સવારમાં પ્રગટાવાતો દીવો અને તેની મહત્તા

સવારમાં પ્રગટાવાતો  દીવો  અને  તેની  મહત્તા

 

મારા એક મિત્રએ મને પ્રશ્ન પૂછ્યો કે આપણાં સમાજમાં –મુખ્યત્વે હિન્દુ પરિવારોમાં-સ્નાનાદિ નિત્યકર્મ પતાવ્યા બાદ ઘરમાં એક નિશ્ચિત જગ્યાએ દીવો પ્રગટાવવામાં આવે છે. તો કેટ્લાક પરિવારો દીવા સાથે ધૂપ કે અગરબત્તી પણ પ્રગટાવી વાતાવરણ સુગંધિત કરતા આપણે જોઈએ છીએ. તો આ દીવો પ્રગટાવવાનો આ રિવાજ કે રૂઢી કે પ્રણાલીકા શા માટે પ્રયોજવામાં આવી હશે ?

###  આ વિષે ખૂબ વિચાર કરતાં એક વાત તો બહુ જ સ્પષ્ટ રીતે સમજાય  કે ભલે આ ક્રિયા જીવનની એક સ્વાભાવિકતા બની ગઈ હોય પણ તેની પાછ્ળ કોઈ તર્ક તો જરૂર હોવો જોઈએ. અને તો તે શું હોય શકે ?

###  આ વિષે મને જે કાંઈ સમજાયું તે અહિ પ્રસ્તુત કરું છું !

###   ઉત્ક્રાંતિના સિધ્ધાંત પ્રમાણે માનવીનો વિકાસ પ્રાણી અર્થાત વાનરમાંથી થયો છે તેમ માનવામાં આવી રહ્યું છે. પોતાની પ્રાથમિક અવસ્થામાં માનવી જંગલોમાં રહેતો જ્યાં કુદરતી રીતે જ વૃક્ષોના ઘર્ષણથી પ્રગટતા દાવાનળ પણ જોયા અને અનુભવ્યા પણ હશે. આ દાવાનળમાં અનેક માનવીઓ-પશુઓ-અને પક્ષીઓને પણ હોમાઈ જતાં જોયા હશે. દાવાનળના ઓલવાઈ જવા બાદ સળગી અર્થાત ભૂંજાય  ગયેલા પશુ-પક્ષી કે માનવ શરીરોનો ખોરાક તરીકે પણ કેટલાકે ઉપયોગ કર્યો હોય અને જે કાચા માંસ કરતા વધારે સ્વાદિષ્ટ અને પોષણક્ષમ લાગ્યું હોય ! પ્રાથમિક અવસ્થામાં તો માનવી માંસાહારી જ હતો તેથી આ બળી -ભૂંજાઈ- ગયેલા દેહોનો  ખોરાક તરીકે ઉપયોગ બહુજ સ્વાભાવિક ગણાવો જોઈએ.

###   માનવી પ્રાથમિક અવસ્થામાં નદીઓના કિનારાની આસપાસ જ વસતો જોવા મળે છે. કારણ ખોરાક જેટલી જ પાણી પણ  તમામ જીવાત્મા માટે મૂળભુત જરૂરિયાત છે. ઉપર કહ્યું તેમ અગ્નિમાં સેકાય ગયેલા પશુ-પક્ષી કે માનવીના શરીરનો ખોરાક તરીકે ઉપયોગ કરતા અને તે પોષણક્ષમ અને સ્વાદિષ્ટ લાગતાં આ દાવાનળમાં પ્રગટ થતા અગ્નિને સાચવી રાખવા કોઈ એ વિચાર્યું હશે કે જેથી આવો ખોરાક ખાવાની ઈચ્છા થાય ત્યારે પોતે પણ પકાવી શકે ! તો આ અગ્નિને ક્યાં અને કેવીરીતે સાચવવો-સંઘરવો તે વિષે અનેક રીતો વિચારાય હશે !!  

###   આપોઆપ દાવાનળ સ્વરૂપે પ્રગટતા અગ્નિએ માનવીને ભયભીત પણ કર્યો હશે.! કારણ તે માત્ર વૃક્ષો જ નહિ પણ કોઈ પણ ને ભસ્મીભૂત કરવા સમર્થ છે તે અનુભવ્યું હશે અને તેથી સમય જતાં અગ્નિને એક ઈશ્વરના સ્વરૂપ તરીકે સ્વીકારી પોતાના રહેઠાણમાં  સાચવવાની રીતો વિચારીને શોધી હશે.

 

###   શક્ય છે કે શરૂઆતમાં અગ્નિને પોતાના રહેઠાણથી દૂર સલામત સ્થળે સાચવવાની શરૂઆત કરી હશે અને જે વ્યક્તિને જરૂર હોય તે ત્યાં જઈ ખોરાક પકાવી શકે તેવું આયોજન કર્યું હોઈ શકે. સમય જતાં અને જેમ જેમ માનવીની વિચાર શક્તિ ખીલતી ગઈ તેમ તેમ આ અગ્નિનો માત્ર ખોરાક પકાવવા માટે જ ઉપયોગ મર્યાદિત નહિ રાખતા રાત્રે અંધારામાં પ્રકાશ મેળવવા પણ કરવા લાગ્યો હોવો જોઈએ, અને તે માટે , અગ્નિને રહેઠાણ  નજ્દીક  લાવવો અનિવાર્ય બન્યો, સાથે જ પોતાની સલામતી પણ સચવાય તે રીતે,  નજદીક ખરો પણ રહેઠાણની ભીતર નહિ, તે રીતે અગ્નિને સંઘરવા અને સાચવવાની રીતો શોધી  હોવી જોઈએ. આવા સ્થળોમાં અગ્નિને  સતત પ્રજ્વલિત રાખવા કોઈ વ્યક્તિને 24 કલાક હાજર રહેવું પણ અનિવાર્ય બને જ  તે સ્વાભાવિક છે.

###    સમય જતાં માનવીએ  અગ્નિને પોતાનાં રહેઠાણની અંદર સંઘરવાની અને સાચવવાની પધ્ધ્તિ પણ શોધી કાઢી તેમ છતાં સતત જલતા અગ્નિથી તે ભયભીત તો રહેતો જ. આથી કેટલાક એવા લોકો કે, જે રહેઠાણથી  દૂર રહી અગ્નિને સતત પ્રજ્વલિત રાખી રક્ષણ કરતા હતા, તેઓએ આવા સ્થળોને પવિત્ર ભૂમિને  નામે ઓળખ આપી દીધી અને કાળક્રમે આ સ્થળો મંદિરો તરીકે ઓળખાવા લાગ્યા હોવા જોઈએ !!!

###  બિલકુલ તેવીજ રીતે, કાળક્રમે   જે લોકો અગ્નિને પોતાના રહેઠાણની અંદર સતત પ્રજ્વલિત રાખી સંઘરતા અને સાચવતા હતાતેઓ પોતાને અગ્નિહોત્રી -અર્થાત જેમના રહેઠાણના પટાંગણમાં 24 કલાક અગ્નિ પ્રગટેલો જ રહેતો હોય્- તરીકે ઓળખાવા લાગ્યા અને જેમને અગ્નિની જરૂરિયાત હોય તેમની પાસેથી સાટામાં  કંઈ પણ વસ્તુઓ મહેનતાણા સ્વરૂપે સ્વીકારવા લાગ્યા ! જે કાળક્ર્મે દક્ષિણા બની રહી !!

 

###  માનવી  સમય જતાં પોતાના રહેઠાણમાં જ સતત પ્રજ્વલિત અગ્નિ સાચવવા કોઈ રીત શોધવા લાગ્યો કારણ કે ,દરેકને હવે અગ્નિની અનિવાર્યતાનો અહેસાસ થઈ ગયો હોય, કાળક્ર્મે આખરે દીવાના સ્વરૂપે અને ,ફરી ફરીને ,પ્રગટાવી શકાય તેવી રીતો શોધી કાઢ્વા સમર્થ બન્યો. પરંતુ અગ્નિથી ઉપસ્થિત થયેલો ભય કાયમી ધોરણે આજે પણ માનવીના માનસમાં છવાયેલો જ છે અને તેથી જ અગ્નિને ઈશ્વરના એક સ્વરૂપ તરીકે સ્વીકારી  સવારમાં દીવો પ્રગટાવી પોતાની કૃતજ્ઞતા વ્યકત કરતો રહે છે !!!! અર્થાત સવારમાં  દીવો પ્રગટાવવા પાછ્ળ આ પણ એક કારણ હોવાનું માનવાનો સંભવ રહે છે. ! 

 

 

 

###  દીવો પ્રગટાવવાની પાછળના તર્ક વિષે વિચારતાં સૌ પ્રથમ મને પૃથ્વી ઉપર રોજ સવારે પ્રાકૃતિક રીતે સૂર્ય રૂપે પ્રકત થતો દીવો  યાદ આવ્યો. સવારના ખીલતા  કુમળા કિરણો દરેકના જીવનમાં કેવી મસ્ત સ્ફ્રૂર્તિ અને નવચેતના પ્રગટાવે છે. પછી તે માનવી હોય કે પશુ-પક્ષી કે વનસ્પતિ અર્થાત નાના મોટા વૃક્ષો કે ફૂલો !! સમગ્ર સૃષ્ટિ  નવ પલ્લ્વિત બની અદભૂત રીતે ખીલી ઉઠે છે ! સૌ કોઈને તાકાત અને તાજગીનો અનુભવ થાય તેવો આ સમય હોય છે. મધ્યાન્હે આજ સૂર્ય પૂર્ણ કક્ષાએ ખીલી ઉઠે છે અને તેના કિરણો એવો તો તાપ ફેલાવે છે કે ક્યારેક તે અસહ્ય બની જાય છે અને તેની સામે જોવું પણ અશક્ય બની રહે છે ! દિવસના ઢળતા સાથે આજ સૂર્યના કિરણો ફરીને શાતા ફેલાવી રહે છે તેમ છતાં તે પ્રૌઢ્તાથી ભરેલો રંગીન અને રમણીય દેખાય છે તેમાં સારા દિવસમાં કરેલી મુસાફરીનો થાક વર્તાતો હોવા છતાં પણ  ડૂબતો સૂર્ય સુંદર લાગે છે અને આખરે  તે અસ્ત પામે છે અને ચોતરફ અંધકારનું સામ્રાજય ફેલાય જતું રહે છે !

###  આજ વાત દીવા સાથે અદભુત સામ્યતા ધરાવે છે. જયારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેની જ્યોતિ ખૂબ જ નાની  હોય છે .સમય જતાં ઈંધણ મળતા જ સંપૂર્ણ રીતે પ્રગટી ઉઠે છે અને ચોતરફ પ્રકાશ ફેલાવા લાગે છે. અને ક્યારેક આ જ જ્યોતિને પવનનો માર લાગતાં કે અન્યરીતે જોલા ખાવા લાગે છે અને દીવો બુઝાય  જશે તેવી દહેશત ઉભી થાય છે કે તરત જ મુમુક્ષુ  દીવો બુઝાય ના જાય તે માટે પ્રયાસ કરવા લાગે છે.  જેમ મનુષ્યના જીવન દરમિયાન પણ કેટ્લીક વાર જુદી જુદી માંદગી આવતા ડૉકટર ને બોલાવી દવા લઈ ફરી જીવન ચેતનવંતુ બનાવામાં આવે છે  ઠીક તે જ રીતે દીવા ને જલતો રાખવા સભાન રીતે પ્રયત્નો કરવા પડતા હોય છે.  તેમ છતાં દીવો પણ ધીરે ધીરે ધીમી ગતિએ સંપૂર્ણ રીતે બુઝાય જવા તરફ ગતી કરતો રહે છે અને અંતે  સંપૂર્ણ બુઝાય જાય  તે પહેલાં એકદમ પ્રકાશીત થતો હોય છે. જીવનનું ચક્ર પણ  સૂર્યની અને દીવાની ગતિ સાથે અદભૂત સામ્યતા ધરાવતું માલુમ પડે છે. શૈશવાસ્થા-યૌવન-વૃધ્ધાવસ્થા અને અંતમાં અસ્ત ! જાણે બંનેની નિયતિ એક જ છે !

###  માનવી પણ જ્યારે મધ્યાન્હે એટ્લે કે યુવાનીમાં હોય છે ત્યારે અત્યંત ચેતનવંતો  તેજસ્વી અને પ્રભાવશાળી બનતો હોય છે અને દુનીયા જાણે પોતાની મુઠ્ઠીમાં સમાય જતી હોય તેવી ભ્રમણામાં રાચતો  જોવા મળે છે. પણ સમય જતાં તે પણ ઢળતી ઉમરમાં પોતાનું ચેતન તેજ અને પ્રભાવ ગુમાવવા લાગે છે અને આખરે અંત તરફ ઢળે છે.

###   તો દીવાનું રહસ્ય શું તે પ્રશ્ન તો બાકી જ રહ્યો. ઉપરોક્ત વાત ધ્યાન ઉપર રાખી હવે દીવા વિષે વિચારી એ ! દુનિયાભરમાં કોઈપણ દેશમાં આવી પ્રથા હોવાનું જાણ્યું નથી. આપણાં દેશ સિવાય અને આપણાં દેશવાસી સિવાય કોઈ પણ પ્રજા-લોકો- દિવસનો આરંભ દીવો પ્રગટાવીને કરતાં હોય તેવું જાણ્યું નથી. આ દીવો પ્રગટાવવાની કરવામાં આવતી વિધિ પ્રથમ દ્રષ્ટિએ તો સ્થૂળ અને યાંત્રિક અને પરંપરાથી   થતી જણાય છે. પરંતુ આની પાછળ ખૂબજ ગહન રહસ્ય છૂપાયું હોવું જ જોઈએ—તો તે શું હોઈ શકે ?

###  આ રહસ્ય સૂર્યને નજર સામે રાખી ઉકેલવાનો પ્રયાસ મેં કર્યો છે. મને ખબર નથી કે હું આ બાબતમાં કેટ્લો સાચો હોઈ શકું ? આ વાંચનાર મારા વિચારો સાથે સહમત ના પણ થઈ શકે અથવા મારા મત કરતા અન્ય કારણો પણ હોઈ શકે તો મારી ખાસ વિનંતિ છે કે મને તે અંગે જણાવે કે જેથી   મારા વિચારો વધારે સ્પષ્ટ બને.

આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય રોજ સાંજે અસ્ત થાય છે અને નવા પ્રભાત સાથે ફરી ઉદય થઈ પૃથ્વીને અંધકારમાંથી બહાર લાવી પ્રકાશિત કરતો રહે છે આ માટે કોઈ મહેનતાણું માંગતો નથી. બસ ! ઉદય પામે અને અંધકારને દૂર કરે તે જ તેની નિયતિ છે. અને તે વફાદારી પૂર્વક સેંકડો વર્ષો થયાં તેની ફરજ એક પણ ચૂક સિવાય બજાવ્યા કરે છે. એમાં ક્યાંય અહોભાવ કે ગર્વના દર્શન થતા નથી કે તેને તેવી કોઈ અપેક્ષા પણ નથી.

 

###  આપણે જોઈએ છીએ કે સૂર્યના જે કિરણૉ અંધકાર પાછળ છોડી આગળ પ્રકાશ રેલાવતા રહે છે અર્થાત સૂર્ય જ્યારે પૂર્વમાં ઉદય પામે છે ત્યારે પશ્ચિમમાં અંધકાર તેનું સામ્રાજય  ફેલાવી રહે છે અને પશ્ચિમમાં ઉદય પામે ત્યારે પૂર્વમાં અંધકાર વ્યાપે છે આમ એકી સાથે બંને જગ્યાએ પ્રકાશ ફેલાવી શક્વાનું સૂર્ય માટે સંભવ બનતુ નથી. અને દીવો પણ આ જ વાતની આબેહુબ નકલ કરે છે. દીવો પણ તેની નીચે પ્રકાશ ફેલાવી શક્તો નથી અને એથી જ કદાચ મનુષ્યે ધૂપ-અગરબત્તીનો વિકલ્પ પસંદ કર્યો હોવો જોઈએ કે પ્રકાશ દરેક જગ્યાએ ના પહોંચે પણ સુગંધ તો ચો તરફ અવશ્ય ફેલાવી શકાય્ !! પણ આમ કરવા જતાં માનવી એ ભૂલી ગયો કે જો સુવાસ ફેલાવવી હોય તો પોતે જલી જવાની અને રાખ સુધ્ધાં બની જવાની તૈયારી રાખવી રહી !! સમય જતાં દીવા અને ધૂપ-અગરબત્તીની વિભાવના વિસરાઈ ગઈ અને માત્ર એક ઔપચારીકતા જ બાકી રહી. !! અર્થાત માણસની આ ક્રિયા પાછળ માત્ર યાંત્રિકતા રહી. અને પોતાનું સમર્પણ ભૂલાઈ ગયું. જાગતા આવી ક્રિયા કરતો હોવા છતાં બેહોશીમાં કરતો થઈ ગયો અને પોતે શું કરે છે અને શા માટે કરે છે અને એની અંતિમ પરિણતી શી છે એનો એને ખ્યાલ જ નથી રહ્યો કે નથી જાણવાની કોઈ ઉત્સુકતા કે ઉત્કંઠ્તા !! બસ સંસારના એક ચાલતા ચક્રમાં ગોઠ્વાઈ જઈને વાસના ,ભાવના , કર્તવ્ય કે આદતવશાત એ બધું કર્યે જાય છે. કોઈ પણ કક્ષાએ કોઈ જાતનું એનુ INVOLVEMENT-  અર્થાત સમર્પણ રહેતું હોતું નથી.

###  આવી જ અન્ય ક્રિયાઓ પણ આપણા દેશના લોકો કરી રહ્યા છે જેવી કે મહાદેવ ને દૂધ ચડાવવું અને હનુમાનને તેલ  અને સીંદુર !!! આ વિભાવના પ્રયોજવા પાછ્ળ પણ કોઈ તર્ક કે કારણ હોવા જ જોઈએ પણ તે વિચારવાની કોઈને આવશ્યકતા જણાઈ હોય તેવું જણાતું નથી.. માત્ર આગુસે ચલી આતી હે માટે હું પણ કરું છું . આ ક્રિયાઓ પણ યંત્રવત થતી રહે છે કરનારનું ક્યારે ય તેમાં સંપૂર્ણ સમર્પણ-INVOLVEMENT- હોતું નથી !!! પૂજારીને દૂધ કે તેલ કે સીંદુર  મૂર્તિ ઉપર અર્પણ્ કરવા -ચડાવવા -આપી કહેવાતા ભકતનું ધ્યાન  તો કંયાક બીજે જ ભટકતું હોય છે !! કાં તો ચપ્પલમાં કે જુતામાં અથવા કોઈ અન્ય સુંદર દર્શનાર્થીમાં- શું આ વાસ્તવિકતા નથી ?!?  આ રીતે સ્થુળ અને યાંત્રિક રીતે થતી ધર્મને નામે ક્રિયાઓએ આપણાં સમાજને અત્યંત દંભી અને પાખંડી બનાવી દીધો છે તેમ નથી લાગતું ?

###  કંઈક આવી જ ભાવના સાથે આપણાં પૂર્વજોએ સવારમાં નિસ્વાર્થ ભાવે  સુર્યના ઉદયને જોઈ  ઘરમાં પણ દીવો પ્રગટાવવાનું અનુકરણ કરવાનું વિચાર્યું હોઈ શકે ! આ દીવો પ્રગટાવવો એટલે સ્વયં સહિત પરિવારમાં રહેલો અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવવો અર્થાત સમગ્ર પરિવારના હિત અને કલ્યાણ માટે વિચારવું અને અમલી બનાવવું. દીવો પ્રગટાવવો એ સ્થૂળ ભાવે કે યંત્રવત નહિ પણ સંપૂર્ણ રીતે સમર્પિત થવું અને ઉદય પામતો દરેક દિવસ અંધકાર ઉલેચી પ્રકાશ્-રોશની પ્રગટાવે તેવી સહ્ર્દય પૂર્વકની ભાવના સાથે પ્રાર્થના સાંકળી લેવામાં આવી હોય તેમ માનવાને કારણ છે. કેટલાક પરિવારો દીવા સાથે ધૂપ-અગરબત્તી પણ જલાવતા હોય છે જે સમગ્ર વાતાવરણને સુંગધિત અને પ્રફુલ્લિત કરે છે. આની પાછળ પણ પોતાના સહિત પરિવારના સંસ્કાર ચોતરફ સુગંધ ફેલાવે તેવી વિભાવના રાખવામાં આવી હોવી જોઈએ !!

###  સામાન્ય રીતે દીવો કોડિયામાં પ્રગટાવવામાં આવતો હોય છે. અને દીવાની જ્યોત પણ સૂર્યની માફક જ પરોપકારી છે તે જે પ્રકાશ ફેલાવે છે તે  દરેકને મળી રહે છે . દીવાની જ્યોત પ્રકાશ ફેલાવવામાં કોઈ ભેદભાવ કરતી નથી. કેટલાક આવા કોડિયાને કિમંતી ધાતુના બનાવી શણગારી સુશોભિત બનાવતા પણ જોવા મળે છે. આ કોડિયામાં જ્યોત પ્રગટાવવા ઘી કે તેલ પૂરવામાં આવે છે. આ ઘી કે તેલ વ્યક્તિના શરીરમાં રહેલો આત્મા ગણી શકાય. અર્થાત દીવો આપણા શરીરના જીવનનું પ્રતિક છે. શરીર  ગમે તેટ્લું શણગારાય કે સુશોભિત બનાવાય તે વ્યક્તિના અહમ કે અહંકારને પોષે પણ તેમાં રહેલી  આત્મારૂપી જ્યોત જો  વ્યક્તિના જીવનમાં પોતે જલીને પણ નિસ્વાર્થે  બીજાનું ભલુ અર્થાત પરોપકાર કરવાની જ્યોતિ કે રોશની કે પ્રકાશ ના પ્રગટાવી શકે તો તે નિરથર્ક  જ ગણાય !!!  દીવાની જ્યોત બુઝાઈ જતાં  (આત્માની વિદાય સાથે ) કોડિયું ગમે તેટલું સુંદર હોય ( બાહ્ય શરીર ) તો પણ તેનો વિલય દાટીને કે બાળીને કરવો અનિવાર્ય થઈ પડે છે. આ કઠોર સત્ય યાંત્રિક રીતે દીવો પ્રગટાવનાર મુમુક્ષુ ક્યારેય નહિ સમજી શકે. !!!

###  કમનસીબે આવી સુંદર વિભાવના આજ ના સમયમાં માત્ર એક યાંત્રિક ક્રિયા બનીને રહી ગઈ છે ! સવાર પડે સ્નાનાદિથી પરવારી દીવો પ્રગટાવવો એ એક સ્થૂળ અને યાંત્રિક રીતે થતી વિધિ બની ચૂકી છે. અને સામાન્ય રીતે તમામ પરિવારમાં આ ફરજ માત્ર પરિવારના નિવૃત કે વૃધ્ધ વ્યક્તિને સોંપી બાકીના બધા સભ્યો  પ્રથા ચાલુ રહી શકી  છે તેવા આત્મસંતોષી  બની રહ્યા છે !!

###  આપણાં દેશના ધંધાદારીઓ-ઉધ્યોગપતિઓ વગેરે પણ ધંધાના કે ઓફીસના સ્થળે દીવો પ્રગટાવતા જોવા મળે છે. અરે ! દુકાન કે ઓફિસ ખોલતી વખતે તેના દ્વાર ઉપરની રજ લઈ માથે ચડાવી બાદ જ પ્રવેશ કરતા આપણે જોઈએ છીએ !  સામન્ય રીતે આ દીવો કે અગરબત્તી પ્રગટાવવાનું કામ મેતાજી કે અન્ય નોકરને સોંપવામાં આવેલું હોય છે !! અને ધંધામાં બરકત રહે તેવી પ્રાર્થના આવા કર્મચારીઓની ફરજ્નો ભાગ બની રહેતો જોવા મળે છે. માલિક કે  શેઠશ્રીને આવા બાહ્ય રીતે કરાતા  કર્મોને ધાર્મિકતાના પડછાયા હેઠળ  તમામ ધંધાકીય ગેરરીતિ અને અનૈતિક પ્રવૃતિ કરવાનો પરવાનો ઈશ્વરને નામે મળી ગયાનો સમજી કરવામાં ક્યારેય કોઈ ગુન્હો  કે અપરાધભાવ અનુભવતા જણાયા નથી અને તેથી જ આપણાં દેશમાં ખાધ્ય ચીજ-વસ્તુઓમાં પણ એટલી હદે ભેળ સેળ થતી રહે છે કે જે ક્યારે ક જીવલેણ કે કોઈ મોટા અને ગંભીર રોગનું કારણ બની રહે છે !!!

###  આ પ્રકારની ઉભી કરેલી પરંપરા એનો સાચો અર્થ તો ગુમાવી ચૂઠી છે પણ ઉલટાનું આ કહેવાતી ધાર્મિકતાએ સમય જતાં એટ્લું કાઠું કાઢ્યું કે તેનો અતિરેક માત્ર બાહ્યાચાર બની રહ્યો અને યંત્રવત આવી ક્રિયાઓ થતી રહી પરિણામે આપણા દેશના મોટા ભાગના લોકો આવો બાહ્યાચાર કરી પોતાની જાતને ધાર્મિક ઓળખાવા લાગ્યા અને આ દંભી ધાર્મિકતાના ઓઠા હેઠળ અનીતિ-અનૈતિક્-ગેરરીતિ-ભ્રષ્ટાચાર અને ભેળસેળ કરવાનો જાણે ઈશ્વરે પરવાનો આપી દીધો હોય તેટલી હિમત ખુલ્લી ગઈ અને બિન્દાસ આવુ બધું આચરવા લાગ્યા. આની સામે અન્ય દેશોના લોકોના આચાર-વિચાર અને નૈતિકતાની તુલના કરવામાં આવે તો-અને ત્યાં કોઈ દીવો કે ધૂપ કરવામાં આવતા નહિ હોવા છતાં -આપણાં લોકો કરતા અનેક ઘણાં ચડિયાતા માલુમ પડે છે. અર્થાત ધાર્મિકતાનો અતિરેક ખોટું કરવા માટે કદાચ વધારે હિમતવાન બનાવતા હશે ? ! ?

###  ટૂકમાં દીવો પ્રગટાવવો અર્થાત મુમુક્ષુએ પોતાના અંતરમાં જ્યોતિ પગટાવવી અને પ્રકાશ અને રોશનીથી સમગ્ર  પરિવાર અને સમાજને ઉજળો કરી દેખાડ્વો આ ક્રિયા માત્ર ઔપચારિક અને યાંત્રિક ના બની રહે !

આપણા દેશના લોકો ક્યારે ય આ યાંત્રિકતામાંથી મુકત થઈ દીવા પ્રગટાવવાની વિભાવના સમજી પોતાની જાતને તેમાં તરબોળ કરી સંપૂર્ણ સમર્પિત થઈ દીવો પ્રગટાવતા થશે ખરા ????? !!!! ?????

15 comments

  1. આભાર ! આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો ખૂબ ખુશી થઈ. ફરી પણ મુલાકાત લેશો અને પ્રતિભાવ જણાવતા રહેશો મને આનંદ થશે.— અરવિંદ

   Liked by 1 person

  1. શ્રી રાજેન્દ્રભાઈ
   આભાર પ્રોત્સાહિત કરવા માટે. આપને દીવા વિષેના મારા વિચારો ગમ્યા- આનંદ થયો. લખતા રહેજો.

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 1. ### ટૂકમાં દીવો પ્રગટાવવો અર્થાત મુમુક્ષુએ પોતાના અંતરમાં જ્યોતિ પગટાવવી અને પ્રકાશ અને રોશનીથી સમગ્ર પરિવાર અને સમાજને ઉજળો કરી દેખાડ્વો આ ક્રિયા માત્ર ઔપચારિક અને યાંત્રિક ના બની રહે !

  આપણા દેશના લોકો ક્યારે ય આ યાંત્રિકતામાંથી મુકત થઈ દીવા પ્રગટાવવાની વિભાવના સમજી પોતાની જાતને તેમાં તરબોળ કરી સંપૂર્ણ સમર્પિત થઈ દીવો પ્રગટાવતા થશે ખરા ????? !!!! ?????
  Arvindbhai…A very Nice Post ! In summary, you had said the message with your concluding lines of your post !
  Chandravadan.
  http://www.chandrapukar.wordpress.com

  Like

 2. મધુકરભાઈ
  આપે મારા બ્લોગની મુલાકાત લીધી એ માટે આભાર !
  આપની વાત અંશત સત્ય છે. દીવો પ્રગટાવવાથી ઉજાસ-રોશની કે પ્રકાશ અલબત્ત ઉદભવે છે ! પરંતુ આ પ્રકશ પણ યંત્રવત જ સ્વીકારવામાં આવે છે ! જો પ્રગટ્તો ઉજાસ-રોશની કે પ્રકાશ આત્મસાત થઈ જીવનને ઉજળું ના બનાવે તો દીવો પ્રગ્ટે કે ના પ્રગટે તે બહુ મહત્વનું ના ગણાવું જોઈએ ! જો દીવાના પ્રકાશ માત્રથી નીતિ-નૈતિકતા-પ્રમાણિકતા-નિખાલસતા અને નિસ્વાર્થતા પ્રગટતી હોય તો દીવાનું પ્રગટાવવું સાર્થક થયેલું ગણાત. પણ એથી ઉલટું મોટાભાગના લોકો દીવો પ્રગટાવે છે અને તે જ દીવાના સહારે દંભી અને પાખંડી બની રહે છે અને પોતાની ધાર્મિક હોવાની ઓળખ સમાજ્માં ફેલાવા પ્રયાસ કરતા રહે છે અને જાણે તમામ પ્રકારની અનેતિ-અનૈતિકતા-ગેરરીતિ-અપ્રમાણિકતા અરે ! ખાધ્ય વસ્તુઓમાં પણ ભેળસેળ કરવાનો પરવાનો મળી ગયો હોય તેમ બેફામ વર્તતા જોવા મળે છે—આ કેવી વિટંબણા ? અને તેથી જ સ્થૂળ રીતે દીવો પ્રગટાવવો તે કરતાં દીવાની જ્યોતને આત્મસાત કરવી વ્યાજબી ના ગણાય ?
  આપે મારા બ્લોગની મુલાકાત લીધી તે માટે આભાર્ ફરી મળતા રહેશું.
  આવજો.
  સ-સ્નેહ
  અરવિંદ્

  Like

 3. શ્રી અરવિંદ ભાઈ
  તમારા બ્લોગની મુલાકાત લેતાં ઘણું નવું જાણવા મળે છે.અને એક વિચાર બીજને નવી ડાળખી ફૂટે તેવી આશા છે.

  દીપક એટ્લે દીવો પ્રગટાવવો એટલે આપણે ચેતનાને નિહાળવી.ચૈતન્ય દર્શન એ દીવાનું એક સ્વરૂપ ગણી શકાય.આ ક્રિયા યાંત્રિક હોય તો પણ આનંદદાયક જ છે. કારણ કે અંધારાને દૂર કરીને પ્રકાશ ફેલાવાનું કોને નહિ ગમે ? અંધારુ રાત્રિએ ડર્-ભય્-અણગમાને ઉત્તેજિત કરે છે.માનવીને ભયભીત અને હતાશ કરે છે.
  ચેતના ના સ્વરૂપમાં અગ્નિ પ્રથમ છે. અગ્નિ તમને દઝાડે અને અગ્નિ તમને જમાડે પણ તમારી ચેતનાને જીવતી રાખે અને જલાવી નાખે છે. આ ચેતનાનું નાનું રૂપ એટ્લે દીવો ! ભલેને યાંત્રિક રીતે થતો હોય તો પણ ગમે તેવો છે.
  દીવાળીની રાત્રે દીવા ન હોય તો ની કલ્પના થઈ શકે નહિ.દીવો કરે છે તે યાંત્રિક હોય દંભ હોય કે ભયના માર્યા કરતા હોય તો પણ તે પોઝીટીવલી પ્રકાશ પ્રગટાવીને ફેલાવાનું રેલાવાનું કામ કરે છે અને ઉર્જા-ચૈતન્યને નમન કરે છે. પોતાના હ્ર્દયના પ્રકાશનું પ્રતિબિંબ દીવો છે
  .હું દીવો કરતો નથી પરંતુ દીવાના પ્રકાશને સતત જોયા કરું છું અને તેની સમયમર્યાદા પહેલા ઓલવાય નહિ તેની પ્રતિક્ષા કરું છું. સમય પહેલાં બુઝાતા દીવામાં ચૈંતન્ય ( ઘી ) ઓછું હશે ?
  દીવડા જલતારહે અને બુઝાતા રહે તે એક સંદેશ છે ! તેના બંને પાસાને માણવું તે જ જીવન છે ! જીવન જ્યારે બોજો લાગવાનું શરૂ થાય છે ત્યારે બધું જ યંત્રવત થતું હોય તેમ લાગે છે.
  ઉત્સાહ-આનંદ દીવાના તેલ ઘી છે. સુંદરતા સૌને ગમે છે તે દીવાના પ્રકાશની હોય કે તમારા ચહેરાના રૂઆબની હોય !
  પરંતુ બાળકનું હાસ્ય કુતૂહલતા ને દીવાના પ્રકાશનું બીજું રૂપ છે !

  Like

  1. ભાઈ પ્રવીણ
   આપની વાત સાથે સુરેશભાઈની વાત કે દીવો હવા શુધ્ધ કરવાને બદ્લે કાર્બન ડાયોકસાઈડ પેદા કરતો હોય છે વળી દીવો પ્રગ્તાવવામાં દરેક ઘી જ વાપરતા હોય તેવું જરૂરી પણ નથી. મારી વાત તો દીવો પ્રગટાવવા પાછળની ભાવના અને મુમુક્ષુનુ સંપૂર્ણ સમર્પણ મહત્વનું ગણાવવું જોઈએ માત્ર યાંત્રિક ક્રિયા તરીકે આ દીવો પ્રગટાવો કે ના પ્રગટાવો તે મહત્વ્નું નહિ ગણાવું જોઈએ.
   આપના પ્રતિભાવ બદલ આભાર્ અન્ય વિચારો વિષેના પ્રતિભાવો આવકાર્ય છે !
   આવજો મળતા રહીશું આભાર
   અરવિંદ

   Like

 4. સંતવાણીનું ખૂબ સરસ સંકલન
  ઘણું નવુ જાણવા મળ્યું
  તિમીર જાશે,
  તમસ જાશે,
  અંતરની કાલીમા પણ.
  શ્રધ્ધાના દિપ અજવાળે,
  આતમ જ્ઞાનના ઉચ્ચ સથવારે;

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s