર ઘેર ગયેલો ત્યારે માએ મને ટ્પાર્યો હોત કે ઠપકો આપ્યો હોત તો આજે મને આ ફાંસી નહિ મળતે ! હવે એક અણિયાલો સવાલ કરું ? ખરાબ નહિ લગાડતા આપની લાગણી દુભાવવા આ પ્રશ્ન કરતો નથી. આપનો પુત્ર/પુત્રી માસિક રૂપિયા 10.000/-નો પગાર રળે છે અને અચાનક એક દિવસ આપના હાથમાં દસ લાખ જેવી મોટી રકમ મૂકે છે આપ તેને આ રકમ ક્યાંથી અને કેવીરીતે મેળવી તેવો પ્રશ્ન કરશો કે ચૂપચાપ આ રકમ તીજોરીમાં જમા કરી લેશો ? આ ઉદાહરણ છતાં આપ આપના મતમાં મકકમ હોતો મારે કંઈ કહેવાનું રહેતું નથી. આપને આપનો મત મુબારક !!
   મારો તો દ્રધ અને મક્ક્મ મત છે જ કે કોઈપણ દાન -ભલે તે ખૂબ મોટી રકમ કેમ ના હોય – સ્વીકારતા પહેલાં આ રકમ કઈ અને કેવી પ્રવૃતિ દ્વ્રારા મેળવાઈ છે તેની ચકાસણી કરવી અનિવાર્ય બની રહેવી જોઈએ. શકય છે કે આવા દ્ર્ધ સંકલ્પ વાળા સંપ્રદાયોને દાન કરવા વાળા ઓછી સંખ્યામાં મળે,- તો શું થયું ? એક વધુ વાત કે જે કોઈ વ્યકતિ અનીતિ/અનૈતિક કે ગેરરીતી દ્વારા સંપત્તિ એકઠી કરે છે તે સતત પોતાના જ આત્મા સાથે તાદાત્મય સાધી શકતો નથી હોતો અને આ સતત ડંખતા આત્માના અવાજ ને ધીમો પાડવા કે છેતરવા દાન/ધરમાદો કરતી રહે છે તેમ છતાં ગેરરીતીથી મેળવેલી રકમ ક્યારે ય પૂરેપૂરી દાન કરતો હોતો નથી તેવી રકમના 5 થી 10 ટકા જ દાન કરાતુ હોય છે અને જે બે ઉદેશ સાધે છે. ( ! ) આત્મ સંતોષ- આત્માને છેતરી –મેળવવો ( 2 ) સમાજમાં નામના અને કીર્તિ મેળવવાની ભૂખ પણ સંતોષી શકાય છે.
   સાથો સાથ એક વાત પણ દીવા જેવી સ્પષ્ટ છે કે સંપ્રદાયોના વડા કે સાધુ-સંતો કે ગુરૂઓ કે કથાકારોના વિચાર-વાણી-અને વર્તનમાં સમાનતા અને એક્વાક્યતા નહિ હોય તો સમાજ ઉપર કોઈ પ્રભાવ ક્યારે ય નહિ જ પડે ! હા ! સંભવ છે કે ક્ષણિક આવેગ કે ઉભરામાં તાલિઓના ગડ ગડાટ સાંભળવા મળે મીડીયા વાળા પણ વાહ વાહ પોકારે પરંતુ સમાજ તો જે હતો તે જ રહેશે !
   આપના પ્રતિભાવનો પ્રત્યુતર ધારણા કરતાં લાંબો થયો છે ! તેમ છતાં અંતમાં ધર્મ અને મંદિર વિષે જગ વિખ્યાત તત્ત્વ ચિતક ખલિલ જિબ્રાને કહ્યું છે કે એક જ ધર્મ હોઈ શકે અને જીવન, જીવન એટ્લે ખેતર, જીવન એટ્લે દ્રાક્ષનો મંડપ અને જીવન એટલે —–જીવન જિંદગીને પ્રેમ કરે ત્યારે જ માણસના જીવનમાં સાચા ધર્મનો ઉદય થાય. જિંદગી પ્રત્યેના પ્રેમનો અંત એટલે ધર્મનો પણ અંત. જિબ્રાન એમ પણ કહેતાં કે મારો આત્મા એ જ મારો મંત્રી એણે જ મને દીશા આપી છે. એ એમ પણ કહેતાં કે મંદિર તમારી અંદર જ સમાયેલું છે. તમે જાતે જ તમારા ધર્મ ગુરૂ છો.
   ચલો આવજો !મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 11. નાનપણ માં એક હિન્દી મુવી જોએલું સંત જ્ઞાનેશ્વર.એમના બહેન મુક્તાબાઈ તળાવ કે નદી કિનારે સ્નાન કરતા હોય છે,અને ફેમસ હઠ યોગી ચાંગદેવ વાઘ ઉપર સવારી કરીને મળવા આવે છે.મુક્તાબાઈ ને સ્નાન કરતા જોઈ યોગીરાજ ચાંગદેવ અવળા ફરીને ઉભા રહે છે.સારું કહેવાય ને ?સ્ત્રી સ્નાન કરતી હોય તો બધા આવું જ કરે.પણ મુકતાબાઈ કહે છે યીગીરાજ હજુ કાચા છો.વાઘ ને જીત્યો પણ કામ ને ના જીત્યો.આ શરીર ને ફક્ત હાડચામ નું શરીર જ સમજ્યા હોત,કે સ્ત્રીને માતા તરીકે જોઈ હોત તો અવળા ના ફરવું પડ્યું હોત.વિડમ્બના એ છે કે આજના આધુનિક અને વૈજ્ઞાનિક યુગ માં પણ આવી માન્યતાઓ? બીજી કરુણતા એ છે કે આ પંથ ના ભક્તો ગર્વ કરે છે કે અમારા પંથ માં કેટલા બધા ડોક્ટર્સ અને એન્જીનીઅર્સ છે.જોકે ડીગ્રી હોવાથી અંતર ની જાગૃતિ થોડી આવી જાય?

  Like

  1. ભાઈ શ્રી ભુપેન્દ્રસિંહ
   આપની વાત સાશી છે મનુષ્ય હોઈ કે પશુ પક્ષી જન્મજાત અને મૂળભુત વૃતિઓ વડે જ દોરવાતા રહે છે. અને જેમાં જાતિય વૃતિ પ્રધાન ગણાવી જોઈએ અને આપણાં ઋષિ મુનીઓ કદાચ એતલે જ ગૃહસ્થી વસાવી ને રહેતા ! જાતિય વૃતિ દ્વારા સર્જન કરવાની જવાબદારી ઈશ્વરે તમામ નાના મોટા જીવ-જંતુને પોતાના વતી સોંપી છે અને સર્જન કરવા કામથી પ્રવૃત થવું તે તો મારા મતે ઈશ્વરીય પ્રવૃતિ ગણાવી જોઈએ ! કોઈ પણ પંથમાં ડૉકતરો અને એંજીનીયર્સ અને અન્ય ડીગ્રી ધારકો હોય જ છે પરંતુ તેનો અર્થ ખચીત પણે એવો તો ના જ થઈ શકે કે આ પંથના કાર્યો વ્યાજબી છે. હા લોકોને ભરમાવવા જરૂર ઉપયોગ કરી શકાય અને તે તમામ પંથો કરે છે જેમાં સ્વામીનારાયણ પંથ કદાચ આગળ પડ્તું સ્થાન ધરાવતો હોય તેમ બની શકે ! આપની મુલાકાત માટે આભાર અને પ્રતિભાવ માટે પણ ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 12. શ્રી અરવિન્દભાઈ, આપને ખુબ ખુબ અભિનંદન.. વૈદિકધર્મીની આ સિહગર્જના છે.. હુ સહમત છું આપના આ યથાર્થ અવલોકન ચિન્તન અને વિવેચન સાથે…
  આપણને અધિકાર છે વાણિ સ્વાતન્ત્રયનો હિન્દુ ધર્મ તેના સમ્પ્રદાય કરતાં અનેક ઘણો મહાન કહેવાય તેની ઉદારતાને લીધે જ આવા સમ્પ્રદાય વિક્સે છે ફુલે ફલે છે..એક પાયનો સિદ્ધાન્ત છે કે આ સમ્પ્રદાયો જો વૈદિક ધર્મના મૂળ્ભૂત સિદ્ધાતોને અનુસરનાર રહે તો જ તે માન્ય છે પણ આજે આ સત્ય લગભગ વિસરી જવાયું છે..અમારા લન્ડનના સીબી પટેલે તો સાફ કહી દે છે કે દુખ્ની વાત છે તમે ધર્મને વહેંચી નાખ્યો છે વાડામાં…તમે અત્યન્ત નમ્ર્તાથી કહ્યુ કે,..
  હું જાણું છું કે હું વાઘની બોડમાં માથું નાખી રહ્યો છું..પરન્તુ જો તેમને આમાનુ યત્કિન્ચિત સત્ય સમજાશે તો પાલન કરશે અથવા તમારા માટે જો નારાજ થશે તો તમે એક નિર્ભય વેદાન્તકેસરી ગર્જના કરી છે તેમ માનજો. સ્વામિ વિવેકાનંદ અને દયાનંદ વેદાંત્કેસરી હતા અને જેઓ ઘેટાંબકરાની વાડો સરજે તે સિંહોથી ડર લાગે જ. મે સત્યાર્થ પ્રકાશ વાંચેલ છે તેમાં સ્વામિનારાયણ સમ્પ્રદાયન સિદ્ધાતોનું વૈદિક સિદ્ધાત સાથે સમિક્ષણ થયું છે. ધર્મસત્તા પણ અંકૂશમાં હોવિ ઘટે અને મન્દિર નિમ્ર્માણ કરતાં મૂલ્ય નિર્માણ અને માનવ ઉત્થાન્માં વધુ પ્રવૃત્ત હોવી ઘટે..સમ્પ્રદાયીક્તા આ શરમજનક ઘટના છે તેમાથી આધ્યાત્મિક વિકાસ થાય તો જ ગૌરવ..સ્વામિ વિવેકાનંદે કહ્યુ છે કે સમ્રદાયમાં જન્મ લેવો તે ભાગ્ય છે પણ મ્રુત્યુ થાય તે દુર્ભાગ્ય..આ એક મહાન સિંહ ગર્જના છે..વેદાંતકેસરીની. જે અનુયાયી રુપી ઘેટા બકરાને વાડથી બહાર લૈ જૈ શકે પરન્તુ..ગાદીપતિઓ ડરી જાય…

  Like

  1. શ્રી દિલિપ ભાઈ
   આપે બ્લોગની મુલાકાત લીધી અને આપને મારાં વિચારો ગમ્યા તે જાણી વિશેષ આનંદ અને આભાર ! મેં જણાવ્યુ જ છે કે મારું ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાન અત્યંત મર્યાદિત છે પણ મેં જે કંઈ વાચ્યું છે અને વિચાર્યું છે તે જ માત્ર અહિ જણાવી રહ્યો છું. આપે તો વેદાંત કેસરી જેવી સિંહ ગર્જના સાથે સરખાવી દીધી ! અરે ભાઈ હું તો બિલકુલ ક્ષુલ્લક અને મર્યાદિત જ્ઞાન ધરાવું છું. ખેર ! આપ જેવા વિચારકને મારાં વિચારો ગમ્યા તે મારા માટે પ્રોત્સાહન રૂપ નીવડશે !
   ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિદ

   Like

  1. ભાઈ પંકજ

   સીસ્ટમનો દોષ જોઈ બેસી રહેવા કરતાં લોક મત કેળવવો રહ્યો અને તે માટે પ્રયાસો કરવા રહ્યા ! હું જાણુ6 છું કે મારા પ્રયાસો દરિયાના પાણીમાં એક બુંદ જેવું મહત્ત્વ ધરાવે છે તેમ છતાં હું પ્રયાસો કરતો રહુ છું અને કરતો રહીશ ! જે મિત્રોને નવા વિચારો પસંદ પડે તે સર્વ પણ જોડાય તો આ કાર્ય ઝડપી અને સહેલું બની રહે ! આવજો ! મળતા રહીશુ !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 13. તમારી સાથે પુર્ણ સમ્મત છું .

  ——-

  જેમણે પણ આ ખર્ચ ઉઠાવ્યો તે તમામની આવકના સાધનો-સ્તોત્રો વિષે ક્યારે ય ..

  સ્તોત્ર નહીં પણ સ્રોત હોવું જોઈએ.

  વાંકદેખાપણા માટે ક્ષમા યાચના

  Like

  1. આભાર સુરેશ ભાઈ ! આપે મુલાકાત લીધી અને સ્તોત્ર નહિ પણ સ્ત્રોત હોવું જોઈએ તે ભૂલ સુધારવા માટે પણ આભાર ! આપને વાંક દેખા હું ક્યારેય ગણતો નથી. કોઈ ભૂલ તરફ ધ્યાન દોરે તો જ ભૂલ સમજાય અને સુધરી પણ શકે !
   આપ મારી સાથે સમ્મત છો તે જાણી આનંદ ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 14. સચોટ જવાબ તો જાણે આપવો મુશ્કેલ છે, છતાં માત્ર તર્ક લડાવીને કહો કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરના ભારત દેશમાં કુલ મળીને મંદિરો કેટલા હશે? સવાલ મૂંઝવનારો લાગ્યો? તો જવાબમાં ‘પાસ’ કહીને સવાલને બાયપાસ કરવાની છૂટ છે, પરંતુ એમ કર્યા પછી બીજા એક વાયડા પ્રશ્નનો જવાબ આપવો રહ્યોઃ આખા ભારતમાં કુલ સિનેમાગૃહો કેટલા?

  ફરી ગૂંચવાડો પેદા થયો હોય તો ચાલો, હવે ત્રીજા (અને બહુ સરળ) સવાલનો જવાબ આપોઃ દેશભરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજિ મ્યુઝિયમ્સ કેટલા છે? આનો જવાબ કદાચ સહેલાઇથી આપી શકો, કેમ કે લાખ, હજાર કે સેકડોના આંકડાની આંટીઘૂંટીમાં પડવાની તેમાં જરૂર નથી. હિસાબ બે આંકડામાં નીકળે એટલો નાનો છે. સાયન્સ સેન્ટરની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો અને વિજ્ઞાન-ટેક્નોલોજિને ઉપરછલ્લી રીતે દર્શાવતા તદ્દન નાનામાં નાના મથકને પણ ગણતરીમાં લો તોય ભારતમાં એવા કેન્દ્રો ૨૭ થી વધુ નથી. ગુજરાતના સાયન્સ સીટી જેવા મોટા મથકો તો આપણે ત્યાં પૂરા અડધો ડઝન પણ નથી.- aa vat nu koy ne dukh nathi kemke tema kamani nathi
  AA MARU GYAN NATHI AAPNE harshalpushkarna.blogspot.com jova mari vinaniti che jema mari najre 1 sacha sant ane deshprmi parivar ne vachava malshe.
  AATLA BADHA MADIRO KARTA K DHRMO KARTA AAJE AA DESH NI UGATI PEDHI NE SCINCE CITY NI VADHARE JARUR CHE SHU KYO CHO SAHEB?

  Like

  1. ભાઈશ્રી તેજસ

   આપની વાત સાચી હોવા છતાં આવા સંપ્રદાયો જ ફાલે-ફુલે છે કારણ કે આ કહેવાતા સાધુ-સંતોને પોતાની પ્રતિષ્ઠા અને કીર્તિ વધારે વહાલી છે. તત્વાર્થે જુઓ તો આપણાં દેશના રાજકાણીઓ/સત્ત્તાધીશો અને આ સાધુ-સંતો કે ગુરૂઓ કોઈ રીતે જુદા પડતા નથી. આ તમામના સ્થાપીત હિતો પોષવા જ આવી બધી પ્રવૃતિ થતી હોઈ તેવું લાગે છે ! આ લોકોને નવી પેઢીનું જે થવું હોય તે થાય તેમનું તરભાણું યેન કેન પ્રકારેણ ભરવા માં જ રસ છે !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

  2. ભાઈ શ્રી તેજસ,
   તમારી વાત સાચી છે.ભારતને મંદિરો નહિ,ધર્મો ની નહિ સાયંસ અને રીસર્ચ સંસ્થા ઓ ની જરૂર છે.આ ધર્મોએ ભારત ને સાયંસ વિરોધી બનાવી દીધું છે.ધર્મ ની અંદર રહેલું સાયંસ તો આ ગુરુઓને ખબર જ નથી.અદ્વૈતવાદ એ લો ઓફ સીન્ગ્યુલારીટી છે કોઈ બાવા ને ખબર નહિ હોય.ખેર તમારા બહાને હર્ષલ પુષ્કરના નો બ્લોગ જોવા મળ્યો,સફારી મારું વર્ષો થી પ્રિય છે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s